ભીતરનાં કમાડ
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
"આજે પૃથ્વી પર અનેક ભક્તોની લાગણી દુભાતી હશે નંઈ!" - વૈકુંઠમાં વિરાજમાન યોગેશ્વર એવા જગતનાં નાથને રુક્મિણીજીએ શ્રીહરિનાં મુખમંડલનાં બદલાતા હાવભાવ જોઈને સહજતાથી કહ્યું.

"હં...હા...; ના રે ના, એવું કંઈ નથી..." - ખુલ્લી આંખે ધ્યાનમગ્ન થયેલા શ્રીહરિએ રુક્મિણીનો પ્રત્યુતર જાણે વાળવા ખાતર વાળ્યો.

"પણ તમારા હૈયાની વેદનાનો આકાર આપના મુખારવિંદ પર ચિતરાઇ ગયો છે નાથ. આજે આપનું મંગલમુખ આપની જ સાથે દગો કરી રહ્યું છે."- સત્યભામાની વાતમાં ટેકો કરતાં રુક્મિણીજીએ શ્રીહરિ પર અપલક મીટ માંડી હળવો છણકો કર્યો.

"હા, નાથ! જાણે મંદિરોમાં ભક્તોનો દુકાળ પડ્યો લાગે છે." - પૃથ્વીલોકની સ્થિતિ જાણી રુક્મિણીજી સાથેનાં સંવાદમાં સત્યભામાએ ફરી સૂર પૂર્યો.

થોડીક વાર માટે ત્રણે વચ્ચે મૌન પથરાઇ ગયું, ને પછી એક ઊંડા ઉચ્છવાસ સાથે વિચારોમાં જોજનો દૂર પહોંચી ગયેલા અલખધણી હવે સત્યભામા અને રુક્મિણીજીની સન્મુખ થયા અને બંને જીવનસંગીનીઓ સાથે એકનયન થઈ ફક્ત એટલું જ બોલ્યા કે -

"મંદિરો તો કાલે ઉઘડી જાશે : હવે ભીતરનાં કમાડ ઊઘડે તો સારું; હું આખરે તો ત્યાં જ છું ને!!
###
રાજેન્દ્રકુમાર એન.વાઘેલા
ભરૂચ.

Gujarati Microfiction by રાજેન્દ્રકુમાર એન. વાઘેલા : 111539712

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now