"મમ્મી એક કપ ચા બનાવી આપોને પ્લીઝ.." મારૂ ચા માટે પૂછવું સામાન્ય હતું, પણ એ સમય સામાન્ય નહોતો..
હું મમ્મીને રાતે લગભગ સાડા દસની આસપાસ ચા માટે પૂછી રહી હતી.. !
વાત જાણે એમ હતી કે છેલ્લા કેટલાક સમયથી હું એક વાર્તા લખી રહી હતી, બસ આજે એનો અંત લખવાનો હતો..

આમ તો કોઇપણ વાર્તા ટુંકી અથવા લાંબી હોય, મને બસ એક રવિવાર જોઈએ એને પુરી લખવા માટે.. પણ આ વાર્તા પાછળ હું છેલ્લા કેટલાય રવિવાર ફાળવી ચૂકી હતી, અને છતાં એ અધૂરી હતી..!

આજે તો નક્કી કરી રાખ્યું હતું, ગમે તે થાય આજે પૂરી લખીને જ રહીશ.. આમ પણ બીજા દિવસે રવિવાર હતો, એટલે સવારે વહેલા ઊઠવાની માથાકૂટ નહોતી..

થોડી આનાકાની બાદ મને ચા મળી.. મેં એ અધૂરી વાર્તા શરૂઆતથી વાંચવાની ચાલુ કરી, હા મેં જ લખી હતી પણ એકવાર ફરીથી વાંચીને પછી યોગ્ય અંત આપવાનું નક્કી કરી હું બધા પેજ લઇને બેઠી..

શરદઋતુની શરૂઆત હતી, રાતનો ઠંડો પવન મારા રૂમની બારીમાંથી આવી રહ્યો હતો.. આમ પણ રૂમની બાફની સામે પંખો નિઃસહાય બન્યો હતો, તેથી હું એ વાર્તા અને મારી ચા લઇને બાલ્કનીમાં જ આવી ગઈ.. એ વાર્તાને પૂરી કરવા આજે સમય પણ સાથ આપી રહ્યો હતો, તેમ છતાં ન જાણે શું મનમાં ખટકતુ હતું..! જેમ જેમ વાર્તા આગળ વાંચતી ગઈ તેમ તેમ હ્રદય એક ઊંડી યાદમાં પાછળ ધકેલાતું ગયું..

થોડી વાર રહીને હું ઝબકી, કદાચ મારી આંખ લાગી ગઈ હતી., પણ ના આ તો સવાર થઈ ચૂકી હતી..! એ વાર્તા વાંચતા વાંચતા હું યાદોના મોજાઓ પર સવાર થઈને ભૂતકાળનો દરિયો ખેડીને બાલ્કનીમાં જ સૂઈ ગઈ હતી..!

મેં અંદર રૂમમાં આવીને જોયું તો ચારેબાજુ વાર્તાના પાના વિખરાયેલા પડ્યા હતા, કદાચ રાતના પવનના લીધે આમ થયું હશે.. મેં ફટાફટ બધા પાના એકઠા કરી પાછા ટેબલ પર મૂક્યા, અને એકવાર ફરીથી એ વાર્તા અધૂરી જ રહી..!

એ વાર્તાની જગ્યા એ હું મને જોઇ રહી.. જબરજસ્તી કરી એને હું અંત આપવા ગઈ તો એના એક એક પત્તા વિખરાઈ ગયા.., હું પણ કદાચ મારી જાતને આમ જ જબરજસ્તીથી પૂરી કરવા મથી રહી હતી, અને અંતે છેલ્લી રાતે વિખરાઈ ને પડી રહી..!

Gujarati Blog by Aarti : 111587554

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now