જિંદગીની પરિભાષા શુ ? નથી ખબર. કઈ નહિ. આવા જ કોઈ અવઢવમાં કેટલાક ક્ષણો વિતાવી રહ્યો હતો દેવેન. દેવેન નું આખું નામ દેવેન્દ્રસિંહ પ્રતાપ. પરિવારમાં એકનો એક દીકરો. એ નાનપણથી એસોઆરામની જિંદગી જીવતો. જેની નાનકડી પ્રેમકહની.

મંગળવારની એ સવાર હતી. તારીખ 29 ફેબ્રુઆરી. આ દિવસ ઉંટલે દેવેનની જિંદગીનો એકદમ ખાસ દિવસ. એ સવારે ઉઠે એ પહેલાં જ એના બેડ પાસે એક લેટર હોય. અને એમાં લખ્યું હોય,

"આજની ફરમાઈશ કહીને જજે દીકરા. સાંજે આવે એટલે એ તૈયાર મળશે. તારા જીવનમાં આ દિવસ હમેશા ખુશખુશાલ આવે એવા આશીર્વાદ. મારા દેવુને જન્મદિનની ખોબલે ખોબલે શુભેચ્છાઓ."

આ પત્ર વાંચીને દેવેનનો આજનો દિવસ શરૂ થયો. તે ચાર વર્ષમાં એક દિવસ વહેલો ઉઠે અને એ પણ પોતાના જન્મદિવસે. તે ઉઠ્યો અને જલ્દી જલ્દી ન્હાઇને તૈયાર થયો. દોડીને રસોડામાં ગયો અને મમ્મીને જઈને ભેટી પડ્યો. પગે લાગ્યો અને આશીર્વાદ લીધા. મમ્મી પછી જ તે ઘરમાં કોઈની બધાઈ સ્વીકાર કરે. મમ્મીનો એટલો લાડલો. બધાના વારાફરતી આશીર્વાદ લઈને તેને મમ્મી પાસે આજની ફરમાઈશ મૂકી.

"મમ્મી, આજે હું તારા હાથનો બદામનો હલવો ખાવાનો છું."

"હા, હા, જરૂર. હમણાં નાસ્તો કરી લે. "- કહીને દેવેનની મમ્મી ઘરના બધા સભ્યો માટે નાસ્તો કાઢે છે.

દેવેન જલ્દી જલ્દી નાસ્તો કરીને ઉતાવળે પગલે ઘરની બહાર નીકળી ગયો અને જતા જતા બોલ્યો,"મમ્મી, તું હલવો બનાવ. હું તારા માટે એક સરપ્રાઈઝ લઈને આવું છું."

આટલું બોલીને તે ઉત્સાહમાં ને ઉત્સાહમાં કોલેજ તરફ પોતાની બાઈક લઈને ગયો. આશરે અડધા કલાકમાં દેવેન કોલેજ પહોંચ્યો. ત્યાં પહોંચીને તે સૌથી પહેલા એક જ વ્યક્તિને જોવા ઈચ્છતો હતો. જવાનું નામ છે પ્રિયા.

પ્રિયા એટલે દેવેન માટે એની મમ્મી પછીની આખો દુનિયા. પ્રિયા હોય એટલે દેવેન હમેંશા હતો રમતો જ દેખાય. દેવેન આમ તો બે વર્ષથી કોલેજ કરતો હતો. પણ એના મનને કોઈ પસંદ આવે એવું કોઈ પાત્ર આટલા વર્ષોમાં પ્રિયા સિવાય કોઈ મળ્યું ન હતું.

31, ડિસેમ્બરનો દિવસ અને કોલેજનો એન્યુઅલ ફંકશન હતો. તે દિવસે બ્લેક કલરના પાર્ટીવેરમાં ગોરા રંગની ચમક દેવેનની આંખોમાં પ્રસરી ગઈ. એ દિવસને આજની ઘડી દેવેન પ્રિયા વગર કોઈ પણ સારો પ્રસંગ મનાવતો નહિ. દેવેન ભણવામાં સારો એવો હોશિયાર અને દેખાવે કોઈ ફિલ્મસ્ટાર હીરોને પણ પાછળ પાડે એવો હેન્ડસમ હતો. એટલે દેવેનના પ્રપોઝલને ઠુકરાવે એ તો કોઈ નસીબફૂટલી જ છોકરી હશે. દેવેનના પહેલા જ પ્રપોઝલમાં પ્રિયા દેવેનનો હા પાડી દે છે. પ્રિયા પણ એને ચાહવા લાગે છે. આમ જ એ બન્નેના પ્રેમને એક વર્ષ ક્યારે થઈ ગયું એનો બંનેને ખ્યાલ પણ ના રહ્યો.

