*પિતા સાથે વિતાવેલ એક યાદગાર ક્ષણ*
*Miss you pappaji*
મારા પૂજ્ય પપ્પાજીનો એ આખરી દિવસ.
આખી વાત આપને વિગતવાર જણાવું. મારી પુજ્ય મમ્મી ના મૃત્યુ પછી મારા પપ્પા અંદરથી ખુબ સોરાતાં,એને ઘણી 'મીસ' કરતાં. એને ગયે પાંચેક મહિના જેટલો જ સમય થયો હતો.
હું મારા પપ્પાજીને મારા ઘરે હવાફેર કરવા ને થોડુંક ધ્યાન બીજે પરોવાય એટલે મારા ઘરે લઇ આવી.
ઇ સ 2000ની સાલ, 25 ડિસેમ્બર, હિન્દુ તિથિ પ્રમાણે મોક્ષદા એકાદશી,ગીતા જયંતિનો શુભ દિવસ હતો.
મારા પૂજ્ય પપ્પાજી બ્રાહ્મમુહુર્તમાં ઉઠી જતાં, એ દિવસે પણ એમજ વહેલા પરવારીને, દૈનિક ક્રિયાઓ કરીને મારી પાસે આવીને કહ્યુંકે, આજે મોક્ષદા એકાદશી,આજે જે ધામમાં જાય એનો મોક્ષ જ થાય.
શ્રીમદ્ ભગવદ્ ગીતાજીના ખુબ ચાહક ને ગીતાજીને એમણે સાંગોપાંગ જીવીને ચરિતાર્થ કરેલી.શ્રી કૃષ્ણના પરમ ભક્ત. શ્રી વિષ્ણુ સહસ્ત્રનામનો રોજ અચુક પાઠ કરે.
અષ્ટાંગયોગ,
પ્રાણાયામ ને બીજી યૌગીક ક્રિયાઓ અચુકપણે નિયમિતપણે કરતાં.
એ દિવસે સવારે બધી જ પાઠ પુજા અગાશીમાં કરી સુર્યનમસ્કાર સાથે બીજા યોગાસન ને પ્રાણાયામ પણ કર્યાં. શ્રી વિષ્ણુ સહસ્ત્રનામનાં પાઠ 11 વખત કર્યાં .
ફરીથી નીચે આવીને એ જ વાત,કે આજે જે ધામમાં જાય એનો મોક્ષ થાય,મોક્ષદા એકાદશી નું એટલું મહાત્મ્ય છે.
એકાદશીની સૌએ સાથે ફરાળ જમીને સૌ પોતોતાના કામમાં પરોવાઈ ગયાં.
સાંજ પડી,મારા પૂજ્ય પપ્પાજી સંધ્યા આરતી કરવા નજીકના મંદિરમાં ગયાં, મને એમના ધંધાની એકાદ,બે ઉઘરાણી બાકી હતી તેવા મોકલી.એ દિવસે એમના જીવનના લેખા જોખા મારી સાથે જાણેકે સરવૈયું કાઢતાં હોય એવી રીતે ચર્ચા કરી.
એમની ઉઘરાણીના
નાણાં લઈને પરત ફરી તો હું એકદમ ડઘાઈ જ ગઇ.
એમની આંખો જાણેકે મારી જ રાહ જોતી હોય એમ જ.
મને જોઇને એક નાનકડું સ્મિત આપી ને આંખો સદાને માટે બિડી દીધી. પોતે એમની મનની ઇચ્છા મુજબ જ
ઇશ્વરની આરતી કરી,એમને આહ્વાન કરી સાક્ષાત લેવા બોલાવ્યાં હોય એવી જ રીતે
ઈચ્છા મૃત્યુ ને વર્યા.
મને એમની એ છેલ્લી નજર હજુય યાદ છે. મારી આંખ સામે એ દ્રશ્ય દરેક મોક્ષદા એકાદશી/ગીતા જયંતી એ સાંગોપાંગ ભજવાતું હોય એવી અનુભૂતિ થાય છે.
મશહુર શાયર શ્રી ગની દહીંવાલાની ગઝલની બે પંક્તિઓ એમની ક્ષમાયાચના સાથે,
થોડાંક ફેરફાર સાથે
ટાંકુ છું.
મારી મમ્મી ને જાણે કે કહેતા હોય એમ....
*દિવસો જુદાઇના જાય છે એ જશે જરૂર મિલન સુધી, મારો હાથ ઝાલીને લઈ જશે મારો કૃષ્ણ જ ઘરથી સ્વર્ગ સુધી...!*

શું લખું?
હજુય બધું જ આજની તારીખે તરવરે છે નજર સમક્ષ.
ખુબ સુખીયો જીવ હતાં મારા પપ્પાજી !
સાક્ષાત નરસિંહ મહેતા જેવા !
કુંટુંબના મોભ હતાં ! એમનાં બાર ભાઇ બ્હેનોમા સૌથી મોટાં, એટલે સૌને જોડતી કડી હતાં !
પ્રેમ ને કરુણા ની સાક્ષાત મુર્તિ હતા !
ખુબ બહાદુર અને ક્રાન્તિકારી વિચારસરણીના ધની હતાં !
ખવડાવવાનાં ખુબ શોખીન હતાં !
ઘરે ગમે તે આવે તો ભુખ્યુ ક્યારેય ના જાય , આગ્રહપૂર્વક જમાડીને જ મોકલે !
સ્વભાવે એકદમ સૌમ્ય,ૠજુ ને છતાંય એકદમ અનુશાસનના
આગ્રહી !
મારુ નામ એમની જ પસંદગી...!
વેદ,ઉપનિષદ ને ધાર્મિક ગ્રંથોનું બહોળુ વાંચન,છતાંય જડતા વાદી રૂઢી,રિવાજ ને માન્યતાઓનું ખંડન કરવા વાળા !
એમની હાજરી કાયમ સૌને એકદમ હળવાશનો
અનુભવ કરાવતી !
બાળકોને ખુબ પ્રેમ કરતાં !
આબાલ વૃધ્ધ સૌના પ્રિય !
આવા અદ્ભુત, અજોડ,અડિખમ,ને પર્વત સરીખા વ્યક્તિત્વના માલિક ,
જેમના વ્યક્તિત્વને ચાહવાનો હું હિસ્સો બની,એમના સાનિધ્યમાં ખિલવા મળ્યું એને માટે મારી જાતને ખુબ ખુબ ભાગ્યશાળી માનું છું.

Gujarati Tribute by Rutambhara Thakar : 111499969

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now