"મોબાઈલ"



"ક્રિયા, શું તે કોઈ તોફાન કરેલું? તારી ટીચરે અમને તારી સ્કૂલમાં કેમ બોલાવ્યા છે..?" અચાનક જ ગુસ્સો કરતાં ક્રિયાના પપ્પા અર્જુનભાઈ અને મમ્મી પ્રિયાબેન ક્રિયા તરફ જોવા લાગ્યા.

આજે ક્રિયાના પેરેન્ટ્સ ને તેની ચાંદની ટીચરે સ્કૂલમાં બોલાવેલા. આમ તો ક્રિયા ખૂબ હોશિયાર હતી. રોજ હોમવર્ક કરીને જ સ્કૂલ જતી. આટલી ઉંમરમાં જ એકદમ ડાહી અને સમજદાર થઈ ગઈ હતી ક્રિયા. આજ સુધી ક્યારેય પણ તેની સ્કૂલમાંથી કોઈ જ ફરિયાદ આવી નહોતી અને આજે અચાનક કેમ..

મનમાં ઘણા બધા સવાલો સાથે ક્રિયાના મમ્મી પપ્પા ક્રિયાને લઈને તેની સ્કૂલે આવ્યા. ક્રિયા છટ્ઠા ધોરણમાં ભણતી હતી. તેની ક્લાસ ટીચર ચાંદની મેડમ તેમની રાહ જોઈ રહ્યા હતા. જ્યારે ક્રિયા તેના મમ્મી પપ્પા જોડે સ્ટાફરૂમમાં આવી ત્યારે તે ક્યાંક ખોવાયેલી હોય તેમ ગુમસુમ લાગતી હતી. ક્રિયાને તેના મમ્મી પપ્પા જોડે જોઇને ચાંદની મેડમ થોડા ભાવુક થતા અને તેમને આવકારતા બોલ્યા.." આવો, mr and mrs. શર્મા. હું તમારી જ રાહ જોઈ રહી હતી."

અચાનક મેડમે ક્રિયાને ક્લાસરૂમમાં જવા માટે કહ્યું. જ્યારે ક્રિયા પોતાના ક્લાસરૂમમાં ગઈ ત્યારપછી ચાંદની મેડમ, અર્જુનભાઈ અને પ્રીયાબેન સામે એક કાગળ રાખીને તેમને તે વાંચવા કહ્યું.

તે કાગળ તેમની ક્રિયાએ લખેલો હતો. તેના ક્લાસ માં બધાને એક નિબંધ લખવાનું કહેવામાં આવ્યું હતું અને તેનો વિષય હતો. -' હું શું બનીશ.'

"મારા મમ્મી પપ્પા મને પ્રેમ જ નથી કરતા. તેઓ મારા કરતાં વધારે પ્રેમ પોતાના મોબાઇલને કરે છે એટલે હું મોટી થઈને મોબાઈલ બનીશ.
સવારે ઊઠે ત્યારથી લઈને મોડી રાત્રે સુવે ત્યાં સુધી મારા મમ્મી અને પપ્પા મોબાઈલ પોતાની સાથે ને સાથે જ રાખે છે. જમવા બેઠા હોય ત્યારે પણ મોબાઈલ સાથે જ હોય.
મોબાઇલને કંઈ થઈ ના જાય તે માટે તેઓ મોબાઇલને ખૂબ સાચવીને રાખે છે. રોજ સમયસર ચાર્જિંગ કરે. હાથમાંથી ક્યાંક પાડીને ફૂટી ન જાય એ માટે મોબાઈલની સ્ક્રીન ઉપર કાચ લગાવેલો રાખે. મોબાઇલને સારી રીતે કવર કરીને રાખે.
તેઓ મને જરૂરી હોય તેવી બધી જ વસ્તુઓ લાવી આપે છે. જમવાનું પણ બધું જ બનાવી આપે છે પરંતુ તેઓ મને પોતાના મોબાઈલની જેમ પ્રેમ નથી કરતા. મારે બીજું કઈ નથી જોઈતું બસ, તેમનો પ્રેમ જોઈએ છે.
હું તો મોટી થઈને તેમનો મોબાઈલ જ બનીશ. "

ક્રિયાનો લખેલો એ નિબંધ વાંચીને અર્જુનભાઈ અને પ્રિયાબેનની આંખોમાં આંસુ આવી ગયાં. તેમને પોતાની ભૂલ સમજાઈ ગઈ હતી. તેઓ સમજી ગયા હતા કે આ ટેકનોલોજી તેમના કામને ભલે એકદમ સરળ બનાવી દેતી હોય પરંતુ પોતાના પ્રિયજનો થી દુર કરી રહી છે. તેમનો પ્રેમ ઓછો થઈ રહ્યો છે. તેઓ ક્રિયાથી જ નહિ પરંતુ એકબીજાથી પણ દૂર થઈ ગયા હતા.

ત્યારબાદ ત્યાં સ્ટાફરૂમમાં બેઠેલા ક્રિયાના પરેન્ટ્સ ને ચાંદની મેડમે ઘણી વાર સુધી સમજાવ્યા, પરંતુ કદાચ હવે તેની કંઈ જ જરૂર નહોતી. તેઓ સારી રીતે સમજી ગયા હતા.

ત્યારપછી અર્જુનભાઈ અને પ્રિયાબેન સાથે મળીને ઘણા દુઃખી થયા. હવે એમણે નક્કી કર્યું કે ઘરે આવે ત્યારે જરૂર પૂરતો જ મોબાઈલ હાથમાં લેવો. બાકીનો સમય ક્રિયા માટે અને એકબીજા માટે જ વિતાવવો.

હવે ક્રિયા પણ ખૂબ જ ખુશ હતી. તેને પોતાના માતપિતા નો પૂરતો સમય અને પ્રેમ મળી રહ્યો હતો.




Thanks
આ સ્ટોરી મે ક્યાંક વાંચેલી છે. ક્યાં વાંચી એ તો યાદ નથી પણ મને ગમી એટલે લખી.

Dr. Dipak Kamejaliya

Gujarati Motivational by Kamejaliya Dipak : 111822960

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now