"શિક્ષક...."

કોરી આંખોમાં સપના વાવે તે શિક્ષક,
ખોબામાં ઝાકળ લઈને આવે તે શિક્ષક.

શબ્દોનાં ભાથામાંથી છોડે એવા તીર,
પંગુને પહાડો ઓળંગાવે તે શિક્ષક.

ગ્રંથોનાં આટાપાટા ઉકેલી સૌને,
મિથ્યાં ગ્રંથીઓથી છોડાવ તે શિક્ષક.

સૂરજ જેમ તપી બાળે મનનાં સંશયને,
સ્નેહ તણી વર્ષાથી ભીંજાવે તે શિક્ષક.

પંખીનો માળો જાણે ગૂંથીને વર્ગમાં,
ટહૂંકાઓ ભીંતે જે ચિતરાવે તે શિક્ષક.

જ્ઞાન તણા પ્રકાશે જળહળતું કરવા જગને,
શ્રદ્ધા કેરા દીપક પ્રગટાવે તે શિક્ષક.

બાળકનાં વૃંદાવન જેવા માનસપટ પર,
નિર્ભયતાની કૂંપળ ઉગાવે તે શિક્ષક.

જાદુગર જાણે કે કાચા પીંડ ઘડીને,
ચેતનવંતા શિલ્પો કંડારે તે શિક્ષક.

આંખે ગીતા, કુરાનનો આંજીને સાર,
દુઃખી જનની પીડા વંચાવે તે શિક્ષક.

ફૂલોમાં ફોરમ, પથ્થરમાં ઈશ્વર જોવા,
માના સ્તરે જઈને સમજાવે તે શિક્ષક.



આવા શિક્ષકને..... શિક્ષક દિન નિમિત્તે શત શત પ્રણામ.... સહ ચરણ વંદના... 🌹🌹

Gujarati Thought by Mahesh Vegad : 111561381

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now