મળેલાં જીવ....

"મળેલાં જીવ" પન્નાલાલ પટેલનાં પુસ્તકનું શીર્ષક છે. જીવનમાં આ શબ્દની યથાર્થતા સમજવી ખૂબ જ જરૂરી છે. આ શબ્દ ફક્ત પતિ-પત્ની કે પ્રેમીઓ માટે જ નથી વપરાતો, આપણાં કોઈપણ પ્રિયજન માટે વાપરી શકાય છે. પ્રિયજનની વ્યાખ્યા પણ ઘણી થાય. મારા મતે પ્રિયજન એટલે, તમારી મૂંઝવણને કહ્યાં વિના સમજી જાય. એમાં ક્યારેય અંતરનું નહીં "અંતર"નું જ મહત્વ હોય. મુશ્કેલીના સમયે વગર કહ્યે સૌથી પહેલાં જેનો હાથ આપણી તરફ લંબાયો હોય એ જ સાચો પ્રિયજન. આપણી પાસે ઢગલાબંધ મિત્રો હોય, નજીકનાં કહેવાતાં વ્યક્તિઓ હોય એ બધાંજ, આપણી કથા સાંભળવા તૈયાર ન થતાં હોય, તે આપણી વ્યથા શું સમજશે!?? આવા પોતાનાં વ્યક્તિઓ અણીના સમયે "પોતા"નું વ્યક્તિ બની રહે છે. આવાં વ્યક્તિઓ પ્રિયજનોમાં ભલે સ્થાન ધરાવતાં હોય પણ, "મળેલાં જીવ" તો નથી જ!

પ્રેમ એટલે ફક્ત અને ફક્ત ત્યાગ. બધું જ ગુમાવીને, સઘળું મેળવ્યાનો એહસાસ. પોતાના પ્રિયજન માટે કંઈપણ કરી છૂટવાની ભાવના જ સંબંધને સર્વશ્રેષ્ઠ બનાવે છે. એકબીજાને નીચાં પાડવાં કે ઉતરતાં ગણવા એ ક્યારેય પ્રેમ નથી જ.
રમેશ પારેખના શબ્દોમાં કહું તો...
એવું કૈં કરીએ કે આપણ એકબીજાને ગમીએ !
હાથ હાથમાં આપી, સાથે હૈયું પણ સેરવીએ,
ભૂલચૂકને ભાતીગળ રંગોળીમાં ફેરવીએ !
શા માટે રઢિયાળી રાતે એકલ એકલ ભમીએ ?

જિંદગી રોજ નવા પાઠ ભણાવે છે. આપણે કયો પાઠ, ક્યારે અને કેવી રીતે ભણવો એ આપણાં હાથમાં છે, આપણે નક્કી કરવાનું કે આપણે કેવા વિદ્યાર્થી બનવું છે. દરેક પગલું આપણાં માટે નવું હોય છે. જીવન એ પરિવર્તનનો નિયમ છે અને પરિવર્તનનો સહર્ષ સ્વીકાર આપણું જીવન બદલી નાખે છે. આવા સમયે આપણું મજબૂત મનોબળ, પોતાનાં ઉપર અખૂટ વિશ્વાસ, પૂર્ણ આત્મવિશ્વાસ હોવો ખુબ જરૂરી છે. એની સાથે આપણાં પાર્ટનરનો, પરિવારનો કે પ્રિયજનોનો સાથ-સહકાર, વિશ્વાસ ખૂબ જ મહત્વનો ભાગ ભજવે છે. એક ડગલું ભરવા માટે,‌ નવું સાહસ ખેડવા માટે આપણને જે સહાય કરે, એ ડગલું ભરવાનાં નવા રસ્તાઓ બતાવે, આપણા પથદર્શક બને, તે જ સાચા સાથી. જીવનનો ભાર ઊંચકવા પહેલાં જ આપણને હળવાફૂલ બનાવે મારા મતે તો એ જ "મળેલાં જીવ". આ શબ્દ મારાં હૃદયને એટલે સ્પર્શી જાય છે કે, "જીવ કોઈ પણ હોય એકબીજાને સમજી, સમજાવીને આ દુનિયામાં ટકી રહેવા, પોતાની દુનિયા રંગીન બનાવવામાં મદદ કરે!"

દ્રૌપદીને પાંચ પતિ હોવાં છતાં એને વસ્ત્રાહરણ સમયે માત્ર માધવ જ કામ લાગે છે. આ છે "મળેલાં જીવ". અનેક જન્મોના ઋણાનુબંધ સાથે, દરેક જન્મમાં એકબીજાને સાથ આપવાનું હોય છે. આવા સંબંધો જીવનમાં અત્તરનું કામ કરે છે.
અહીં મને સુરેશ જોશીના શબ્દો યાદ આવે છે કે,
"એક માણસ બીજાં માણસને મળે છે શા સારું? જેથી બંને જણાં એકબીજાનાં નામ ભૂંસી શકે, થોડી ખરબચડી રેખાઓ સરખી કરી શકે અને જો એથીય વળી મોટું સદ્ભાગ્ય હોય તો પોતાનામાં વ્યાપેલાં શૂન્યમાં એકાદ નક્ષત્ર પ્રગટાવી શકે."

- કિંજલ દિપેશ પંડ્યા "કુંજદીપ"

Gujarati Blog by Kinjal Dipesh Pandya : 111726057

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now