અતિશયોક્તિનો ચોકીદાર - હદ....🦚✍🏻✨💫



અતિશયોક્તિ સર્વત્ર ત્યજતે...


હદથી વધારે સંવેદના, હદથી વધું વાચળતા, હદથી વધુ મહત્વકાંક્ષા હોય કે હદથી વધુ લાગણી, હંમેશા અધોગતિ જ નોતરે છે. અને તે લેવલ સુધી આપણે આપણી જાતને ન પહોંચાડી દઇએ તે માટે સ્વઅવલોકન ચોક્કસથી કરતાં રહેવું પડે. આજે મોબાઈલના અતિરેકનું પરિણામ આપને સૌ ભોગવી જ રહ્યા છે. જે આપણને સૌને અનુભવાતું હોવાં છતાં, તેનાથી "પર" થવું અતિશય કપરું લાગી રહ્યું છે. ક્યાંક સંબંધથી અલિપ્ત, ક્યાંક સંવાદથી અલિપ્ત, ક્યાંક મિત્રતાથી અલિપ્ત, ક્યાંક જાતથી અલિપ્ત, આપણે થઈ રહ્યા છે. આશ્ચર્યની વસ્તુ તો એ છે કે આ દરેક વસ્તુની આપણને જાણ હોવાં છતાં છુટી નથી શકતા. ગુમાવેલું તે બધું ફરી મેળવી નથી શકતાં. અને છૂટી ગયેલું ફરી જીવી નથી શકતાં. માટે અતિશયોક્તિના મુળિયા ઊંડા ઉતરી જાય તે પહેલા તેને ઓળખી લઈને સાવચેત થઇ જાવ. ને "સેલ્ફ ડિસિપ્લિન" ની તલવારથી તેની એક હદ બાંધી શકો છો. અને પોતાની જાતને સારી આદતોમાં વ્યસ્ત રાખીને નકારાત્મક લાગણીઓ ભાવથી પોતાને દૂર કરી શકો છો. સતત અજંપો ત્યારે જ અનુભવાય જ્યારે પોતાની જાત પોતાને કોસતી હોય, તમે અંતરાત્માના અવાજને વિરુદ્ધમાં જઈને કંઈક કરવા જઈ રહ્યા હોય.

લાગણીઓની અતિશયોક્તિ માણસને શંકાના વમળોમાં ફસાવે છે. મહત્વકાંક્ષાઓની અતિશયોક્તિ માણસને શોર્ટકટથી, ચાપલૂસી કરીને આગળ વધવા પ્રેરે છે. પોતાની ક્ષમતાની જાણ હોવા છતાં માત્ર દેખાડો અને મોટાઈ બતાવવા પોતાનાં સ્ટેટસ જળવાઈ રહે કે અભિમાનના ઝગમગાટ ને બરકરાર રાખવા માણસ "માણસ" રહેવાનું ભૂલી જાય છે. બાળકને શો ઓફ નું સાધન બનાવી દે છે. પોતાના હાથ નીચે કામ કરતા નાનાં માણસો જોડે તોછડાઈભર્યું વર્તન કરે છે. સંબંધોને અવગણીને, સંપત્તિને પ્રાયોરિટી બનાવી લે છે. અને આ અતિશય મહત્વાકાંક્ષા તેમને બહુ મોડી સમજાય છે. પછી પસ્તાવા સિવાય કંઈ જ રહેતું નથી,જ્યારે માણસ બધું જ ગુમાવી ચુક્યો હોય છે.

કંઈ કેટલાયે મોહરા નીકળે છે..
માણસમાં જ્યારે ખરેખર "માનસ" જાગે છે.

તું સાચવજે... ક્યાંક....
" વધારે", "હજી વધારે" માં ન અટવાઉ..

જીવનમાં માત્ર પોતાનાથી જ ...
જાત થાકે છે.....

"આગમ" બની શકે છે તું....
સમ રહી જીવી શકે જો...

"ગીતા"રસ થકીજ ....
માનસમાં નિષ્કામ ભાવ જાગે છે....


માત્ર પ્રવાસી બનીને જીવવામાં આપણું સુખ છે. જ્યારે જ્યારે માલિક બનવા જઈએ છે, આધિપત્ય જમાવવાનો પ્રયત્ન કરીએ છીએ, ત્યારે ત્યારે પીડા, તકલીફની શરૂઆત થાય છે. કારણ કે જે સંબંધમાં કે વસ્તુગત ભાવોમાં માણસ પોતાની જાત સાથેનાં જીપીએસ સિસ્ટમથી વિખુટો પડી જાય છે. ત્યારે તે ફરીથી કનેક્ટ થવા "અતિશય"વ્યાકુળતા પૂર્વક પ્રયત્નશીલ બની જાય છે. માટે "સ્થિતપ્રજ્ઞતા" નો ગુણ જીવનમાં દરેક સ્ટેજ પર, દરેક પરિસ્થિતિમાં, દરેક સંબંધમાં કેળવવો ખૂબ જરૂરી છે.

મિત્તલ પટેલ
"પરિભાષા"

Gujarati Motivational by Mital Patel : 111803117

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now