શિક્ષક સમાજમાં સૌથી અધિક સન્માનનીય
શિક્ષક ની સાપેક્ષે અન્ય વ્યવસાયો ના સન્માનની તુલના જેવી સંવેદિત બાબતે એક શિક્ષકના નાતે ચર્ચામાં થોડી અભિવ્યક્તિ કરું છું, વિચારભેદ જણાય તો ક્ષમાયાચના.

શિક્ષક, ઉદ્યોગપતિ કે સાધુ બનવાની પસંદગી સ્વયંની છે. ઉદ્યોગપતિ નીતિથી લક્ષ્મી પ્રાપ્તિ કરે, તો ઘ્યેય સાધ્ય થયું ગણાય. શિક્ષકે સન્માન અને વૈભવની કામના ત્યજી સરળ અને અભ્યાસુ જીવનશૈલી સાથે પરોપકાર નો વ્યવસાયિક વિકલ્પ પસંદ કર્યો છે. શિક્ષક માટે ઘ્યેય સિદ્ધિ ના માનક સ્વયં નિર્ધારિત કરવા રહે.

ઉદ્યોગપતિ, સાધુ, ફકીર કે અન્યોનું સન્માન કેમ, એવી ફરિયાદ આપણને જ સન્માન પ્રાપ્તિ માં બાધક બની શકે. જો ધર્માચાર્ય વિજ્ઞાનનો વિરોધ નથી કરતા, તો વૈજ્ઞાનિકો શિદને ધાર્મિક રીતો કે પ્રણાલીનો અકારણ વિરોધ કરે, સીવાય કે ધર્મના નામે અંધશ્રધ્ધા કે શોષણ આચરાતું હોય! દરેક શુભ વિચારોનું સન્માન એ જ આપણી સંસ્કૃતિ છે. શિક્ષક કે અન્ય સમુદાય માં થી કોઈ ગેરરીતિ આચરે ત્યારે સરખી રીતે કોઈ વિવેચના કે સજાથી પર નથી. સમાજના તમામ ઘટકોના પદાર્પણથી જ ઉત્કર્ષ શક્ય છે, સાધુ કે ઉદ્યોગપતિ સમેત કોઈ પણ ના યોગદાનને ઉવેખી તેનું અકારણ અવમૂલ્યન કે નિંદા કરવી અનુચિત છે.

સ્વયં ના વ્યવસાયની ગરિમા ઓછી અંકાતી જણાય તો આત્મમંથન કરવું રહે. ફિલ્મ કલાકાર, રાજનેતા કે ક્રિકેટર ને વધુ મહત્વ આપતો સમાજ દોષી જણાય તો તેવા સમાજના ઘડતર માટેનો દોષ પણ આખરે તો શિક્ષકના શિરે જ આવશે. પ્રાચીન ગુરુકુળમાં કોઈ નિર્ધારિત મૂલ્ય વિના વિદ્યાદાન કરતા આચાર્ય ની સાપેક્ષે, આજ પગાર લઈને વિદ્યાવ્યાપન કરતા ગુરુ તુલનામાં થોડા તો નીચે જ રહેશે. આજ ની સ્થિતિએ પરંપરા હેઠળ શિક્ષકોને પ્રાપ્ત સન્માનના હક્કદાર પણ તો જ રહેવાશે, જ્યારે અવેજ થી વિધ્યાજ્ઞાપન કરવા ઉપરાંત શિષ્યોના જીવન ઘડતરમાં પણ સકારાત્મક પ્રદાન થી સશકત સમાજ અને રાષ્ટ્ર નું નિર્માણ કરીશું.

મારા નમ્ર મતે શિક્ષક સૈકાઓ થી લઇ આજપર્યંત સૌથી વધુ સન્માનીત વ્યવસાય રહ્યો છે. કદાચિત, સત્તા કે લક્ષ્મી ના કારણે અન્યોને પ્રાપ્ત સન્માન વજનદાર દેખાતું હશે, પરંતુ શિક્ષકને હ્રદયથી પ્રાપ્ત થતા સન્માન સરીખું ઋણસભર, નિસ્વાર્થ અને નિર્મળ નહીં હોય.

ભારતે શિક્ષક અને વૈજ્ઞાનિક ને પણ સર્વોચ્ચ પદે બેસાડી રાષ્ટ્રપતિ બનાવ્યા છે. ભારતના પ્રધાનમંત્રી કે ઓમાન ના સુલતાન હોય, તેઓ આજે પણ સૌથી વધુ સન્માન તેમના ભારતીય શિક્ષકનું કરે છે. વિશ્વના ભાગ્યે જ કોઈ દેશમાં શિક્ષક સર્વાધિક સન્માનિત વ્યવસાય નિર્વિવાદ રીતે નહિ હોય.

ડો.ભૂપેશ યાજ્ઞિક

Gujarati Motivational by Dr. Bhairavsinh Raol : 111858057

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now