સૂટકેસની વિદાય કથા...

આજે જ્યારે છેલ્લો દિવસ તમે નક્કી કરી જ દીધો છે તો કહી દઉં કે મારા 18 વર્ષની કામગીરીને ધ્યાનમાં લઈને વિદાય આપજો. મારી કામગીરી નીચે મુજબ છે.

તમારા સાસુએ મને તમને તમારા લગ્નમાં ભેન્ટમાં આપ્યાં હતાં.
જ્યારે હું આવી ત્યારે મારી આ બ્રાન્ડ અને સ્ટાઇલ એકદમ નવી માર્કેટમાં આવી હતી, તમે એને લઈને રુવાબ સાથે રેલવેસ્ટેશન પર ચાલી શક્યા હોત, પણ તમે મારી કાળજી રાખવા ઇચ્છતા હતા એટલે મિલિટરી કલરનું કવર ચડાવીને જ તમે પહેલી વખત માસીના છોકરાના લગ્નમાં ગયા હતાં. મને યાદ છે મારી ક્ષમતા કરતાં વધુ સામાન કપડાં વગેરે તમે ભર્યા પણ હું મારું ફિગર ખરાબ દેખાતું હોવા છતાં મેં તમને ગમે એમ કરવા દીધું.

મારુ ભરાવદાર પેટ જોઈને ઘણા ગઠિયાઓએ મને ખરાબ નજરે જોયા પણ કદાચ તમારું જૂનું પેન્ટ જોઈને એમને લાગ્યું હશે કે આ સૂટકેસના પેટમાં પણ જુના કપડાં સિવાય કશું મળશે નહીં.

પછી કાકાની દીકરી, કાકાના દીકરા, ફઈની દીકરી, દિલ્લી પ્રવાસ, સોમનાથ વગેરેમાં હું તમારી સાથે જ રહી. છેલ્લે હરિદ્વારમાં અસ્થિ વિસર્જન માટે જતાં તમારા કોઈ સગાને તમે મને ઉધારમાં આપી દીધી, તેઓ માટે હું પારકું ધન હોઈ તેઓએ મારી કોઈ કાળજી લીધી નહીં, મારું હેન્ડલ ત્યાં જ તૂટ્યું હતું.

ત્યાર પછી તો મારું બહાર જવાનું બંધ થયું, એક નિરાશા મારામાં ઘર કરીને બેઠી પણ તમે ક્યાં મને રીટાયર થવા દેવાના હતાં, હવે તમે મને ઘરની અંદરજ નવી જવાબદારી સોંપી. તમારા જરૂરી કાગળ જેવા કે દસ્તાવેજ, વીમો, બેંકના લેટર, ભાડા કરાર, ડિગ્રી સર્ટિફિકેટ વગેરે સાચવવા તમે મારામાં વિશ્વાસ મૂક્યું.

જ્યારે થોડાક વર્ષો પહેલાં હું કાગળોથી છલ્લોછલ ઉભરાતી હતી, હવે ધીરે ધીરે તમારા કાગળ પણ ઓછા થતાં ગયાં, પહેલાં તો 10 વર્ષ જુના લાઈટના બિલ તમે સાચવતા હવે તો ગયા વર્ષના બિલ પણ મારી પાસે આવ્યા નથી, વિમો ભર્યાની રસીદો આવી નહીં, બેંકના સ્ટેટમેન્ટ આવ્યા નહીં, એટલે મને લાગ્યું કે હવે તમને મારા ઉપર વિશ્વાસ ડગી ગયો હશે.પણ પછી થયું કે હશે એમ, જે છે એટલું તો સાચવું.

ગયા વર્ષે તો એક્સીડેન્ટલ ઇનજરી થઈ પછી મારા લોક પણ કામ નથી કરતાં. એક દિવસ અચાનક મારી બાજુમાં એક દિવસ નવી નક્કોર બેગ આવી, તમે મારી અંદરનું બધું એમાં શિફ્ટ કર્યું, એટલે ગઈ વખતની જેમ મને થયું કે હવે નવી જવાબદારી આવશે.

બહુ દિવસો વીતી ગયાં, હું ખાલી જ પડી રહી, કશુંજ નવું આવ્યું નહીં , હતાશા મને ઘેરી વળી અને હું પડી ભાંગી જ્યારે તમે મને આજે બહાર કાઢીને મેડમ ને કહ્યું કે "હવે આને જવા દઈએ".

બસ, એટલુંજ કહીશ કે મારી સેવાઓને યાદ રાખજો, હું ફરી આવીશ નવા સ્વરૂપે, નવી ડિઝાઇનમાં, નવી સગવડો સાથે, કારણકે મને તમે બહુ ગમો છો....

- વહાલી બેગ

Gujarati Jokes by Mahendra Sharma : 111757741

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now