criminal dev - 18 books and stories free download online pdf in Gujarati

અપરાધી દેવ - 18

ભાગ-૧૮

રઘુ ત્યાં આગળ જુએ છે કે, નિતેશ સહિત ના ૪૦ માણસો ખેતર માં ખુબ ખરાબ રીતે ઘાયલ અવસ્થા માં પડેલા હોય છે. લગભગ દરેક ના હાથ-પગ ના હાડકાઓ ભાંગી ગયા હોય છે. દરેક ના ચહેરા ઉપર પણ લોહીવાળા ડાઘો હોય છે. લોહી જામી ગયું હોય છે, અને તેના પર મચ્છરો બણબણતા હોય છે. દરેક ને લગભગ મરણતોલ માર મારવામાં આવ્યો હોય છે. દરેક ના કપડાં ફાટેલા હોય છે, અને પીઠ અને પગો પર રીતસર સોજા દેખાતા હોય છે. રઘુ જેવો કઠણ હૃદય નો માણસ પણ ૪૦ માણસો ની આ હાલત જોઈ ૨ ઘડી માટે રીતસર રડી ઉઠે છે. તે રહેમત ને બૂમ મારી બોલાવે છે અને કહે છે કે ૨ ટ્રક,૪૦ સ્ટ્રેચર અને ૨૦ માણસો અને ૨૦ નર્સ ની,૨૦ ફર્સ્ટએઇડ કીટ ની વ્યવસ્થા કરે. અને કહે છે કે પૂના માં દાખલ ન કરતા આ લોકો ને બારામતી માં જ કોઈ ઓળખાણ હોય, તેવી હોસ્પિટલ માં, આ બધાને દાખલ કરવાની વ્યવસ્થા કરે.

પછી તે ભાનુપ્રતાપ ને ફોન કરે છે. ભાનુપ્રતાપે રાત્રે મુંબઈ ના પોલીસ કમિશનર સાથે વાત કરી હોય છે. કમિશનરે તેને ખાતરી આપી હોય છે કે, તે ૪૦ જણા ને ગોતવામાં પુરી સહાયતા કરશે. એટલે તે નિરાંતે સૂતો હોય છે. સવારે ૬ વાગે જયારે તે સવાર ની મીઠી નીંદર માં હોય છે, ત્યારે રઘુ ના ફોન થી તે જાગે છે. રઘુ ની વાત સાંભળી ને તેના ચહેરા નો રંગ ઉડી જાય છે. રઘુ તેને માણસો ની માહિતી અને પોતે તેની માટે જે વ્યવસ્થાઓ કરી હોય છે, તે તમામ માહિતી તેને આપે છે. ભાનુપ્રતાપ તરત પૂર્વ ચંપારણ માં થી ૨૦ માણસો ની વ્યવસ્થા કરે છે, તથા તે રઘુ ને ફોન કરી હથિયારો ની અને ૫ ગાડીઓની વ્યવસ્થા કરવા કહે છે. તે પટણા થી મુંબઈ ની એરટિકિટ ૨૧ માણસો માટે બુક કરાવે છે. બપોરે ૧૨ વાગ્યા ની ફ્લાઈટ હોય છે. તે નીચે આવી સુહેલદેવી ને તમામ માહિતીઓ આપે છે. સુહેલદેવી તેને સલાહ આપે છે કે, હવે રોહિત બાપટ અને મોહિત કુલકર્ણી એ મુંબઈ અંડરવર્લ્ડ નો ઉપયોગ તારી સામે કર્યો છે, તું હવે જે કંઈ પગલા લે, તે સાવચેતીપૂર્વક લેજે. શક્ય હોય તો હવે પોલીસ ને સાથે રાખજે. ભાનુપ્રતાપ ફટાફટ તૈયાર થાય છે. ચા નાસ્તો કરી તે દેવ ની રૂમ માં જાય છે. દેવ રાત્રે 2 વાગ્યા સુધી મિતાલી સાથે ફોન પર વાતો કરી હોય છે. તે સવાર ના ૮ વાગવા છતાં સૂતો હોય છે. ભાનુપ્રતાપ તેને થોડી ક્ષણો નીરખી રહે છે. પછી તે સુતેલા દેવ નું માથું ચૂમીને ઘર ની બહાર નીકળી જાય છે. બહાર તેના માણસો તૈયાર ઉભા હોય છે. તેઓ પટણા એરપોર્ટ જવા નીકળી જાય છે.

