Angat Diary - Vicharbij books and stories free download online pdf in Gujarati

અંગત ડાયરી - વિચારબીજ

અંગત ડાયરી
============
શીર્ષક : વિચારબીજ
લેખક : કમલેશ જોષી
ઓલ ઈઝ વેલ
લખ્યા તારીખ : ૨૭, સપ્ટેમ્બર ૨૦૨૦, રવિવાર

એક વાચક બિરાદરે કદર કરતા કહ્યું ‘તમારી લેખન શૈલીમાં રહેલી સરળતા અમને ખૂબ ગમે છે. સાદી સીધી વાત કરતાં કરતાં સાવ અચાનક જ આવી પડતું બહુ મોટી માર્મિક ટકોરવાળું વાક્ય અમને બહુ મીઠી ચોટ કરી જાય છે. બહુ મજા આવે છે અંગત ડાયરી વાંચવાની’. એક વાચક મિત્રે મજાકમાં કહ્યું ‘તને આ નવા નવા વિચારો આવે છે ક્યાંથી?’ અને હું વિચારમાં પડી ગયો.

અંગત ડાયરી, ઓલ ઇઝ વેલ સ્ટોરી બુક અને સાપસીડી નવલકથાના જે ઘટાદાર વિચાર વૃક્ષો મારા આંગણામાં ખીલ્યા છે એની પાછળનું વિચારબીજ કોણે અને ક્યારે વાવ્યું? કોણે પોષ્યું? અનેક ચહેરાઓ મારી સામે આવી ગયા: માતા-પિતા, પરિવારજનો, ગુરુજનો, મિત્રો, સ્વજનો, સગાં, સંબંધીઓ, લેખકો, સુંદર પ્રતિભાવ આપતા વાચકો. માનવ સમાજ શક્યતાઓ અને સંભાવનાઓથી છલોછલ ભરેલો છે. તમારા દ્વારા બોલાયેલું કયું વાક્ય કોના જીવનમાં કેવડું મોટું પરિવર્તન લાવી શકે એ કલ્પના તમને નથી હોતી.

સાંભળ્યું છે કે ગાંધીજીને સત્યના માર્ગ પર ચાલવાનો વિચાર એમણે જોયેલા ‘સત્યવાદી રાજા હરિશ્ચન્દ્ર’ની જીવન કથા પરથી આવેલો. ટ્રેનના ફર્સ્ટક્લાસના ડબ્બામાંથી એમને મારવામાં આવેલો ‘ધક્કો’ તો ચિનગારી માત્ર હતો, જેને લીધે એમની ભીતરે રહેલા ‘સત્યબીજ’ માં કૂંપળો ફૂટી અને મારા તમારા જેવો સામાન્ય જીવન જીવતો વ્યક્તિ આખા ભારત દેશમાં ‘રાષ્ટ્રપિતા’નું સન્માન પામ્યો. ચિંતાનો વિષય એ છે કે ગાંધીજી કરતા અનેક ગણી વધુ ચોટ કરે એવા એક નહિ હજ્જારો ધક્કા ખાધા પછીયે આપણામાં સત્યનો સૂરજ કેમ ઉગતો નથી?

જવાબ છે વિચાર અને વિચારબીજ. એવું નથી કે આપણે વાંચતા - વિચારતા નથી. ગાંધીજી કરતા વધુ વાંચવા - વિચારવા વાળા લોકો પણ હશે. રાજા હરિશ્ચન્દ્રની કથા ગાંધીજી કરતા પણ વધુ વખત જોવા, વાંચવા વાળા લોકો પણ હશે. પણ જે સમય, સંજોગો બીજારોપણ માટે જરૂરી હોય એ કદાચ બધાના જીવનમાં નથી હોતા. યજ્ઞમાં હોમ કરાવતી વખતે આચાર્ય સમજાવે છે ને ‘સ્વાહા...’ બોલવામાં ‘સ્વા....’ બોલો ત્યારે અગ્નિદેવ મોં ખોલે અને ‘હા...’ બોલો એટલે એમનું મુખ બંધ થઇ જાય, માટે ‘સ્વા’ અને ‘હા’ ની વચ્ચેની ક્ષણે જ ઘી-તલ જેવા હુત્તદ્રવ્યો અગ્નિદેવના મોંમાં મૂકાઈ જવા જોઈએ.

