Prem_222:

#ભાઈ

#જોગડો_વણકર

#ઝવેરચંદ_મેઘાણી

Part _03

હે વીરા જોગડા, તું તો રાંપી લઈને મરેલા ઢોરનાં ચામડાં ચીરવામાં કુશળ કહેવાય. એને બદલે તેં તલવાર લઈને શત્રુઓને ચીરી નાખ્યા. તને તલવાર વાપરવાની યુક્તિ આપોઆપ ક્યાંથી સૂઝી ગઈ ?

વિલાપ આગળ વધે છે, નવી કલ્પનાઓ ઊગે છે. હૈયામાં જાણે હરિ જાગે છે:

આગે છેલ્લી ઊઠતો, પે'લી ઊઠ્યો પાંત,
ભૂંપાંમાં પડી ભ્રાંત, જમણ અભડાવ્યું જોગડા !

હે જોગડા ભાઈ, તને સમાજ નીચી જાત કહે. જમણમાં તારે તો હમેશાં સહુથી છેલ્લે બેસવાનો વારો આવે, પરંતુ આ જુદ્ધરૂપી જમણમાં તું તો પહેલી જ પંગતમાં બેસી ગયો. સહુથી પહેલવહેલો ત્રાટકીને મર્યો. તેં તો બીજા ભૂપતિઓનું ભોજન અભડાવી માર્યું, એટલે કે તેઓની કીર્તિને ઝાંખી પાડી.

આગળ કટક એારતો, કોલું આગ કરે,
એભલ કાંઉ ઓરે, (હવે) જાંગી ભાગ્યો જોગડા !

હે એભલ વાળા દરબાર, તારા સૈન્યરૂપી ચિચોડામાં તું અત્યાર સુધી તો શત્રુઓરૂપી શેરડીના સાંઠાને ઓરતો હતો, પણ હવે તું શી રીતે એ ચિચોડામાં શેરડી ઓરીશ ? કેમ કે એ ચીંચોડાની જાંઘરૂપી જે જોગડો, તે તો ભાંગી ગયેલ છે. ચિચોડો ફરશે જ શી રીતે ?

શંકરને જડિયું નહિ, માથુ ખળાં માંય,
તલ તલ અપસર તાય, જે જધ માચ્યે જોગડા!

શંકરની ઘણીય ઇચ્છા હતી કે તારા જેવા વીરનું માથું લઈ પોતાની રૂંઢમાળામાં પરોવી લેવું. પણ એને એ માથું યુદ્ધક્ષેત્રમાં હાથમાં જ ન આવ્યું, કેમ કે એને વરવા તો એટલી બધી અપ્સરાઓ ઊતરી હતી કે એ બિચારીઓને એના શરીરનો તલ તલ જેટલો ટુકડો વહેંચી લેવો પડ્યો.

મુંધા માલ મળ્યે, સુંધા સાટવીએ નહિ,
ખૂંદ્યાં કોણ ખમે, જાત વન્યાના જોગડા !

હે ભાઈ જોગડા, ડાહ્યા હોઈએ તો તો જ્યાં સુધી મોંઘી ચીજ આપણાથી લઈ શકાય ત્યાં સુધી સોંઘી ન લઈએ, કારણ કે જાતવંત વસ્તુ હોય તે જ આપણો ભાર ખમી જાણે. તકલાદી હોય તે આપણી ભીંસ કેવી રીતે સહી શકે ? એવી જ રીતે, તારે ને મારે થયું. મારો સગો ભાઈ ભલે સોંઘો એટલે સુલભ હતો પણ ખાનદાન નહોતો, તેથી મારો ભાર ન વેંઢારી શક્યો. અને તું પરનાતીલેા હતો – વણકર હતો, છતાંય જાતવંત હોવાથી તેં મને બરાબર કટોકટીને ટાણે ઉગારી.

આયરાણીએ એના વીરને સંભારી સંભારી આંખોનાં આંસુ અને હૈયાના મરશિયા ઠાલવ્યે જ રાખ્યા. એની આંખોના પોપચા ફૂલી ગયાં. એનું જગત ઉજ્જડ થઈ ગયું.

-ઝવેરચંદ મેઘાણી

ચિત્રાંકન:શ્રી પ્રતાપસિંહ જાડેજા.

(એક વધુ વાત: ગુજરાત સાહિત્ય અકાદમીના "વર્લ્ડ બુક ડે" નિમિત્તે યોજયેલા કાર્યક્રમમાં પોતાની સ્પીચમાં જોરાવરસિંહ જાદવે પોતાનું પ્રિય પુસ્તક "સૌરાષ્ટ્રની રસધાર" ગણાવ્યું . ત્યારે ૩૫ મીનીટની એમની સ્પીચમાં એમને ઓછો સમય રહેતા એમણે રસધારની માત્ર એક વાર્તાનો ખુબ ભાવવાહી અને ખુબ ઝીણવટથી વાત કરેલી એ વાર્તા એટલે આ "ભાઈ" વાર્તા.)

(આઝાદીના વીસ વર્ષ પહેલા લખાયેલી આ વાર્તામાં ત્યારે વાપયેલા અમુક જ્ઞાતીસુચક શબ્દો હવે ગેરબંધારણીય હોવાથી અહી ઉલ્લેખ કરેલો નથી.)

સૌજન્ય : Kitaab kehti hai

(દેવેન્દ્ર કુમારની વોલ પરથી)

#દયા

Gujarati Blog by Prem_222 : 111538694

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now