૨૯ સપ્ટેમ્બર....World Heart Day

હૃદય લઈને આવ્યા છો, તમને ખબર છે?
આ સંવેદનાઓ વગરનું નગર છે.
****
જે અહીં આવ્યા પથારા પાથરી બેસી ગયાં!
આ હૃદય એથી જો પહોળું થાય તો હું શું કરું?
****
ઉઠાવું છું કલમને હાથમાં તો શબ્દ ફૂટે છે
હૃદય જાણી ગયું છે રોજની છે આ પ્રથા મારી.
****
રાખવા'તા એમને દુનિયાથી ઓઝલ એટલે
આ હૃદયમાં ચોરખાનું રાખતા શીખી ગયો.
****
છુપાવીને તને રાખી શકું એવી વ્યવસ્થા છે
જરા હિમ્મત કરીને આ હૃદયના ચોરખાને આવ.
****
એમનું દિલ એમને આપી દીધું પાછું અમે
આપણાથી આપણું હો એય ક્યાં સચવાય છે?
****
એના હૃદય સુધી અમે પહોંચી ગયા'તા પણ
લખ્યું'તું - અહીંથી રસ્તો આગળનો બંધ છે.
****
પ્રસ્તાવ તારાં નામનો જેવો રજૂ થયો!
આંખો, હૃદય ને મન - બધાંય એકમત થયાં.
****
ત્યાં નિરંતર ઈશ વસતો હોય છે
તું હૃદય સાથે હૃદયને જોડ ને!
****
રસ્તો હૃદય સુધીનો તું જો લઈ શકે અગર
હું તારાં માર્ગમાં નયનને પાથરી શકું.
****
જરા તું એમના વિશે ખબર લઈ રાખજે પહેલાં
અરે ઓ દિલ! અમારે પ્રીત પરબારી નથી કરવી.
****
એમ નહીં દિલ હાથમાં આવે
ત્યાં શોધો જ્યાં ખોવાયું છે.
****
દિલ સુધી તારાં જે રસ્તો જાય છે
ધ્યાન દે, સંભળાય છે પગરવ તને?
****
એક સોદો સાવ સસ્તો થઈ ગયો!
દિલ ધરી દીધું ને રસ્તો થઈ ગયો.
****
પીડા હૃદયની જે ઘડીએ હદ વળોટી ગઈ!
સમજુ હતો એ કેટલો! શાયર બની ગયો.

Gujarati Blog by Kavita Gandhi : 111581053

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now