ચાલતાં રહેજો.....
તુલસી અસમય કે સખા ધીરજ ધર્મ વિવેક |
સહિત સાહસ સત્યવ્રત રામ ભરોશો એક || (દોહાવલી)

રામચરિત માનસમાં તુલસીદાસજી મહારાજે ખરાબ સમયમાં ધીરજ, ધર્મ, વિવેક, સાહિત્ય, સાહસ, સત્યવ્રત અને આમ, સાત બાબતોને ધ્યાનમાં રાખવાનું સૂચન કર્યું છે.

સમય પ્રમાણે પરિસ્થિતિ અને સંજોગો બદલાયાં કરતાં હોય છે. કોઈ વાર પરિસ્થિતિ આપણાં હિતમાં હોય છે તો કોઈ વાર સંજોગો વિપરીત હોય છે. બધી જ રીતે જીવનનો સ્વીકાર આપણે કરવો જ રહ્યો.

વ્યક્તિ પોતાનાં જીવનમાં ક્યાંક અટકે છે ખરો? નાં નહીં. અને હા, તો પણ સમય ક્યારેય કોઈનાં માટે નથી જ અટકતો. એ તો અવિરત ચાલ્યાં જ કરે છે. એમ આપણે સૌ પણ અવિરત આગળ વધતાં જ રહીએ છીએ.
કહેવત છે ને કે, "કોઇનાં વિના કંઈ અટકી નથી જતું!" પોતાના વ્યક્તિ,જેમનાં વિના જીવન ક્યારેય વિચાર્યું ન હોય એ ઓચિંતા આપણને છોડીને જતાં રહે ત્યારે પણ જીવીએ તો છીએ જ. એમના જવાથી આપણે નથી જ અટકી જતાં. તેમ આપણાં જવાથી પણ કંઈ અટકી નથી જ જવાનું.

જીવનમાં એવા કેટલીય ઘટનાઓ આપણી સાથે ઘટતી હોય છે. જેનાંથી આપણે સંપૂર્ણપણે ભાંગીને ભુક્કો થઈ જતાં હોઈએ છીએ. આગળ જીવન જીવવું ખૂબ કપરું બની જતું હોય છે. એવા સમયે આપણે ઘરની બહાર તો ઠીક, રૂમની બહાર પણ નથી નીકળી શકતાં. પરંતુ ક્યાં સુધી?સમય જતાં, સમય સાથે આપણે પણ આગળ વધવું જ રહ્યું. પહેલેથી જ જો આ સમય સાથે, સંજોગો સાથે જો સમજ કેળવી લઈએ તો ઘણું બધું સરળ થઈ જાય. હંમેશા એક વાત યાદ રાખવી કે દરેક મુશ્કેલીઓનો ઉકેલ હોય જ છે. જરૂર છે તો પોતાના ઉપર વિશ્વાસ રાખવાની.

ઘણીવાર દૂરથી મુશ્કેલ લાગતું કામ નજીકથી નાનું અને સહેલું નીકળે એવું બને! એકવાર અડગ મનથી એક ડગલું આગળ ભરવાથી આપણામાં હિંમતનો સંચાર આપોઆપ થાય છે. એક અનેરો ઉત્સાહ જાગે છે. કોઈપણ કાર્યમાં ઉત્સાહ ખૂબ જરૂરી છે. જરૂર છે તો ફક્ત એક ડગલું ભરવા જેટલી હિંમત કેળવવાની!

જીવનમાં ઉતાર-ચઢાવ આવે તો જ જીવન જીવવાની મજા છે. રંગીન દુનિયા ન જોવાનો અફસોસ હર હંમેશા રહેશે જો જીવનમાં મુશ્કેલીઓ ન આવશે તો. મેં ક્યાંક વાંચ્યું છે કે, "યે દિન ભી ચલે જાયેંગે!" એ પછી સુખનાં હોય કે દુઃખનાં. હંમેશા પ્રસન્ન રહેતાં શીખેએ. પ્રસન્ન ચિત્ત અને ઉમંગી મન હંમેશા સાચાં નિર્ણયો લેતું હોય છે. આપણે ત્યાં ભૂલ કરવાની સ્વતંત્રતા છે. હા, હમણાં એવો સમય છે કે નાની અમસ્તી બાબતને પણ મોટી બતાવવામાં આવે છે. પરંતુ આપણને આપણી પરિસ્થિતિ, આપણી ભૂલ ખબર હોય છે અને આપણે એમાંથી જ શીખતાં હોઈએ છીએ. નિષ્ફળતા સૌ કોઈને મળે છે. વળી ઘણાં તો સફળતા પણ પચાવી નથી શકતા. નિષ્ફળતામાંથી અનેક રસ્તાઓ મળતાં હોય છે. નાસીપાસ થવાની જરૂર નથી. નિષ્ફળતા મળે પણ નિરુત્સાહી ન થવું. હંમેશા આગળ વધતાં રહેવું.

જીવનનો એક મહત્વનો સંદેશ છે "ચાલતાં રહેવું!" ભલેને આપણે એ માર્ગ પર એકલાં હોઈએ. ઘણી મુશ્કેલીઓનો સામનો કરીને જ્યારે આપણે સફળતાનાં શિખરે પહોંચીએ છીએ ત્યારે સામે એ જ ટોળું તમારાં સ્વાગત માટે તૈયાર હશે જે શરૂઆતમાં તમારી નિંદા કરતું હશે. સ્વમાન, સભાન, સમય સૂચકતા સાથે લેવાયેલા નિર્ણયો હંમેશાં સફળતા અપાવે છે.

આપણે સૌ એક પ્રવાસમાં છીએ તે પ્રવાસને અંતિમ શ્વાસ સુધી ખેડવાનો છે. જરૂરી નથી કે એમાં ફક્ત સફળતા મળે. પોતાના ઉપર અડગ વિશ્વાસ અને ભગવાન ઉપર ભરોસો આપણને છેલ્લે સુધી જીવંત રાખે છે.

-કિંજલ દિપેશ પંડ્યા "કુંજદીપ"

Gujarati Blog by Kinjal Dipesh Pandya : 111736687

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now