સ્કૂલની યાદો...

સ્કૂલ એટલે મંદિર એવું આપણને બાળપણમાં શીખવવામાં આવતું હોય છે અને સાચે જ સ્કૂલ એક એવી પવિત્ર જગ્યા હોય છે કે જયાં જીવનને સોનાથી મઢવાની શરૂઆત થાય છે. એવું જ મારુ મંદિર કે એવી જ મારી સ્કૂલ એટલે નિર્માણ હાઈસ્કૂલ.

સ્કૂલનાં દિવસો યાદ કરુ એટલે સવારનાં પહોરમાં સમૂહમાં ગવાતી એ પ્રાર્થના, પહેલા લેક્ચરનો ઉત્સાહ, ક્યારેક લેશન ના કર્યું હોય તો શિક્ષકનાં મારની બીક, ડબ્બામાં લાવેલો નાસ્તો કરવા રિશેષની રાહ જોવાની તાલાવેલી, ચાલુ લેક્ચરે મિત્રો સાથે સંતાઈને વાત કરવાની કળા, બેન્ચીસ પર પોતાનું નામ કોતરીને તેને હંમેશા માટે અમર કરી દેવાની મજા તેમજ છેલ્લા લેક્ચરે ક્યારે બેલ પડે અને ફટાફટ ઘરે જઈએ તેની ઉતાવળ - આ બધું યાદ કરીએ એટલે આંખોનાં ખૂણા ભીનાં થઈ જાય છે.

આપણે જ્યારે નાના હોઈએ ત્યારે સ્કૂલે જવામાં ખૂબ કંટાળો આવે છે પરંતુ મને-કમને જવું પડતું હોય છે. ત્યારે આપણને ખ્યાલ નથી હોતો કે, સ્કૂલ એ તો આપણાં જીવનરૂપી ઈમારતનો પાયો છે અને જો પાયો કાચો રહી જાય તો તેની ઉપર મજબૂત ઈમારત બાંધવી અશક્ય છે.

તેથી જ હું મારી સ્કૂલનો હંમેશા આભારી છું કે, તેણે મારો મજબૂત પાયો ચણ્યો અને તેથી હું આજે જયાં પણ છું તે મારી સ્કૂલ અને તમામ શિક્ષકોનાં લીધે જ છું. સ્કૂલમાંથી મળેલું જ્ઞાન અને સંસ્કાર જીવનનાં અંતિમ શ્વાસ સુધી આપણી સાથે રહે છે. ક્યારેક આપણને કોઈ શિક્ષક કોઈ કારણસર વઢે કે મારે તો આપણને તે સમયે ખરાબ લાગતું હોય છે પણ તેમનાં દ્વારા પડેલો માર જ આપણાં ભવિષ્યને ક્યારેક સાચી રાહ ચીંધી દે છે. હું મારા જીવનમાં મને મળેલા દરેક શિક્ષકનો આજન્મ આભારી રહીશ.

સ્કૂલમાંથી મળેલું પ્રાથમિક શિક્ષણ જ જીવનભરનાં શિક્ષણનો આધાર હોય છે. મને ધન્ય કરનારી એવી મારી શાળાને કોટી કોટી વંદન. મારી સ્કૂલની દિવાલ પર લખેલી પંક્તિઓ યાદ આવે છે કે,

" શાળા અમારી તીર્થભૂમિ, જ્ઞાન ગંગા જયાં વહે..."

લેખક - બાદલ સોલંકી
મોબાઈલ નં. - 9106850269
InstaGram ID - @baavlo_chhoro

Gujarati Thought by Badal Solanki : 111849642

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now