આપણે Self evaluation છેલ્લે ક્યારે કર્યું હતું??📐🔬⚗️🧬

સંપર્કમાં આવતી વ્યક્તિઓને જજ કરવી ,તેનાં વર્તન, તેની વાણી, તેનાં વ્યવહારથી પરથી તેનાં માટેનું ચોક્કસ ચોગઠુ મનમાં ઘડી નાખવું, તે વ્યક્તિનાં વ્યક્તિત્વને કોઈ ચોક્કસ માળખામાં ફીટ કરી દેવું તે માનવ સહજ વૃત્તિ છે. ક્યારેય તે વર્તન-વ્યવહાર પાછળ તેના સંજોગ, તેનાં જીવનનાં ફ્રસ્ટ્રેસન, તેની મનોસ્થિતિ, જે તે સમયે શું રહી હશે તેની ભાગ્યે જ આપણે જાણવાનો પ્રયત્ન કરતાં હોઈએ છે. કદાચ એવું જાણવું કે તેનાં માટે સમય કાઢવો પણ શક્ય નથી હોતો.પણ આપણે એટલું તો કરી જ શકીએ કે જે તે વ્યક્તિને ક્યારેય જજ ન કરીએ. તેનાં માટે કોઈ ગ્રંથિ ન બાંધી લઈએ.તે આવો જ છે ને તે આવી જ છે એવું કોઈ સૂત્રમાં તેને ન બાંધી લઈએ.માણસનુ "માનસ"બહુરંગી છે. તેનાં ભાવ, લાગણી, વાતાવરણ, સંજોગો ઘણાં બધાની અસર હેઠળ તે જીવતો હોય છે. તેને કળવું ખૂબ કઠિન છે. અને આપણને મૂલ્યાંકનકાર તરીકેની ફરજ બજાવવાની જરૂરી શી છે? હકીકતમાં તો આપણે આપણા સિવાય કોઈને બદલી નથી શકતા.તો બીજા નું મૂલ્યાંકન સતત કરતાં રહેવાનો અને જજ બની ને જજમેન્ટ આપતાં રહેવાનો ઠેકો શા માટે લેવો પડે??

દરિયામાં મીઠા ને ઓળખી ગયા તે શું થઈ ગયું!!!
દરિયામાં પાણી પણ ભરપૂર છે એવું જાણી લો તોય બહુ છે....

જીવનમાં ઈશ્વર પરીક્ષાઓ શા માટે લે છે?? સેલ્ફ ઈવાલ્યુએશન માટે... મુશ્કેલી કે પ્રોબ્લેમમાં મુકાવ ત્યારે જ ખબર પડે છે કે જીવનમાં કેટલું તત્વજ્ઞાન પામ્યા અને કેટલાક માત્ર ફાંકા ને ખાલી ખોખા જેવું જીવ્યા. તકલીફમાં તમને સેલ્ફ ઈવેલ્યુએશન નો સમય મળે છે. તમને ભીતરથી વધું મજબુત થવામાં, પોતાની વ્યક્તિઓની કદર કરવાનો ભાવ આવે છે. સબંધ ની કિંમત સમજાય છે. જેમ છેતરાયા પછી જ પોતે થોડા વધુ ભોળા હતાં તેનો અહેસાસ થાય છે.મન અને મગજની તમામ બારી ખુલ્લી રાખીને જીવવાની શીખ તકલીફ જ આપી શકે છે. બાકી બધું સારું સારું ચાલતું હોય ત્યારે તો અહમ બ્રહ્માસ્મિ નાં ઓથા હેઠળ હવામાં જ ઉડતા હોઈએ છીએ.

ક્રિકેટમાં સારી બોલિંગ કરવાં પણ થોડું પાછળ ખસીને પછી આગળ દોડવું પડે છે. જેમ બેડમિન્ટનમાં રેકેટને થોડું પાછળ લઈ જાય પછી સારો શોટ આપી શકાય છે. તેમ જીવનમાં થોડા થોડા સમયે જીવનપથ પર પાછા વળીને સ્વમૂલ્યાંકન પણ કરતાં રહેવું પણ જરૂરી છે. કે હું જે રસ્તે જઈ રહ્યો છું તે સાચો છે કે નહીં. જીવનની ભુલભુલામણીમાં મે કશેક ભૂલો તો નથી પડ્યો ને. મને જે દેખાય છે તે ભ્રમ તો નથી ને.હું પોતાનાં વિકાસ માટે, પોતે એક સારાં માણસ બનવા માટે ,મારું કામ હજુ વધું સારું કરવાં માટે શું કરી શકું?? પણ પોતાની ભૂલ જોવામાં, હંમેશા માણસ અંધ બની જતો હોય છે. મારાથી તો ભૂલ થાય જ નહીં, સામે વાળાનો જ વાંક હશે જે કર્યું તે સાચું જ હોય. આ અહમમાંથી માણસ બહાર આવે તો પોતાને ઓળખી શકે. પોતાને સમજી શકે અને પોતાનામાં બદલાવ લાવી શકે ને. પણ માણસ તો લોકો મને ઓળખે ,લોકો મને સમજે, એની જ આખી જિંદગી આશા રાખતા હોય છે. પણ પહેલા તમે પોતાને તો ઓળખો. પોતાની ક્ષમતાઓ પોતાની આવડત, પોતાની ખામીઓ ,પોતાની ભૂલોને ઓળખો. તો પોતાને સમજી શક્શો પછી દુનિયા તમને સમજે કે નહીં ,ઓળખે કે નહીં ,તેની પરવા તમને નહીં રહે.

મિત્તલ પટેલ
"પરિભાષા"
અમદાવાદ

Gujarati Motivational by Mital Patel : 111670108

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now