આ અઠવાડિયામાં શનિ થી ગુરુવાર વચ્ચે બે ખૂબ સરસ પુસ્તક વંચાઈ ગયાં.
એક 'અંધારી ગલીમાં સફેદ ટપકાં' - હીમાંશી શેલત.
અંધારી ગલીઓ એટલે એક વાર્તામાં છે તેમ વૃંદાવન જેવાં ગામમાં સફેદ ટપકાં એટલે વિધવાઓ. જેમણે બધી જ લાગણીઓ સાતમા પાતાળમાં ધરબી દઈ માત્ર ભજન કીર્તન જ કરવાનાં હોય છે. આશ્રમમાં માથું ઓળવા અરીસો પણ સાવ નાનો ને બધા વચ્ચે એક. ઘણી નિરાશ્રિત યુવાન વિધવાઓ પણ એમ રહેવું પડે છે.
બીજી અનેક વાર્તાઓ માનવમનનો તાગ લેતી. બધીમાં એકદમ સરળ ભાષા અને પ્રવાહ એટલે મોટે ભાગે એક જ ઘટના. કેટલીકના અંત સમજવા અઘરા પડે. આગળ પાછળ ફરી વાંચી પકડવું પડે.
નિષ્ફળ દુકાનદાર, ઘરમાં પોતાનું વજન પાડતા નાનાભાઈ સામે દબાઈને રહેતો મોટો ભાઈ, એકલી સ્ત્રીને રાત્રે જાગતા ઓરતા , વૃદ્ધના સંતાનો સાથેના સંબંધ, ઘર છોડી ચાલ્યા જવું અને બીજી સવારે ભિખારીઓ સાથે બેસી ચા બિસ્કિટ ખાવાં ઘર કરતાં વધુ ગમવાં- આવા પ્લોટ્સ પર.
મૂળ તો ટૂંકી વાર્તા અપીલીંગ કેવી રીતે બનાવાય તેનો અભ્યાસ કરવા પણ જોઈ જવા જેવી.
એ પછી સોનલ મોદી દ્વારા અનુવાદિત સુધા મૂર્તિની 'મનની વાતો'. એટલું તો પ્રવાહી ભાષાંતર છે કે કન્નડ માંથી અંગ્રેજીમાંથી ગુજરાતી થયું છે તેમ લાગે જ નહીં. યોગ્ય જગ્યાએ ગુજરાતી કહેવતો ને રૂઢિપ્રયોગો પણ સરસ રીતે મુક્યા છે.
સાવ નાના પણ સ્પર્શીય પ્રસંગો. જેમ કે એક સ્ત્રી રક્ષાબંધન અને ભાઈનું નામ પડતાં જ ગુસ્સે થાય અને જોરથી રડી પડે. તેને ગામડામાં તેનાથી નાના ભાઈ, જેને માટે પોતે ભણી નહીં ને ખૂબ ભોગ આપી મા ની જેમ ઉછેર્યો તે રક્ષાબંધનને દિવસે જ તેને પૈસા માટે શહેરમાં વેશ્યા તરીકે વેંચી આવ્યો હોય છે.
આઇટી કપલ અને લગ્નોની છણાવટ કરતી બહેનો લગ્નબ્યુરોની માલિક નીકળે, ટ્રેઇનમાં દરેક વિષય પર મીઠી વાતો કરતી યુવતી બામની સેલ્સગર્લ નીકળે, પોતે ફાઇનાન્સ કરી ભણાવેલ બે ગરીબ વિદ્યાર્થીઓ પૈકી એક તેના શો રૂમમાં આવતાં અછો વાનાં કરે જ્યારે બીજો ડોક્ટર એપોઈન્ટમેન્ટ વગર ગયાં હોઈ બમણા પૈસા લે!
પીએચડી યુવતી ઘરમાં જાતે જ પરાધીન થઈ જાય જ્યારે અભણ સ્ત્રી નવાં બ્રોકોલી જેવાં શાક વાવી કુટુંબ અને સમાજમાં પુછાતી થઈ જાય- આવી પ્રેરણાત્મક વાતો.
સિનિયરોએ હમણાં ઓછું નીકળવાનું હોઈ બહુ જલ્દી વંચાઈ ગઈ.

Gujarati Book-Review by SUNIL ANJARIA : 111470461

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now