ખુશ રહો, મસ્ત રહો...

ખુશી, આનંદ ક્યાં મળે?
મને તો હંમેશા ખુશી મારામાં જ મળે છે.
સૌથી વધુ દુઃખી પણ હું મારાથી થાઉં છું અને ખુશ પણ હું મારાથી જ. કારણ હું અંગત રીતે એવું માનું છું કે મારા
ગમા-અણગમાનું મુખ્ય કારણ હું પોતે જ છું. અને ખુશી જ શાંતિ નું મુખ્ય કારણ છું એમ હું દ્રઢ પણે માનું પણ છું.
કોઈ લેખકે ખુબ સરસ વાક્ય લખ્યું છે કે,
"શાંતિ એ એકાંતનું યુદ્ધ નથી તો બીજું શું છે?"
ખરેખર એકલાંમાં માણસ પોતાની સાથે જ ખૂબ લડી લે છે, રડી લે છે, પાછો પોતાને મનાવી પણ લેતો હોય છે. અને ખુશ પણ જાતે જ થઈ જાય છે. કારણ કે તે જાણે છે કે એ પોતે જ પોતાનો મિત્ર પણ છે અને દુશ્મન પણ. આતો થઈ પોતાની વાત પણ વાત "હું "ની આવે ત્યારે આટલું જાણવા છતાં માણસ એના ચક્કરમાં પડી જ જાય છે. અને જ્યાં અમારું નું "મારું" કે "હું" આવે ત્યાંથી ખુશી ધીમે ધીમે ખસવા લાગે છે. પોતાની વાત આવે ત્યારે, માન-અપમાન,સ્વાભિમાન, ગમો અણગમો આવું તો ઘણું આવે છે પરંતુ આ બધું જ એક નાનકડી ખુશી ની આગળ તુચ્છ લાગવું જોઈએ.
આપણે ગમે તેટલા બહારથી ખુશ દેખાતા હોઈએ , આપણી અંદર ચાલી રહેલું મહાયુદ્ધ આપણને અંદરથી ઝંઝોળી જતું હોય છતાં આપણને હસતા આવડે છે. આ ભગવાને માનવ ને આપેલ શ્રેષ્ઠ ઉપહોરો પૈકી એક મુખ્ય છે.
મહાન નિત્સે કહ્યું છે કે, "સંતાપની સગડીમાં શેકાતા માનવીએ હાસ્ય ની શોધ કરી, શાંતિની પ્રાપ્તિ કરી છે."
આપણે જો સાચી ખુશી શોધવી હોય તો એક નહિ ઘણા કારણો છે. નાના બાળકના સ્મિત જોવાથી,આ કાળઝાળ ગરમીમાં ગરીબ બાળકને એક નાનું ફ્રૂટીનું પેકેટ અપાવી એના ચહેરા પર આવેલું સ્મિત જોવાથી, કોઈ વૃદ્ધને હાથ પકડીને ટેકો આપી રસ્તો ઓળંગતા એના ધ્રૂજતા હોઠ પર આવેલું મધુર સ્મિત અને એના નરમ હાથ જે આપણા હાથને પ્રેમથી હળવો ટેકો લેતા હોય ત્યારે, કૃષ્ણની મધુર વાંસળી સાંભળી મન શાંત થવાથી, હરેકૃષ્ણ નું નામ સ્મરણ અવિરત મનમાં કરવાથી, પારેવાને ચણ નાખવાથી. આવું તો કેટલુંય. આપણને નાની નાની બાબતોમાંથી ખુશી શોધતા આવડવું જોઈએ. મારા મતે તો એ જ પરમાનંદ છે. જીવન ખૂબ ટૂંકુ છે મન ભરીને માણી લો. હજારો દુઃખો હશે તમારા જીવનમાં પરંતુ એક નાની ખુશીની લહેર તમારા એ હજાર દુઃખને માત દઈ જશે. ગમતું કરીએ, હંમેશા જે આપણને ગમે એ. દુનિયાને ગમતું કરશો તો પોતાની જાતને ખોઈ બેસશો.
પોતાના માટે જીવતા શીખો. પ્રેમ અને ખુશીને માણતા શીખો. પોતાના પ્રેમમાં હોવાનો અહેસાસ કરતા રહો. તમે પોતાને પ્રેમ કરશો તો જ બીજાને પ્રેમ કરી શકશો. લોકો કહે છે દુનિયાને પ્રેમ કરવાથી શુભ ફળ મળે છે, ઈશ્વર મળે છે પરંતુ મારો ઈશ્વર મારો કૃષ્ણ બીજાની સાથે પોતાને પણ પ્રેમ કરવાનું કહે છે. કારણ ઈશ્વર આપણામાં પણ રહેલો છે તેથી સૌથી પહેલા આપણામાં રહેલા ઈશ્વરને ઓળખીએ. તો જ દુનિયામાં દરેક વસ્તુમાં ઈશ્વરના દર્શન થશે. આનંદ- ખુશી કોઈના તકદીરમાં નથી લખાયેલી હોતી મારા મતે તો એને જાતે મેળવવાની અને એ લાગણીને અનુભવવાની આવડત દરેક માણસમાં હોવી જોઈએ. છેલ્લે કંઈ જ ન આવડે તો કુદરતના ખોળે જતા રહેવું તમારું તન અને મન બંને ખુશીથી નાચી ઉઠશે. તો ખુશ રહો મસ્ત રહો.
-કુંજદીપ

Gujarati Thought by Kinjal Dipesh Pandya : 111451580

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now