આજે તો દેવેનનો બર્થડે હતો એટલે પ્રિયા પણ દેવેન માટે સરપ્રાઈઝ લઈને આવી હતી. દેવેન આવ્યો એટલે પ્રિયાએ તેને એક બોક્સ આપ્યું. આ બોક્સ લઈને દેવેન ખુશ ખુશ થયો. એને ખ્યાલ હતો કે કંઈક તો એને ગમતી વસ્તુ જ હશે. એને ઉતાવળે બોક્સ ખોલ્યું. એમાં એક લેટર હતો અને સાથે ગુલાબનું ફૂલ અને એક લૉકેટ હતું. હાર્ટ શેઈપનું લૉકેટ જોઈને દેવેન ખૂબ જ ખુશ થયો. અને પ્રિયાને કહેવા લાગ્યો, "પ્રિયા, આ લૉકેટ તું તારા હાથે જ પહેરાવી દે ને."

પ્રિયા દેવેન તરફ કઈક અજનબીની નજરે જોઈને એ લૉકેટ લઈને દેવેનને પહેરાવે છે. અને એ પ્રિયા ધીમેથી બોલી, "દેવેન, એકવાર લેટર વાંચી લે ને."

"હા, હા, તારા શબ્દો વાંચવા તો હું હમેશા તૈયાર હોવ છું."- એમ કહીને દેવેન લેટર વાંચવાનું શરૂ કરે છે. જેમાં લખ્યું હોય છે -

"દેવેન, જન્મદિનની હાર્દિક શુભેચ્છાઓ. તું તારા જીવનમાં હમેંશા ખુશ રહે એવી દુઆ કરીશ. આ લૉકેટમાં તું તારી પ્રિય વ્યક્તિને સાચવજે. હું તારા જીવનમાં રહીશ કે નહીં એનો ખ્યાલ મને નથી. કારણ કે મારા મમ્મી પપ્પાએ મારું સગપણ બીજા સાથે નક્કી કર્યું છે. અને હું એને ના કહી જ ન શકી. મને માફ કરી દેજે દેવેન."

તારી વ્હાલી,

પ્રિયા.

આટલું વાંચીને દેવેનની આંખે અશ્રુની ધારા વહી ગઈ. તે એક નજર પ્રિયાને જોતો જ રહ્યો. પ્રિયાની આંખોમાં પણ ઉદાસી સાફ દેખાતી હતી. પણ જાણે પ્રિયાને દેવેનથી દૂર જવાનો ડર કે દુઃખ ન હતું. એટલે તે આસાનીથી દેવેનને કહે છે, "દેવેન, આ જીવનમાં તો હું કોઈ બીજાની થઈ ગઈ. હું જાઉં છું. તું તારું ધ્યાન રાખજે."

દેવેન પ્રિયાના શબ્દોને કોઈ પ્રતિઉત્તર આપી ન શક્યો. એને માત્ર રડતી આંખે પ્રિયાને વિદાય આપી દીધી. આશરે 2 અઠવાડિયા પછી પ્રિયાના લગ્ન થઈ ગયા. અને આ તરફ દેવેન પ્રિયાની દગાબાજીથી પોતાને એટલી હદે બદલી નાખ્યો કે તે કોઈના પર વિશ્વાસ કરવા તૈયાર જ નહતો. દેવેન હવે ખાલી પોતાની નિજી જિંદગીને જેટલી જલ્દી બને એટલી જલ્દી પુરી કરવા માંગતો હતો. પણ કહેવાયને જીવન અને મૃત્યુ ઉપરવાળાના હાથમાં હોય છે. એટલે તે હવે નફરતની જિંદગી જીવવા લાગ્યો હતો. કોઈ કદાચ સારી રીતે વાત કરવા આવે તો પણ દેવેન એ વ્યક્તિને એકદમ રુડલી જ જવાબ આપે.

એક દિવસ દેવેનનો મિત્ર વિશાલ એને કહે છે, "દેવલા, આ બધું શું માંડ્યું છે. તું સાવ આમ કેમ બદલાય ગયો. એવું તો શું બન્યું કે તું બધા સાથે આવું ગેરવર્તન કરે છે."

"વિશાલ હું તને પણ એક સલાહ આપું છું. પેલી રશ્મિની પાછળ નય ભાગ. એ તને ક્યારે દગો આપીને જતી રહેશે તને ખબર પણ નય પડે. "- દેવેન વિશાલના જવાબ આપવાને બદલે સલાહ આપે છે અને આંખોમાં ખાલી ગુસ્સો બતાવે છે.

"પણ બોલ તો ખરો, એવું તો શું થયું કે તું સાવ આમ બદલાય ગયો. ?"- વિશાલ દેવેનના ખભે હાથ મૂકીને ફરી એ જ સવાલ પૂછે છે.

