*ગઝલ*

સાવ સરળ ને ટૂંકી આખા જીવનની આ પારાયણ છે,
હું છું ને મારી સાથે પશ્ચિમના સૂરજ નારાયણ છે !

જ્યારે જ્યારે પક્ષીની માફક વીંધાયું હૈયું ત્યારે,
શ્લોક બનીને શે'ર પ્રગટ્યા, ગઝલો થઈ તે રામાયણ છે.

પ્રેમ પદારથ અશ્રુ સાથે લઇને આવ્યો નતમસ્તક હું;
લે, આપું સ્હેજ હથેળીમાં, કેવું આ દિવ્ય રસાયણ છે !

ઉપરથી જે આવ્યું ભીતર, કાગળ પર એ જન્માવ્યું છે;
સર્જન સાચું છે એનું જ, કલમ તો આ કેવળ દાયણ છે.

શબ્દો તીર બનીને અંગે અંગ ઊભા છે શૈયા થઇને;
સ્નેહલ સઘળું છોડી ચાલ, સમય થયો છે ઉત્તરાયણ છે.

*- સ્નેહલ જોષી*

Gujarati Poem by અધિવક્તા.જીતેન્દ્ર જોષી Adv. Jitendra Joshi : 111645478

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now