શબ્દની આરપાર જીવ્યો છું
હું બહુ ધારદાર જીવ્યો છું

સામે પૂરે ધરાર જીવ્યો છું
વિષ મહી નિર્વિકાર જીવ્યો છું

ખુબ અંદર બહાર જીવ્યો છું
ઘૂંટે ઘૂંટે ચિકાર જીવ્યો છું

મધ્યમાં જીવવું જ ના ફાવ્યું,
હું સદા બારોબાર જીવ્યો છું.

મંદ ક્યારેય થઇ ન મારી ગતિ
આમ બસ મારમાર જીવ્યો છું

આભની જેમ વિસ્તર્યો છું
અબ્ધિ પેઠે અપાર જીવ્યો છું

બાગ તો બાગ સુર્યની પેઠે
આગમાં પૂરબહાર જીવ્યો છું

હું ય વરસ્યો છું ખૂબ જીવનમાં
હું ય બહુ ધોધમાર જીવ્યો છું

આમ ‘ઘાયલ’ છું અદનો શાયર પણ
સર્વથા શાનદાર જીવ્યો છું

– અમૃત ‘ઘાયલ’🌷

Gujarati Poem by Pandya Ravi : 111702381

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now