આ તે કેવી યાતના, આ તે કેવા હાલ !
જેવી આજે જોઈ છે, ના દેખાડે કાલ.

ધોળા-ભગવા બેઉમાં, ધોળો મોટો પીર,
હોસ્પિટલ હો શામળો, શાને જઉં મંદિર ?

ચીસો એકસો આંઠની, સંભળાતી ચોકોર,
ભીતર તાતાથૈ કરે, શ્વાસોના બે મોર !

આ કેવી સંવેદના ? આ કેવી દરકાર ?
કોરટ ઉધડો લે પછી, નિર્ણય લે સરકાર.

સાંજે પાછા ઘર જતા, પડતી રુદિયે વીજ,
મનમાં-મનમાં બાંધતો, હું ઘરને તાવીજ.

નાના-મોટા જે ગણો, સૌના સરખા હાલ,
સેવા તો મળશે બધે, ક્યાંથી મળશે વ્હાલ ?

'નિનાદ' એક જ પ્રાર્થના, સૌનું સારું થાય,
હું સંધાતો હોઉં તો, પહેલા તું સંધાય !

- નિનાદ અધ્યારુ

Gujarati Poem by Rinku Panchal : 111696236

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now