હવે પોતાની મર્યાદા વળોટી આવવું પડશે;
જળાશયમાં ડૂબીને સાવ કોરાં લાગવું પડશે.

પરિચય માટે ક્યારેય્ નામ કેવળ કામ નહીં આવે;
જરા દરિયાને ઓળખવા ટીપાંને ચાખવું પડશે.

પ્રવાસી આભના છો તો હજી ડર શાનો છે મનમાં!
તમારે પાંખ ફેલાવીને વાદળ કાપવું પડશે.

સંબંધોનાં ફૂલોને સહેજ હસતાં રાખવા માટે;
ભરોસા નામનાં કૂંડામાં ખાતર નાખવું પડશે.

જગતના હર ખૂણામાં હું ફરું છું એટલે કહું છું;
હવે ડગલે ને પગલે સાચવીને ચાલવું પડશે.

જમાનો સહેજ બદલાયો, તમારી દૃષ્ટિ પણ બદલો;
હવે પાણીને જોઈ પાત્રને આકારવું પડશે.

વિધિના લેખ જોયા, કર્મનું ફળ પણ અમે જોયું;
હવે તો બેઉની વચ્ચેનું અંતર માપવું પડશે.

‘પથિક’, સમજી શક્યો એથી જીવ્યો તું સાદગીપૂર્વક;
જગત માટે જીવન તારે હવે શણગારવું પડશે.

- જૈમિન ઠક્કર "પથિક"

Gujarati Poem by Rinku Panchal : 111606464

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now