"તારે જાણવું જ હોય તો સાંભળ, તું જેને ભાભી કહેતો એ પ્રિયા મારાથી સારો છોકરો મળ્યો એટલે મમ્મી પપ્પાની મરજીનું બહાનું કરીને મેરેજ કરી લીધા બીજા સાથે. આટલું કાફી છે ઓકે."- આખી ઘટનાને દેવેન થોડાં જ શબ્દોમાં કહી દે છે.

"અચ્છા, તો એનો મતલબ એવો થોડો હોય છે કે બધી છોકરીઓ એવી જ હશે એમ."

"હા, બધી જ છોકરીઓ એવી જ હોય છે. પ્રેમને વધારે માનતી હોય તો કોઈ પ્રેમને છોડીને પૈસા પાછળ ના જાય ઓકે. આ દુનિયામાં જો પૈસા હશે ને તો આવી હજારો છોકરીઓ આગળ પાછળ ફરશે."

"હા, તો તારી પાસે પણ ગાડીને ઘર છે ને પોતાનું. અને તું તો એકનો એક દીકરો છે." અને વધુમાં વિશાલ ઉમેરે છે, "જો દેવેન, છોકરીઓ બધી એવી ના હોય. ઘણી હોય છે જે પ્રેમ માટે ઘર ના છોડી શકે. તો એમાં એની ભૂલ ના કઢાય."

"તને એટલો વિશ્વાસ હોય તો તું તારા પ્રેમના ગાન કર. બાકી જ્યારે તારા જીવનમાં આવું બનશે ત્યારે આ જ શબ્દો બોલીને બતાવજે. ઓકે. "- દેવેન એકદમ ગુસ્સામાં આવીને ખાસ મિત્ર વિશાલ સાથે પણ આવું વર્તન કરે છે.

આ બધી વાર્તાલાપ એક વ્યક્તિ સાંભળી રહ્યું હતું. દેવેન પોતાના શબ્દો પુરા કરીને જેવો ત્યાંથી નીકળવાની તૈયારી કરે છે ત્યારે આ વ્યક્તિ દેવેનને રોકતા કહે છે, "દેવેન, મને નથી ખબર કે પ્રેમ માટે કોણ શું વિચારે છે ? પણ હા, એટલું જરૂર કહીશ કે જો સાચા પ્રેમની પરિભાષા જાણવી હોય ને તો એકવાર રાધાકૃષ્ણને જાણવા ખૂબ જ જરૂરી છે. પ્રેમની પરિભાષા કઈ આમ અલગ થવાથી બદલાય ના જાય."

"કાવ્યા તું ? તું પ્રેમની વાત કરે છે ? તને ખબર પણ છે પ્રેમ શું હોય એ ? "- દેવેન પોતાના ક્લાસની સાવ ગામડાની સીધીસાદી છોકરી કાવ્યાને પણ આવો જવાબ આપે છે. ને પોતે આવી ગરીબ અને આવ સાદી છોકરીઓ એને ગમતી નથી એટલે આવો જવાબ આપ્યો એમ માને છે.

"લે આ ચોપડી, સાવ નાની છે. એકવાર વાંચજે. જો તને સાચો જવાબ ના મળે તો આ ચોપડી સળગાવી દેજે બસ."- એમ કહીને કાવ્યા પોતે લખેલી રાધાકૃષ્ણની પ્રેમકથાની ચોપડી દેવેનના હાથમાં મૂકે છે.

દેવેન મો બગાડતો બુક લીનવ ઘરે જાય છે. અને એ બુક બેડ પર ફેંકીને કલાક જેવું સુઈ ગયો. અને ઉઠીને એની નજર જેવી એ બૂક પર પડી તો એને કાવ્યાને કહેલા શબ્દો યાદ આવ્યાં. દેવેન મનોમન વિચારે છે , "એને એટલો વિશ્વાસ કેમ છે ? શું એ ગવાર જેવી છોકરીએ પણ પ્રેમ કર્યો હશે ? આ બુકમાં કદાચ એની જ સ્ટોરી હોય તો શું ખબર ? લાવ જોવ તો ખરા."- એમ વિચારતો દેવેન એ બુક લઈને વાંચવા બેઠો.

દેવેને શરૂઆત કરી જેમાં એક પાત્ર હતું મોહન. જેના જન્મથી લઈને યુવા અવસ્થા સુધીમાં એના જીવનમાં આવેલી એક પરી જેવી છોકરી જેનું નામ હતું માધવી. આ બન્નેની પ્રેમ કથા લખેલી હતી. જેમાં માધવીના માતાપિતાનું માન સન્માન સાચવવા માટે મોહન પોતે માધવીના લગ્ન બીજા સાથે કરાવે છે. છતાં પોતે માધવીને પોતાના છેલ્લા શ્વાસ સુધી સાચા હૃદયથી પ્રેમ કરે છે. આ તરફ માધવી પણ મરે ત્યાં સુધી મોહનને પોતાના હૃદયના શ્વાસે શ્વાસે વસાવીને જીવે છે. બંને એકબીજાના હૃદયમાં જીવતા રહ્યા અને એ બંને આ સર્વજગતના ભગવાન બન્યા. આ મોહન એટલે આપણો દ્વારિકનો નાથ અને આ માધવી એટલે બરસાણાની રાધારાની.

