આપણી જ જવાબદારી
==================================
(૧૩)
આપણે જ્યારે કોઈ પણ કામ કર્યું હોય કે કરીએ ત્યારે તેની સફળતા કે નિષ્ફળતા પૈકીનું એક પરિણામ પ્રાપ્ત થાય છે. સફળ થનાર આગળનું કદમ ભરે છે, અને નિષ્ફળ થનાર જો મનથી મક્કમ હોય તો વધુ મહેનત કે તાકાત સાથે ફરી પ્રયત્ન કરી સફળતા પ્રાપ્ત કરે છે. આટલી વાત પછી એમ થાય કે ઠીક છે, બરાબર છે. વળી આપણે આ વાત સમજી શકીએ છીએ તેથી તેને હળવાશથી પણ લઇએ છીએ; પરંતુ આ જ વાત બાળકોનાં દિલોદિમાગમાં ઉતારવી ખૂબ જ મુશ્કેલ છે.

હાલનાં સમયમાં સફળતાનાં સંતોષ કરતાં અપેક્ષાનો અતિરેક વધુ જોવા મળે છે, અને જાણે અજાણે બાળકો આવા મનસ્વીપણાનો ભોગ બની બેસે છે.આવા સંજોગોમાં બાળક જ્યારે જે તે ક્ષેત્રમાં, ધોરણમાં કે કાર્યમાં નિષ્ફળ જાય છે ત્યારે તેની માનસિક પરિસ્થિતિ ખૂબ જ નાજુક હોવા સંભવ છે. બોર્ડમાં 'રિઝલ્ટ' ઓછું આવવાથી કે નાપાસ થવાથી ઘણા વિદ્યાર્થીઓએ આત્મહત્યા કરી હોવાની ઘટનાઓથી આપણે અજાણ નથી.બાળક કોઈ પણ ઉંમરનું હોય અને જો તે કોઈ ક્ષેત્રમાં-ખાસ કરીને વિદ્યાર્થીઓને આભ્યાસમાં નિષ્ફળતા પ્રાપ્ત થાય તો તેને ઉતારી પાડવાની કે અન્ય બાળક સાથે સરખામણી કરવાની ભૂલ કદી ન કરવી. આવા બાળકને તો સૌપ્રથમ તમારી હૂંફની જરૂર હોય છે. જે તે પરિસ્થિતિને તે સમય પૂરતી બાજુ પર ધકેલી દેવી અને એક જવાબદાર વડિલ કે માતાપિતા તરીકે બાળકની નિષ્ફળતાની જડ ખોતરી તેનાં માર્ગદર્શક બનીએ. આનો સૌથી પહેલો અને મોટો ફાયદો એ છે કે આપણું બાળક આપણી પાસે રહેશે.બાકીનાં પછી બધા જ રસ્તા કરી શકાય.

નિષ્ફળતા એ પ્રયત્ન કર્યાની સૌથી મજબૂત સાબિતી છે. જો કે આવી સમજદારી બાળકને નાનપણથી જ કેળવવી જરૂરી. ઘણાં માબાપ બાળકની નાનીમોટી નિષ્ફળતા બદલ તેનાં પ્રત્યે દુર્વ્યવહાર સેવે છે, તેને ઉતારી પાડે છે. આમ કરવાથી તેનાં હ્રદયમાં ડર અને લઘુતાગ્રંથીનો આવિષ્કાર થશે. શક્ય છે કે તે ફરી પ્રયત્ન કરતો પણ બંધ થઈ જાય. આ રીતે તો તે કદીયે ઉજ્જવળ ભવિષ્ય નહિં બનાવી શકે, અને જો એમ થાય તો તેનાં જવાબદાર આપણે જ ગણાઇશું. હા, એ વાત પણ ખરી કે બાળકનું વર્તન,વિકૃતિ કે નિષ્ફળતા માટે આપણે આપણી જાતને જ દોષિત માનવાની પણ જરૂર નથી.આવી પરિસ્થિતિ પાછળ ઘણાં પરિબળો ભાગ ભજવે છે. માનીએ કે સફળતા એ કંઈ રસ્તામાં નથી પડી અથવા કંઈ સસ્તી પણ નથી, પરંતુ નિષ્ફળતા એ સફળતામાં પ્રાપ્ત થતાં આનંદના પરિમાણ કરતાં પણ વધુ સંયમ, સમજદારી અને ધૈર્ય માગી લે છે; અને આ બહું હિંમતનું કામ છે.

બસ, એટલું જ કે કોઈ પણ સંજોગોમાં બાળકોને જીવનમાં આવતી નિષ્ફળતાને પણ વધાવી લેતાં શીખવીએ. આખરે તો આપણી જ જવાબદારી છે ને!!
🙏જય માતાજી🙏
(ક્રમશઃ)
રાજેન્દ્રકુમાર એન.વાઘેલા
ભરૂચ.

Gujarati Motivational by રાજેન્દ્રકુમાર એન. વાઘેલા : 111549668

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now