"મુસાફિર હું યારો"

1972 માં આવેલા પરિચય મુવીનું એક સોંગ છે, "મુસાફિર હું યારો..." આ ગીતના શબ્દો ગુલઝાર સાહેબે લખ્યા છે. ખરેખર આ ગીતની દરેક લાઈન જીવનમાં ઉતારવા જેવી છે. પહેલી લાઈન જ આપણા જીવનનું સત્ય રજુ કરે છે કે, "અહીં દરેક માણસ મુસાફર જ છે." દરેક માણસ પાસે મંઝીલ નથી હોતી પણ સફરની મજા તો દરેક પાસે હોય જ છે. બસ એ મજા લૂંટતાં શીખવું જોઈએ. 'રુસ્વા મઝમલી' પણ લખે છે કે, "છું એક મુસાફર, નિર્ભય થઈ, હું સાંજ સવારે ચાલુ છું, બુદ્ધિનું ગજું શું રોકે મને, અંતરના ઈશારે ચાલુ છું."

દરેક માણસ જીવનને અલગ અલગ નજરથી જુએ છે, પણ જરાક ઊંડું વિચારીએ તો જીવન એક સફર છે અને આપણે સૌ આ સફરમાં મુસાફર બનીને ચાલીએ છીએ. જીવીએ છીએ. ક્યાંય રખડીએ છીએ. તો ક્યાંય રસ્તો શોધીએ છીએ. ક્યાંય સફરને માણીએ છીએ. આ જિંદગી નામની સફરમાં ક્યાં અને કેવા વળાંકો આવે છે એ કોઈ જાણતું નથી હોતું પણ દરેકે મુસાફર બનીને ચાલવું જ પડે છે. જીવનરૂપી સફરમાં ઘણી વાર કાંટા મળે છે તો ઘણી વાર ફૂલ પણ મળે છે. ક્યારેય તડકો ભોગવવો પડે છે તો કયારેય ઠંડો છાંયડો પણ મળે છે. કોઈકને મંઝીલ મળે છે તો કોઈકને સફરની મજા વધારે ગમી જાય છે. 'કાયમ હાજરી' સાહેબ લખે છે કે, "લાંબા પથ ને રસ્તા કાચા, એક મુસાફર, લાખ લબાચા !!મનગમતા છે સાવ નકામા, અણગમતા રસ્તાઓ સાચા.."

જીવનનો બીજો અર્થ સફર છે અને માણસનો બીજો અર્થ મુસાફર છે. જીવનરૂપી સફરમાં મુસાફર બનીને રખડવાની મજા જ કઈંક ઓર છે. ઘણા લોકો ભટકે છે તો ઘણા અટકે છે પણ જીવનની સફરમાં રખડવાની જે મજા છે એ મંઝીલ મેળવવા કરતા ઘણી વધારે, સુખકારક અને અનુભવોથી ભરેલી છે.

છેલ્લે દિલથી કહું તો એક ગીત યાદ આવે છે:

એક રાહ રુક ગઈ, તો ઓર જુડ ગઈ
મેં મુડા તો સાથ- સાથ, રાહ મુડ ગઈ
હવા કે પરો પે, મેરા આસિયાના
મુસાફિર હૂઁ મેં યારો, ના ઘર હૈ ના ઠીકાના
મુજે ચલતે જાના હૈ,બસ ચલતે જાના હૈ

- SHILPA PARMAR "SHILU"

Gujarati Thought by SHILPA PARMAR...SHILU : 111739031

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now