આ ક્ષણ જ ઈમ્પોર્ટન્ટ છે. યોગ્ય ક્ષણે યોગ્ય વિચારનો ઝબકારો થાય તો જ એનું આરોપણ અને અંકુરણ શક્ય છે. સાદી અને સરળ શૈલીવાળું લખાણ વાંચતી વખતે આપણું મન સ્થિરતા અને સહજતામાં સરી પડ્યું હોય, સહેજ ખૂલવા લાગ્યું હોય, બરાબર એ જ સમયે જો કોઈ પાવરફુલ વિચારનું બીજ કે પંચિંગ લાઈન આવી પડે તો એ સીધી આપણા મનમાં ઉતરી ભીતર સુધી આપણને ઝંકૃત કરી જાય. આવા શાંત, ફળદ્રુપ વાચકો મળવા એ મારા માટે બહુ મોટું સદભાગ્ય છે. એટલે જ તમને મારી વાત કે વિચાર ક્યારેક નવીન લાગી છે બાકી મિર્ઝા ગાલીબ કહે છે એમ
'અંદાઝ - એ - બયાં હી બદલ દેતા હૈ બાતોં કો
વરના ઈસ દુનિયા મેં કોઈ બાત નયી બાત નહીં હૈ'

એક વાચક મિત્રે ચિંતા વ્યક્ત કરતા કહ્યું ‘લોકો સમજે અને સુધરે તો કામનું, બાકી તમે ગમે એટલી મહેનત કરો ને, બદમાશો બદમાશી મૂકે જ નહિ...’ મને થયું એમની વાત સાવ ખોટી નથી. પણ ત્યાં મહાભારતનું દૃશ્ય મને યાદ આવ્યું. યુદ્ધના મેદાનમાં વચ્ચોવચ રથ ઊભો રાખી કૃષ્ણ કનૈયાએ અર્જુનને આખી શ્રીમદ્ ભગવદ્ ગીતા કહી. પડી ભાંગેલાને ઊભો કરવાની અને ઉભેલાને દોડતો કરવાની, મૃત:પ્રાય બની ગયેલાને ઉત્સાહથી થનગનતો કરી મૂકવાની તાકાત જેના શબ્દે શબ્દમાં છે એ આખી અઢાર અધ્યાય અને સાતસો શ્લોક વાળી મોટીવેશનલ થિયરી, એ મેદાનમાં ઉભેલા કોઈ કરતાં કોઈએ ન સાંભળી. અઢાર અક્ષૌહિણી સેના તો જવા દો, આસપાસ ઉભેલા દુર્યોધન અને શકુનિને પણ કંઈ ન સંભળાયું. બદમાશો તો ઠીક ગુરૂ દ્રોણ, ભીષ્મ પિતામહ જેવા સજ્જનો પણ એનાથી વંચિત રહી ગયા. પરાકાષ્ઠા તો એ છે કે અર્જુનના ભાઈઓ, પાંડવોને પણ કૃષ્ણની આ અંગત ડાયરી વાંચવા ન મળી. મેદાનમાં તો તે કેવળ અર્જુને જ સાંભળી, લાઈક કરી, કમેન્ટ કરી અને ગાંડીવ ટંકાર કરી સત્યના માર્ગે સાહસ પૂર્વક ડગલા માંડ્યા.

તમે બીજી એ વાત માર્ક કરી? દુર્જનોને મોટીવેશનની જરૂર નથી હોતી, તેઓ હાઈલી મોટીવેટેડ જ હોય છે. દુર્યોધનની સામે પણ ભાઈ-ભાંડુઓ જ હતા પણ એના ‘ગાત્રો ઢીલા ન પડ્યા કે મુખ પણ સુકાયું નહીં.' અર્જુનત્વ બહુ મોટી ચીજ છે. જ્યાં જ્યાં અર્જુનત્વ હશે ત્યાં ત્યાં કૃષ્ણત્વ પહોંચી જ જશે, અને જ્યાં જ્યાં કૃષ્ણત્વ હશે ત્યાં ત્યાં જીત પાક્કી.

મારામાં રહેલા દુર્યોધનત્વનો નાશ કરનાર અને અર્જુનત્વ ખીલવનાર તમામ કૃષ્ણત્વના ઉપાસકોને આજ મારા ‘જન્મદિવસે’ હાથ જોડી, સાષ્ટાંગ દંડવત પ્રણામ કરું છું.

હેપી સન્ડે, આવજો. (મિત્રો, આપની કમેન્ટનો અમે આતુરતાથી ઈન્તેજાર કરીએ છીએ હોં...!)