શેખ સાદીએ ગુલિસ્તાં નામી કિતાબમાં ઈરાનના ન્યાયપ્રિય રાજા નોશેરવાન નો એક કિસ્સો વર્ણવ્યો છે.

એકવાર રાજા એના વિશ્વાસુ દરબારીઓ સાથે શિકારે હતો. શિકાર કરીને એના દરબારીઓ કબાબ બનાવવાની તૈયારી કરી રહ્યા હતા, એવામાં એમના ધ્યાનમાં આવ્યું કે શાહી રસાલા માં મીઠું લાવવાનું રહી ગયું છે. નોશેરવાને એક ચાકરને પાસેના ગામડામાં મીઠું લેવા રવાના કર્યો, અને તાકીદ કરી કે કિંમત ચૂકવીને જ મીઠું લાવજે!

આ સાંભળીને અમુક દરબારીઓએ રજૂઆત કરી કે બાદશાહ સલામત!

ચપટી મીઠાની કિંમત શા માટે ચૂકવવામાં આવે ? અને શું લોકો ઉપર જરૂરી નથી કે રાજાની આટલી સેવા કરે ? થોડું મીઠું આપણે મફતમાં લઈશું તો એ કંઈ ખોટું નથી.!

નોશેરવાને જવાબ આપ્યો કે, ભાઈ ! બીજા દેશોની પ્રજા ઉપર જે જુલમ આજે આપણે જોઈ રહ્યા છીએ એ શરૂ મા આવો આકરો અને લોકોને રાંક બનાવી દે એવો ન હતો. કોઈકે શરૂમાં આવી જ કોઈ નાની વસ્તુ મફતમાં પરાણે છીનવી હશે અને પછી એની માત્રા વધતી જ ગઈ. આજે પરિસ્થિતિ આ છે કે રાજાઓ એમની પ્રજાના બધા જ માલ ઉપર પોતાનો અધિકાર સમજે છે, અને ચાહે ત્યારે છીનવી લે છે.

વાર્તાનો સાર આ છે કે બાદશાહ અથવા કોઈપણ શક્તિશાળી વ્યક્તિ એ કોઈ એવી પ્રથા શરૂ ન કરવી જોઈએ જે પાછળથી લોકો ઉપર જુલમ અને અત્યાચારનું નિમિત્ત બની જાય.

બીજી બાબત આ પણ સમજવાની છે કે આવી વાતો રાજાએ અને સત્તાધારી કે હોદ્દેદારે પોતે જ સમજવાની છે એની આસપાસના લોકો આવી બાબતે સાચું કહેવાની વાત તો દૂર સામાન્યપણે રાજાને અત્યાચાર કરવાના નવા નવા તરીકાઓ શીખવતા હોય છે માટે દરેક હોદ્દેદારો આવી બાબતો એ સ્વયં શિસ્ત અપનાવવી જોઈએ અને ખુશામતખોર લોકોની વાતો પર ધ્યાન આપવું જોઈએ નહીં.

Gujarati Blog by mim Patel : 111644575

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now