સીમિત અસીમ!

આકાશ અને મન
પરિવેશ બદલવામાં સરખાં.

આકાશ ક્યારેક નિરભ્ર,
મન બને કોઇ વેળા નિસ્પંદિત.

આકાશમાં હલકાંફુલકાં વાદળાં,
મન નાની સરખી ખુશીમાં મલકે.

કાળાં વાદળ સૂરજને ઢાંકે,
પછી આપે અમૃત હેલી. એમ,
મનને ઉદાસી કે આશા પલટે.

રાત્રે આકાશ અંધારું, ડરાવે.
પણ તારા ટમકે. એમ,
મનમાં ખૂણે ખૂણે શ્રદ્ધાના
એવા દીપ પ્રગટે.

આકાશને સીમા નથી,
પણ જો,
મન બ્રહ્મમાં એકાકાર
તો એ પણ અસીમ!

સીમિત હસ્તીમાં
સમાઇ અસીમતા.

આકાશ હાથમાં ન આવે ભલે
આ મન જેના તાબામાં
દુનિયા એ જીતવાના!

--વર્ષા શાહ

Gujarati Poem by Varsha Shah : 111736288

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now