સુંદરી નવલકથા, લેખક સિદ્ધાર્થ છાયા. માતૃભારતી પર મુકાઈ છે. 106 પ્રકરણ બધાં જ વાંચ્યાં. સાવ સરળ શબ્દોમાં લેખક ગુજરાતી ભાષા ના જ ગ્રેજ્યુએટ હોવા છતાં આખી કથા ખૂબ સરળ શબ્દો વાપરી કહેવાઈ છે.
એક પ્રેમકથા જેમાં ટ્વિસ્ટ પણ વઘારેલા મમરામાં એકાદું લાલ મરચું કે રાઈ આવે એમ સ્વાદ પૂરતા જ ઉમેર્યા છે. હળવા ટ્વિસ્ટ. કોઈ મોટો ગુનો બનતો, ચેઇઝ કે ફાસ્ટ બનતો પ્રસંગ નહીં. કોઈ સેક્સ નાં લાળ ટપકાવે તેવાં વર્ણનો નહી. મૂળભૂત એ એક પ્રેમ કથા હોવા છતાં.
અતિશયોક્તિ પણ ક્યાંય નહીં. એક ઘા એ હીરો વરુણને ટેસ્ટમેચમાં ટોપ સ્કોરર નથી બતાવ્યો. એક પછી એક મેચ રમી સંઘર્ષ કરીને આગળ વધે છે. કોલેજમાં જ વિરોધી પ્લેયર તેનો પગ પણ તોડી નાખે છે.
વાત એક કોલેજમાં નવો પ્રવેશ મેળવતા યુવક અને તેનાથી ખાસ્સા સાત વર્ષ મોટી પ્રોફેસર ની છે. કામદેવનું બાણ વાગે એટલે એ ઉંમર કે બીજું કાંઈ જોતું નથી. પ્રથમ લેક્ચરમાં જ સુંદરી પ્રોફેસર નું અપ્રતિમ સૌંદર્ય જોઈ યુવક વરુણ તેના પ્રેમમાં પડી જાય છે. એક ક્લાસમેટ સુંદર છોકરી સોનલ પાસે તે જાય છે પણ સોનલનો વરુણ જેવો જ દેખાતો ભાઈ મૃત્યુ પામ્યો હોય છે એટલે એ વરુણને ભાઈ માને છે. સોનલબા રાજપૂત છે અને તેના પિતા મોટા પોલીસ અધિકારી જે વરુણને પોતાના પુત્ર જેવો માને છે અને છેક સુધી એ સંબંધ નિભાવે છે. કુણાલ વરુણનો ખાસ દોસ્ત કમ સલાહકાર છે. એનું પાત્ર પણ સારું ઉપસ્યું છે.
ડિપાર્ટમેન્ટ હેડ જયરાજ ઉંમરમાં મોટા છતાં સુંદરી પ્રત્યે વાસનાની નજરે જુએ છે અને એક બે વાર અણછાજતી છેડતી પણ કરી લે છે. એ સુંદરીના બાપ પાસે પોતાને માટે માંગુ લઈ જવા સુધી હિંમત તો કરે છે પણ એને જ કારણે પહેલાં સાત વર્ષ નાના અને વિદ્યાર્થીને સુંદરી માટે જીવનસાથી તરીકે પસંદ કરવામાં અચકાતા એના પિતા વરુણ માટે તૈયાર થઈ જાય છે. જયરાજ એના વાળી કરવા તો જાય છે પણ નિષ્ફળ રહે છે.
સુંદરીનો ભાઈ જે એક વખત ગુંડાગીરી કરી જેલમાં જઈ ચુક્યો છે તે સંપૂર્ણ સુધરી ચા વેચી સારું જીવન જીવે છે. વરુણની બહેન 'કાગડી' એના પ્રેમમા પડે છે.
બધો પ્રવાહ એવી રીતે ચાલે છે કે આગલા પ્રકરણનો ઇન્તેજાર રહે.
સરળ પ્લોટ અને પ્રકરણો સાથે લસલસતા શીરા જેવી ભાષામાં લખાયેલી આ નવલકથા માણી.
શિષ્ટ અને શાંત શૈલીમાં વહેતી છતાં આગળ વાંચવા પ્રેરે તેવી નવલકથા સુંદરી માતૃભારતી પર જરૂર વાંચવી.

Gujarati Book-Review by SUNIL ANJARIA : 111735668

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now