*અહમ્*
==================================
એક શૈક્ષણિક સંસ્થાના કેટલાક શિક્ષકો સમૂહમાં બપોરનું ભોજન લેવા બેઠા હતાં. બધા જ પ્રેમથી ભોજન આરોગતાં હતાં ત્યાં તે જ શાળાનાં પ્રધાન આચાર્યા ત્યાંથી પસાર થતાં હતાં. પરંતુ તેણીનાં મનમાં ખટકો થયો કે - કોઈ ઉભા કેમ ન થયું? તેથી તે પોતે જ ઉભા રહી ગયા ને પેલા શિક્ષકો તરફ ફરીને કહ્યું -

"તમે કંઈ ભૂલી તો નથી રહ્યાં ને!"

શિક્ષકોએ એકબીજા સામે જોયું ને સહજ ના પાડી.

"ચોક્કસ!?"

- મેડમની કાજળ આંજેલી આંખો, હતી તેના કરતાંય મોટી થઇ; ને જાણે વાત સમજી ગયા હોય એમ એક શિક્ષકને બાદ કરતાં સૌ પોતાની જગ્યાએ ઉભાં થઇ ગયા.

"હું જ્યારે પસાર થાઉં ત્યારે કોઈ પણ સંજોગોમાં ઉભા થવું..."
એમ કડકાઈથી બોલ્યાં.
"...ને ઘણાને સંભળાય પણ ઓછું છે." - જમતા રહેલા શિક્ષક તરફ નજર કરી મૅડમે વધું ઉમેર્યું.

આ સાંભળતાં જ જમનાર શિક્ષકે મીઠા મલકાટ સાથે કહ્યું કે - "ભગવાન સમક્ષ માણસ બહું તુચ્છ છે, ને હું મારા ભોજનને ઈશ્વર તુલ્ય ગણું છું. માટે હું મારા ભગવાનનું તો અપમાન ન જ કરી શકું."

છેલ્લો કોળિયો પૂરો કરી પોતાની થાળી લેતાં પહેલાં તેને વંદન કરી વોશબેઝિંગ તરફ ચાલતા થયા ને ત્યાં જે હતાં તે એકબીજા સામે જોતાં જ રહ્યાં.
###

રાજેન્દ્રકુમાર એન.વાઘેલા
ભરૂચ

Gujarati Story by રાજેન્દ્રકુમાર એન. વાઘેલા : 111669102

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now