સાલ મુબારક, પ્રભુ !
આજે ઘરમાં હું સૌથી પહેલાં ઉભો થઈને,
સૌથી પહેલાં નાહી ધોઈને,
સૌથી પહેલાં તમને,
સાલ મુબારક કહેવા આવ્યો છું !

ટીચર કહેતાં નવાં વર્ષે,
નવી પ્રતિજ્ઞા લેવી જોઈએ !
માતા-પિતાને વંદન કરવાં જોઈએ,
ને શક્ય હોય તો રોજ કરવાં જોઈએ !

તેઓ એમ પણ કહેતાં હતાં કે,
તમે પ્રભુ પાસે બીજા કાજે અગર માંગો તો,
પ્રભુ સૌથી પહેલાં તમારું જ સાંભળે છે !
તો મારે આપ કને,
મારા દોસ્ત મનિયા માટે માંગવું છે !

હું અને મનિયો સાથે ભણિયે,
પણ મનિયો ઓશિયાળો ફરે,
હું પૂછું તો કંઈ કહે નહીં પણ,
એની દશા લઘરવઘર હોય !

બીજા દોસ્તાર કહે એને બાપ નથી,
અને મા પણ ખાટલે પડી છે,
એનું ઘર શહેરનાં પેલાં કેનાલનાં નાકે છે,
જ્યાં દીવાલ,નેતાઓનાં પોસ્ટરની,
અને ઘરવખરીમાં 'ગરીબી' છે !

મા એની,
શહેરનાં તોતિંગ ફ્લેટમાં વસતાં,
અમીરોનાં ઘરે વાસણ કચરો કરે,
મનિયો છાપું નાંખે, કચરો વીણે,
મોટા બાંધકામોમાં ઈંટો પણ ઉપાડે !

હું પણ કાંઈ ,
મોટાં ફ્લેટ કે બંગલાવાળાઓ જેવો અમીર નથી !
પણ મારું ઘર પાક્કું ,
ને મનિયાની અને મારી દોસ્તી પણ પાક્કી !

એ શાળાએ ન આવે તો હું સમજી જઉં કે,
ફરીવાર મા એની બિમાર છે,
એ લંચબૉક્સ ન લાવે,
ને અમારી સરકારી શાળાનું મધ્યાહન ભોજન ખાય,
હું મારું ખવડાવું તો એને બહું ભાવે !

હું એને મારાં કપડાં આપું ને,
તો એ લેતાં બહું અચકાય,
એની ઈમાનદારી પણ જબરી,
કહે મહેનત વગરનું ન લેવાય !

આટલાં વર્ષ તો મેં આને સાચવ્યો,
પણ હવે નહીં સચવાય !
ઘરમાં હવે ,
મને મોટી શાળાએ મૂકવાની વાત ચાલે છે,
મનિયો હવે મને નહીં મળે ,
તો એને કોણ સાચવશે ?

મારી મા કહે ,
'જેનું કોઈ ના હોય એનો ભગવાન હોય છે'.
તો આ બેસતાં વર્ષે મારી તને સ્પેશિયલ પ્રાર્થના,
કે મનિયાને,
'મસ્ત દફતર, નવાં કપડાં, ઘરે રોજ ખાવાનું,
અને એનું ધ્યાન રાખે એવો મસ્ત એક દોસ્તાર દેજે !'

'એની માને બહુ બિમાર ના પાડીશ,
ને ઘરમાં સુખ શાંતિ કરજે,
અને મનિયાના ચહેરે મસ્ત મુસ્કાન દેજે !'

મારી મમ્મી કહે 'મનિયા જેવાં તો બહુ છે,
કેટકેટલાને માટે પ્રાર્થના કરીશ ?'
પણ મને તો મનમાં એમ થાય કે,
જેટલાંની થાય એટલાની કે પછી બધાની કરું,

કે,'હે પ્રભુ ! દરેક મનિયાઓની મદદ કરજે...!
ને મદદ ન થાય તો કંઈ નહીં પણ,
દરેક મનિયાને મારા જેવો એક દોસ્તાર તો દેજે જ !'

- વિશાલ દંતાણી

Gujarati Poem by Rinku Panchal : 111610533

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now