*******************************************************************

આ બાજુ મુંબઈ માં મિતાલી આજે સવાર-સવાર માં ૮ વાગે સજીધજી ને , સાડી પહેરી ને તૈયાર થઇ જાય છે. તેની મમ્મી આહના તેને પૂછે છે કે આજે સવાર-સવાર માં તૈયાર થઇ ને કોઈના લગ્ન માં જવાની છે કે શું? કોલેજ જવા માટે તો કોઈ દી એ સાડી પહેરતી નથી સિવાય કે કોલેજ માં કોઈ ફંકશન હોય. મિતાલી કહે છે કે આજે વિડિઓ કોલ પર તેની મુલાકાત દેવ ની ભાભી અને દેવ ની માતા સાથે થવાની છે. આહના એ મિતાલી પાસે થી દેવ વિષે, એના પરિવાર વિષે જાણ્યું હોય છે. તેને એ પણ ખબર હોય છે કે મિતાલી દેવ ના પ્રેમ માં પડી છે. આહના ખુબ અનુભવી અને સમજદાર ગૃહિણી છે. એ મિતાલી ને સમજાવે છે કે દેવ નો ભાઈ મંત્રી છે, એક બાહુબલી મંત્રી છે, અને આવા કુટુંબ માં સબંધ જોડવો, તે મુશ્કેલી ને આમંત્રણ આપવા બરાબર છે. મિતાલી દલીલ કરે છે કે બાહુબલી કોઈ હોય તો એ દેવ નો મોટો ભાઈ છે. દેવ પોતે તો ભણવામાં રસ ધરાવે છે. અને તેના ભાઈ ની પ્રવૃતિઓથી તેને ચીડ છે, એટલે તો તે પૂર્વ ચંપારણ થી ઘણે દૂર મુંબઈ ભણવા આવ્યો. આહના કહે છે કે, આખરે તે લોહી નો સંબંધ છે. જો દેવ ઘાયલ થયો તો એનો ભાઈ જ અટલે દૂર થી દોડી આવ્યો ને. મિતાલી કહે છે કે બિહાર નું રાજકારણ જ એવું છે, કે બાહુબલી હોય એ જ મંત્રી કે ધારાસભ્ય બને. અને ભાનુપ્રતાપ ને દેવ પ્રત્યે લાગણી છે. દેવ છે જ એવો કે જે કોઈ એને નજીક થી જાણે, એને દેવ માટે લાગણી થયા વગર રહે નહિ. આહના ટોણો મારે છે કે એ તો એ જૉઈ જ રહી છે. પછી વાત નો અંત આણવા આહના મિતાલી પાસે થી વચન માંગે છે કે, ભવિષ્ય મા કોઈપણ કારણસર જો દેવ અપરાધ ના રસ્તે ગયો તો મિતાલી દેવ સાથે કોઈ સંબંધ નહિ રાખે. મિતાલી આહનાને આ વચન આપે છે, કારણકે તેને ખાતરી હોય છે કે એકવાર સુરજ પશ્ચિમ મા ઉગી શકે,પણ દેવ કોઈ દિવસ અપરાધી નહિ બને(ભવિષ્ય ના ગર્ભ મા જે છુપાયેલું છે, તેનાથી તે સ્વાભાવિક રીતે અજાણ છે) . આ રીતે મિતાલી અને આહના ની વાતચીત પુરી થાય છે ત્યાં દેવ નો વિડિઓ કોલ આવે છે. દેવ મિતાલી ની ઓળખાણ રમા ભાભી અને સુહેલદેવી સાથે કરાવે છે. તેઓ ત્રણે લાંબા સમય સુધી એકબીજા સાથે વાતો કરે છે.

********************************************

બરાબર બપોરે ૧૨ ના ટકોરે ભાનુપ્રતાપ અને એના માણસો પટણા થી મુંબઈ ની ફ્લાઈટ પકડે છે, અને ૩ વાગે મુંબઈ પહોંચે છે,ત્યાંથી તેઓ ગાડીઓમાં બેસી બારામતી જવા નીકળી પડે છે.

ક્રમશ:

********************************************
પ્રિય વાચકો આ નવલકથા તમને કેવી લાગે છે, તે મને મારા નંબર ૯૮૨૫૫૨૦૧૧૯ પર Whattsapp પર જણાવશો તો હું તમારો આભારી રહીશ. તમારો અભિપ્રાય અચૂક મને જણાવવા વિનંતી.