જિંદગીથી વધુ પડતાં નારાજ રહેનાર લોકો ખડૂસ બની જતાં હોય છે. માટે જિંદગી ક્યારેક કશું ના આપે કે કશુક લઈ લે ત્યારે બહુ નારાજ ના થઈ જવું. થોડીક વાર ઉદાસ થઈ જવું પણ પછી તરત માની જવું. જો આપણે નારાજ રહીશું તો જીવનમાથી આનંદ જતો રહેશે અને જો આનંદ જ નહી હોય તો જિંદગી શુષ્ક લાગતી રહેશે. અને શુષ્કતા આપણાં સૌના જીવનને કોરું બનાવી દેતી હોય છે. જ્યાં કોરાશ હોય ત્યાં તિરાડો પડી જતી હોય છે અને એ તિરાડો જીવનમાં દૂ:ખોને પ્રવેશ આપતી રહે છે. માટે જ્યારે કશું છીનવાય જાય કે નિષ્ફળતા મળે ત્યારે વધુ પડતું દૂ:ખ અનુભવવાને બદલે એ બાબતને સ્વીકારીને આગળ વધી જઈએ. આગળ વધતાં રહીશું તો સમયના વહેણમાં બધુ વહી જશે. અને જો સ્થિર થઈ જઈશું તો જિંદગી થંભી ગઈ હોય એવું લાગતું રહેશે. માટે જેમ સમય અને પાણીના પ્રવાહની જેમ વહેતા રહીએ. જો આપણે વહેતા રહીશું તો સાથે સાથે ઘણું ઘણું બિનજરૂરી વહી જશે.
કોઈપણ સંબંધ તૂટી જાય કે બીજું કોઈ દૂ:ખ આવી પડે, રોવું પડે તો રડી લઈએ પણ પછી લડી પણ લઈએ. લડતા રહીશું તો જિંદગી પ્રત્યે બહુ નારાજગી નહી રહે. આ નારાજગીના ચક્કરમાં આપણે જીવવાનું જ ભૂલી જતાં હોઈએ છીએ. માટે જે ક્ષણો અસહ્ય લાગે તેને ભૂલી જઈએ અંગ્રેજીમાં એક બહુ સારો શબ્દ છે, ‘મૂવિંગ ઓન’ એટલે કે આગળ વધી જવું. જે કઈ બની ગયું છે, એ ક્ષણો પાછળ શા માટે જિંદગીને વેડફી નાખવી? આપણે અહેસાસો કરતાં અફસોસોને વધુ મહત્વ આપતા રહીએ છીએ અને દૂ:ખી થતાં રહીએ છીએ. હકીકત તો એ છે કે વીતી ગયેલી એક પણ ક્ષણને આપણે પરત નથી લાવી શકવાના તો પછી જે જતું રહ્યું છે, એના માટે નારાજગી કેવી?
જિંદગીમાં જે ક્ષણો દૂ:ખ કે દર્દ આપતી જાય છે, એ ક્ષણો બાદ જ સુખની ક્ષણો વધુ આહલાદક લાગતી હોય છે! જેમ ઠંડીમાં ધ્રૂજતા હાથોને નજીકની વ્યક્તિની હુંફ ગમે છે, એમ જ આપણે પણ દર્દથી કણસતી જિંદગીને સ્નેહ અને લાગણીની હુંફ આપતા રહીએ. શા માટે કોઈ એક સંબંધે આપેલું દર્દ આપણે બીજા સંબંધને આપવું? આપણે સૌ ભૂલ જ ત્યાં કરીએ છીએ, એના કરતાં આપણને મળતા દૂ:ખ અને દર્દ પ્રત્યે જો આપણે હકારાત્મક થઈ શકીશું તો જિંદગી પ્રત્યે નારાજ થવાનો સવાલ જ નહી રહે!
જેમ કુંભાર માટલાને ઘડવા તેને ભઠ્ઠીમાં પકવે છે, એમ જ જિંદગી આપણને મુશ્કેલીઓની અને દર્દની ભઠ્ઠીમાં પકવતી રહે છે. આપણે ઘડાતા જઈએ અને મજબૂત બનતા જઈએ. વળી મજબૂત બનવાનો અર્થ એ નથી કે આપણે ફીલ કરવાનું ભૂલી જઈએ. આપણે જીવંત રહેવાનું ક્યારેય પણ છોડવાનું નથી. તમે કહેશો લખવું અને કહેવું અઘરું છે, જીવવું અઘરું છે, અરે યાર પ્રયત્નો તો કરી જોઈએ. શું ખબર કઈ ક્ષણ આપણાં માટે કશું નવું લઈને આવે અને આપણે જીવંત રહેતા શીખી જઈએ.
જિંદગીને માણવી એ સૌથી સારો વિકલ્પ છે, જે આપણને નવી આશા,ઉત્સાહ અને ઉમંગ તરફ લઈ જાય છે, ભૂતકાળ માટે થઈને વર્તમાન અને ભવિષ્યને બગાડવો.....બહોત ના-ઈન્સાફી હે!!!!!
જે મળ્યું એ નસીબ છે, અને જે નથી મળી શક્યું એ પણ નસીબ જ છે!!! સમજાય તો.....
તો આવજો અને જીવજો
Happy living!!!

Gujarati Good Evening by Dipti : 111757146

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now