રાધાકૃષ્ણની આ અલગ નામથી લખેલી કહાની દેવેનને કઈક અલગ જ અસર કરી ગઈ. આખરે તે પ્રિયાની પરિસ્થિતિ સમજવાની કોશિશ કરે છે અને કાવ્યા પાસે આવે છે. અને કાવ્યાને એની બુક આપતા કહે છે, "કાવ્યા, આ લે તારી બુક. થેંક યુ નો મચ, તે મારી મદદ કરી. હું જે ભ્રમમાં જીવતો હતો એ ભ્રમ તે દૂર કર્યો છે. પ્રિયા તો મારા હૃદયમાં હમેશા રહેશે. પણ હું જે તારા માટે વિચારતો હતો એ તદ્દન ખોટું હતું. પ્લીઝ મને માફ કરી દે."

"કઈ નહિ દેવેન, બસ તું સમજી ગયો એથી વધારે સારું શું હોય શકે."- કાવ્યા એકદમ સહજતાથી જવાબ આપે છે.

કાવ્યાનુ આ વર્તનની અસર દેવેનના હૃદયને સ્પર્શી ગઈ હતી. આથી દેવેન કાવ્યાને થોડા દિવસો પછી કાવ્યાને પોતાના જીવનમાં સામેલ કરવા જવા નીકળે છે. એ કાવ્યા પાસે પહોંચે છે અને એને પોતાના હૃદયની વાત કરવા જવા માટે માત્ર એક રોડ ક્રોસિંગ જ કરવાનું રહ્યું હતું. એ ચાલીને રોડ ક્રોસ કરવા જાય છે ત્યારે એક ટ્રક સાથે અચાનક એનું એક્સીન્ડટ થાય છે. આ જોઈને કાવ્યાને હૃદયને ધ્રાસકો પડે છે. એ થોડા સમય માટે તો ભાનમાં જ ના રહી.

માણસોનું મોટું ટોળું દેવેનનો ઘેરી વળ્યું. આ ટોળામાં કાવ્યા ધીરેથી જગ્યા કરીને અંદર ગઈ. અને જોયું તો દેવેનના શ્વાસ હજી ચાલતા હતા. ટોળામાંથી એકાદ વ્યક્તિએ એમ્બ્યુલન્સને બોલાવે છે અને તાત્કાલિક દેવેનનો હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યો. દેવેનનું ઓપરેશન કરવામાં આવ્યું. દેવેનના ઘરમાં જાણ કરવા આવી. કાવ્યા પહેલેથી દેવેન પાસે હતી. એ જોઈને ઘરના સભ્યો એને ઓળખવાની કોશિશ કરવા લાગ્યા. એવામાં ડોક્ટર બહાર આવ્યા અને કહ્યું કે, "દેવેનનો જીવ બચી ગયો છે. પણ દેવેન એનો એક પગ ગુમાવી ચુક્યો છે. તમે એને મળી શકો છો."

બધા એકસાથે દેવેનનો મળવા ગયા. ત્યારે દેવેન કાવ્યાને એકવાર મળવાની ઈચ્છા વ્યક્ત કરે છે. એટલે કાવ્યા તરત દેવેન પાસે જાય છે. કાવ્યાની આંખમાં આંસુની ધારા હતી. દેવેન કાવ્યાને કહે છે, "કાવ્યા હું તને પસંદ કરું છું. પણ હું તારી સાથે લગ્ન નહિ કરું ચિંતા ન કરીશ. તું જા અને આઝાદ જિંદગી જીવજે. જે જગ્યા આ હૃદયમાં તે બનાવી છે એ કોઈ નહિ લઈ શકે."

આટલું સાંભળતા કાવ્યા પોક મૂકીને દેવેનને ભેટીને રડી પડી. અને કહેવા લાગી, "દેવેન, આ પ્રેમ કઈ એમજ ન થાય. હું તને દરેક પરિસ્થિતિમાં સ્વીકારવા તૈયાર છું."

આ દરેક દ્રશ્ય દેવેનના પરિવારે જોયું અને દેવેન સાજો થાય એટલે કાવ્યા અને દેવેનના લગ્ન નક્કી કર્યા.

Mr.jayrajsinhji

Gujarati Romance by jayrajsinh Gohil : 111714002

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now