આપણી જ જવાબદારી
==================================
(૧૨)
અપણાં સમાજમાં જાતીયતાનાં વિષયને ચર્ચવાની જોઈએ તેટલી મોકળાશ નથી. જવલ્લે જ એવા માતા-પિતા હશે કે જેઓ પોતાનાં બાળક સાથે આ વિષયને મુક્ત રીતે સમજાવવાનો પ્રયાસ કર્યો હોય. આપણે જ સર્જન કરેલા સ્પર્ધાત્મક યુગમાં હવે બાળક માંડ ત્રણ વર્ષનું થતાં જ તે શાળામાં મેળવેલા પ્રવેશની સાથે બહારની ભપકાદાર દુનિયામાં પણ પ્રવેશ મેળવે છે.તે ક્યારે, કોનાં અને કેવા સંપર્કમાં આવે છે તે આપણે ઘરે કે ઓફિસમાં બેઠા માત્ર અનુમાન જ લગાવી શકીએ, બાકી સાચી હકીકત તો બાળક જ જાણે. જાતીય સતામણી એ આ નિર્દોશ અને નાદાન બાળકને ખબર નથી; અને દુષ્કૃત્ય કરનારે પોતાનાં મગજમાં બાળકોને આકર્ષવા પ્રલોભનોનો ભંડાર ખડક્યો હોય છે. તે ક્યારે કેવો પ્રયોગ આચરે તે તમે કે હું જાણી નથી બેઠા. તો શું બાળકને ઘરમાં જ ગોંધી રાખવું!? : એ શક્ય નથી.

આજના બાળકોને જાતીયતાનાં વિષયથી સ્હેજ પણ વિમુખ ન રાખવા એવી દરેક માબાપને મારી નમ્ર વિનંતી છે.ઘણી વખત બાળકો જ્યારે માતાપિતાને જાતીયતા સંદર્ભે કોઈ પ્રશ્ન કરે છે તો મોટે ભાગે તેનાં પ્રશ્નને ટાળી દેવામાં આવે છે અથવા ગુસ્સે થઈને તેને ચૂપ કરી દેવામાં આવે છે. આમ કરવાથી તો તે પોતાની જિજ્ઞાસા સંતોષવા તમારા સિવાય અન્ય કોઈ પણ વ્યકિત કે માધ્યમ તરફ વળી શકે છે. શું તે પરવળશે? જો કે આ મુદ્દો ખૂબ જ સંવેદનશીલ છે, પરંતુ બાળકની ઉંમરને ધ્યાન પર રાખી તેની સાથે યોગ્ય અને ગંભીરતાપૂર્વક વાત કરવામાં આવે તો ઉત્તમ પરિણામ મળી શકે છે.

જાતીયતાનાં મુદ્દાને લઇને તમે બાળકનાં એક અંગત મિત્ર તરીકેનો વર્તાવ રાખો તો જ સમાધાન શક્ય છે. નિષ્ણાંતોનાં કેટલાંક સંશોધનો મુજબ સાડા ત્રણ કે ચાર વર્ષનાં બાળકને સ્નાન કરાવતી વખતે કે વોશરૂમ જાય ત્યારે તેને બાળસહજ ભાષામાં શરીરનાં અંગત અંગો અને તેની સ્વચ્છતા વિશે માહિતી આપી શકાય.આ ઉપરાંત કોઈ કેવો અને ક્યાં સ્પર્શ કરે છે તેનો પણ ખ્યાલ આપી શકાય. આશરે આઠેક વર્ષની ઉંમર બાદ બાળકોને સમજાય તે રીતે આ જ બાબતમાં આગોતરી જાણકારી આપી તેની ગંભીરતા તરફ ધ્યાન દોરી શકાય છે. આ પછીની ઉંમરમાં જાતીય સતામણી કે રેપ જેવી ઘટનાઓની જાણકારી કે સમજણ વધુ સ્પષ્ટીકરણ સાથે કરી શકાય. એવું ન વિચારવું કે બાળક સાથે જાતીય સંબંધ વિશે વાત કરવાથી તે જાતીય સંબંધ બાંધવા તરફ દોરાઈ જશે. ગુનાહ કરતાં ગંભીરતા જણાવવાથી તે સચેત બની શકે છે અને યુવાન વયે આત્મસંયમ રાખવા પણ સક્ષમ બનશે. કોઈ વિકૃત સિંચન કરે તેનાં પહેલાં પ્રાકૃતિક અને પારદર્શક સિંચન થાય એ જરૂરી છે.જો કે આ બાબતે માતાઓની ખૂબ જ સક્રિય ભૂમિકા જરૂરી થઈ પડે એમ છે પરંતુ તેનો મતલબ એ નથી કે પુરુષ પક્ષની કોઇ જ જવાબદારી નથી; આ સહિયારી જવાબદારી છે, આપણી જ જવાબદારી.
🙏જય માતાજી🙏
(ક્રમશઃ)
રાજેન્દ્રકુમાર એન.વાઘેલા
ભરૂચ.

Gujarati Motivational by રાજેન્દ્રકુમાર એન. વાઘેલા : 111541426
રાજેન્દ્રકુમાર એન. વાઘેલા 4 years ago

આપની અમીદ્રષ્ટિ બદલ ખૂબ ખૂબ આભાર.

Natvar Parmar 4 years ago

અત્યાર ના સમય ની સૌથી મોટી જવાબદારી દરેક માવતર ની....🙏🙏🙏🙏

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now