ટ્રેનમાં ખુમારી .. ભાગ 1
વાત છે 2018ની, હું અને જયેશભાઇ પુણે જવા ટ્રેનમાં બેઠા. જયેશભાઈને પસંદગી મુજબ બારી આગળ આર એ સી વાળી સીટ મળી અને મને લોવર બર્થ મળ્યું. સીટ પર બીજા લોકો પણ પોતાની જગ્યાએ ગોઠવાયા અને ગાડી આગળ ચાલી. સાંજનો સમય, હજી રાત્રી ભોજન બાકી હતું અને સૂવા જવાની તો બહુ વાર હતી, એટલે લોકોને ફાવે એમ પોતાના સીટ નમ્બરની ચિંતા કર્યા વગર આમ તેમ બેસી ગયાં હતાં.
મારી બાજુમાં એક દાદા અને દાદી આવીને બેઠા. લગભગ 70 વર્ષનાં હશે પણ સ્વસ્થ અને સક્રિય દેખાયા. દાદી લોકોની વાતો સાંભળ્યા વગર એમની ધૂનમાં બેઠા હતાં અને દાદા અમારી વાતોમાં વચ્ચે થોડું બોલીને વાતોની આપ લે કરતાં.

દાદીને મેં એમની એક નાનકડી બેગ ખોલતા જોયા, બેગની અંદર સરસ રીતે ભગવાન એમની સ્વચ્છ બેઠક સાથે બિરાજમાન હતા, એટલે આદત મુજબ મેં પ્રભુને નમસ્કાર કરી દાદીને જય શ્રી કૃષ્ણ કહ્યું. દાદી કૈં બોલ્યા નહીં બસ સ્મિત આપી પોતાની સંધ્યા પૂજામાં લીન થઈ ગયા. દાદાએ પછી જણાવ્યું કે દાદી ભગવાનને એકલા ઘરે મૂકે નહીં, સાથે જ લઈને ફરે છે. એટલે મેં અંદાજ લગાવ્યો કે દાદા દાદી એકલાજ રહેતાં હશે.

ફરી વાતો શરૂ થઈ, ધર્મથી લઈને ગીતા જ્ઞાન સુધી અને પોલિટિક્સ થી લઈને આપણી શિક્ષણ પદ્ધતિમાં સુધારા સુધી.હું બોલું તો દાદા સ્વીકારે અને દાદા કહે એ હું સ્વીકારું. દાદી કશું કહે નહીં, બસ થોડું સ્મિત આપે. સાડા આઠ વાગ્યા એટલે હું અને જયેશભાઇ જમવા બેઠા. દાદાએ કહ્યું કે તેઓ જમીને જ ગાડીમાં બેઠા છે એટલે એમને અમને સાથે જમવા દીધા અને પોતે બીજી સીટ પર બેસી ગયા. દાદાએ અમને અંદરની વાત કહી કે દાદી સાંભળવાનું મશીન એમની જુદી લોક વાળી બેગમાં રાખે છે કે જેથી ક્યાંય પડી જાય નહીં.
ત્યારે જ મને દરેક વાતમાં દાદીના નિર્દોષ સ્મિતનું રહસ્ય ખબર પડી.

અમારું જમવાનું પત્યું, બરોડા સ્ટેશનથી નવા મુસાફર આવીને અમારી સીટ આગળ ઉભા રહી ગયા. એમણે મને કહ્યું કે તમારા બાજુની સીટ મારી છે, મેં કહ્યું પણ અહીં તો જેટલા મુસાફર હોવા જોઈએ એટલા કરતા એક વધારે જ છે, તમારી પાસે કનફર્મ ટિકિટ છે? એમણે કહ્યું હા, આ જુઓ ને. એમના મોબાઈલ પર ખરેખર મારી બાજુની સીટની ટિકિટ હતી. પછી અમને થયું કે કદાચ દાદા દાદીની ટિકિટ બીજી કોઈ જગ્યાએ હશે, એટલે મેં દાદાને પૂછ્યું, દાદા તમારી સીટ કઈ? દાદાએ કહ્યું મારી ટિકિટ તમે જે સીટ પર છો એજ છે અને એક સીટ આ ભાઈ કહે એ સીટની છે. એવું કઈ રીતે બન્યું?

દાદા પાસે 2 ટિકિટ, બેઉ કનફર્મ, એક મારી સીટ, એક પેલા ભાઈ આવ્યા એમની સીટની. મેં મારું મોબાઈલ ફરી તપાસયું પણ મારી સીટ પણ એજ હતી. પછી થયું કે આ રેલવે વાળાએ કૈંક લોચા માર્યા છે, આવું બને નહીં પણ કદાચ આજેજ આ બની ગયું છે. બે સીટ 4 પેસેન્જરને અપાઈ ગઈ છે.

Gujarati Story by Mahendra Sharma : 111765290
shekhar kharadi Idriya 2 years ago

અત્યંત રસપ્રદ સ્ટોરી..

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now