Repost:

રામ અને શબરી મિલનની કલ્પના:


જગજાહેર છે રામ અને શબરી મિલનની કથાઓ, ગવાયેલ છે લાખો વાર,

પરંતુ બનાવ ઘણાય રામાયણ ના રચયિતા વાલ્મિકીજીનીં જાણ બહાર પણ બન્યા હશે...



હજારો સૂરજ અને ચંદ્ર આથમતા અને ફરીથી ઉઘતા શબરીએ એકીટશે જોયા હશે,

જ્યારથી શબરીના કાને પ્રભુ શ્રી રામને વનવાસ મળવાના ભાળ મળ્યા હશે...



જ્યાં પિતા દશરથ અને માતા કૌશલ્યનાં હાર્દ, પુત્ર વિરહ માં ભાન ભૂલીને રક્ત ના આંસુએ રડ્યા હશે,

માં શબરીના રામદર્શનાભિલાશી હ્રદયમાં વર્ષોથી વહેતા વિરહનાં આંસુ, પ્રથમવાર થોડા ધીમાં પડ્યા હશે...



વ્રજાઘાતથી અવધના અંગો જ્યારે સીથીલ-પ્રાણહીન બની ધરા પર ઢળ્યા હશે,

શબરી ના વ્રુદ્ધ શરીરમાં શક્તિનાં નવ-યુવાન તરંગો, રામસેવાર્થે ઉમંગથી સરવળ્યા હશે...



બનાવ ઘણાય રામાયણના રચયીતા વાલ્મિકીજીનીં જાણ બહાર પણ બન્યા હશે...



દંડકારણ્યમાં પરોઢીયે પક્ષીઓના કર્ણપ્રીય કલરવ પણ શબરી એ કર્કશ કહી સંબોધ્યા હશે,

જ્યારે પક્ષીઓના મધુર કલરવ, પ્રભુ શ્રી રામ ના પદરવ સાંભળવામાં શબરીને મન નડ્યા હશે...



ઝુપડી સુધી આવતી દરેક વાટ પર પડેલા કંટકો પણ એક ક્ષણમાટે ભયથી થરથર્યા હશે,

ક્યારેક વીણી ને તો ક્યારેક પોતાના ચક્ષુ પર જ સંદેહ કરી,

શબરીએ ભયંકર શૂળ જેવા કંટકોના ધડ સ્વ-ચરણો તળે જ ક્રુરતાથી કચડ્યા હશે...



યોજનો સુધી પથરાયેલ ગાઢ જંગલોને કોઈ ખેડૂતની જેમ વર્ષો સુધી પરસેવે પલડીને ખેડ્યા હશે,

ત્યારે જ તો દંડકારણ્યના પથ્થરાળ રસ્તાઓ પર પ્રભુ શ્રી રામના પદ સંભાળવા,

સુંદર, મુલાયમ અને સુવાસિત ઉચ્ચ કોટી ના વિભિન્ન ફુલ સ્વર્ગમાંથી અવતાર્યા હશે...



બનાવ ઘણાય રામાયણના રચયીતા વાલ્મિકીજીનીં જાણ બહાર પણ બન્યા હશે...



વિશાળ પંપા સરોવરના નીર ખુટાડી, પ્રભુ શ્રી રામના અગમન માર્ગ તે નીરના છંટકાવથી ઠાર્યા હશે,

રામસંબંધ સાચવવાના પ્રબંધોમાં, દંડકારણ્યના રહેવાશીઓના કડવા કઠોર વેણ પણ શબરીએ પચાવી પાડ્યા હશે...



પ્રભુ શ્રી રામને અંતે દુરથી આવતા જોઈ, જટથી સફેદ કેશ આમતેમ ઉતાવળે વંટાળ્યા હશે,

સામી તે દોટ એવીરે મુકી કે ભુલી વેશભુષાનું ભાન,

કદાચ ભગવાન શ્રી ક્રુષ્ણ સુદામા મીલનનું સંધાન, રામ અવતારમાં શબરી પાસેથી જ ભાળ્ચા હશે...



આખરે થયું જીવન સાર્થક પુરવાર, પુછી પ્રભુના હાલ, વહાલા પ્રભુને મન ભરી નિહાળ્યા હશે,

હર્ષના અશ્રુને પણ અડચણ સમ જાણી, આંખો થી અતિ દુર જ બાળ્યા હશે...



બનાવ ઘણાય રામાયણના રચયીતા વાલ્મિકીજીનીં જાણ બહાર પણ બન્યા હશે...



એઠા બોર જ ખવડાવ્યા શબરીએ પ્રભુ શ્રી રામને, કદાચ સત્ય અપુંર્ણ હોય,

ભાતભાતના ફળ અને વ્યંજનોના મેળાવડામાંથી શબરીના એઠા બોર જ પ્રભુ શ્રી રામને મન ભાવ્યા હશે...



બનાવ ઘણાય રામાયણના રચયીતા વાલ્મિકીજીનીં જાણ બહાર પણ બન્યા હશે...

-- Denish Jani

https://www.matrubharti.com/bites/111395228

Gujarati Poem by Denish Jani : 111638997

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now