ફ્રેન્ડ રિકવેસ્ટ

પક્ષીઓ પણ માળામાં ક્યાંક ટૂંટિયું વાળીને સૂતાં હોય એવી શિયળાની એ વહેલી ઠંડી સવાર સવારમાં આંખો ચોળતો હું ઉભો થયો, ઉપરથી બગાસાં કહે મારું કામ, પણ શું થાય નોકરી પર તો જવું જ પડે! માટે જેમતેમ કરી ઉઠ્યો અને ફ્રેશ થવા માટે મુહૂર્ત જોવા મોબાઈલ હાથમાં લીધો, બરાબર એ જ સમયે ફેસબૂકની નોટિફિકેશન ટોન વાગી આમતો આખો દિવસ એની ટીનટીન ચાલુ જ હોય પણ આ સવાર સવારમાં કોણ છે એ જોઈ લેવા મેં ક્લિક કર્યું.
ઓહ આ તો દિપાલી, મારી સહકર્મી!!
જેને જોઈને મારી ધડકનનો ગ્રાફ ઉપરનીચે થયા કરતો હોય છે, પણ એ કોઈને ભાવ જ નથી આપતી તો મને તો ક્યાંથી આપે ભલે ને મારું નામ ભાવેશ હોય!!?
મેં તો હરખપદુડો થઈ ફટાફટ રિકવેસ્ટ એક્સેપ્ટ કરી લીધી અને હાઈ, હેલો, હાવ આર યું! જેવા ત્રણ ચાર મેસેજ મોકલી જ દીધા.
બાથરૂમ ના કામ પતાવી ડાઇનિંગ ટેબલ પર ગોઠવાયો અને મારી ટેવ મુજબ એક હાથમાં મોબાઈલ અને એક હાથમાં કોળિયો લઈ નાસ્તાને અંજામ આપી રહ્યો હતો અને ફરી એક નોટિફિકેશન આવ્યું! હા ફેસબુક નું જ હતું મેં જલ્દી જલ્દી જોવા માટે ફેસબૂક ખોલ્યું અને જોયું તો એ દિપાલી નો જ મેસેજ હતો, એણે મને અત્યારે જ મળવા માટે તળાવની પાળે બોલાવ્યો હતો, મારા મનમાં તો એ આર રહેમાનના સંગીતમાં પ્રેમ ગીતો વાગવા લાગ્યાં અને મારી આજુબાજુમાં યશરાજ ની ફિલ્મો જેવા પીળાં કુદરતી દ્રશ્યો દેખાવા લાગ્યાં.
મેં તો નોકરી પર જવાનું કેન્સલ કરી નવાં નવાં કપડાં પહેર્યાં, બાઇક ચમકાવ્યું અને ભાગ્યો તળાવ બાજુ.
સવાર સવારમાં ઘણાં લોકો તળાવ ફરતે વોકિંગ અને જોગિંગ કરી રહ્યા હતા અને મારા મગજમાં અને રુધિરવાહીનીઓમાં જબ્બરજસ્ત સ્પીડમાં વોકિંગ ચાલી રહ્યું હતું અને મારી નજરો આમતેમ તેને શોધવા ફરી રહી હતી.
પંદર મિનિટ, ત્રીસ મિનિટ એમ ગણતાં ગણતાં બે કલાક નીકળી ગઈ પછી કંટાળી મેં એને ફોન કરવાનું વિચાર્યું, મેં શરમાતા શરમાતા ફોન લગાવ્યો અને પેલી એ ઉપાડ્યો પણ, મેં કહ્યું "યાર હું અહી ક્યારથી તારી રાહ જોઉં છું, કેમ ન આવી?!"
જવાબ મળ્યો એ સાંભળી મારી તેજ દોડી રહેલી ધડકનો સ્થિર થઈ ગઈ, "કોણ રાહ? કોની રાહ?, હું ક્યાં આવવાની હતી! હું તો ઓફિસમાં છું, તારું મગજ તો ઠેકાણે છે!!"
અને એ સાથે વાગી રહેલ પ્રેમગીત મરસિયામાં ફેરવાઈ ગયાં અને પીળાં ફુલોનું સ્થાન બાવળના કાંટાઓએ લીધું.
વીલા મોંએ હું ઓફિસે ગયો અને મોડું આવવા માટે કોઈપણ બહાનું કરી બોસની ગાળો સાંભળી મારા ટેબલ પર ગોઠવાયો.
"કેમ ભાઈ મળી આવ્યો એને?!" મારા મિત્રના એ અવાજે મારા દિલના ટુકડા ટુકડા કરી નાખ્યા.

પછી મને ખબર પડી કે દિપાલી ના નામનું ફેક એકાઉન્ટ બનાવી મારી સાથે મજાક કરવામાં આવી હતી.

*****

Gujarati Story by Parmar Bhavesh : 111333685

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now