Prem_222:

#ભાઈ

#જોગડો_વણકર

#ઝવેરચંદ_મેઘાણી

Part_02

બીજે દિવસે છોકરો હાથમાં એકલી રાશ ઉલાળતો ઉલાળતો ઘેર આવ્યો. સાંભળીને પૂછ્યું : “બેટા ! ગાડું-બળદ ક્યાં ?”

“કુઈને દીધાં.”

"કાં ?"

“બાપા, તમે એના ભાઈ થઈને એને કાપડું દીધું અને હું ફુઈને ફુઈયારું ન આપી આવું ?”

મા બોલી : “રંગ છે, બેટા ! હવે ભગતનો દીકરો સાચો !”

***********
જે ભુજાએ જોગડે દાન દીધાં, તે જ ભુજામાં એક વાર એણે તલવારને રમાડી. તે દિવસ મિતિયાળામાં એભલ વાળાની ગાદી હતી. દુશ્મનોની ફોજે એક દિવસ મિતિયાળું ઘેર્યું અને જોગડો રણ ખેલવા ચડ્યો. મરવાની

આગલી રાતે એની બાયડીએ કેવા કાલાવાલા કર્યા !

સારસ સાજી રાત, વલખે વલખે વાલમ જ્યું,
રહોને આજુ રાત, (અમારી) જોડ વછોડો મા, જોગડા !

જોગડા, તું સારસી (ચક્રવાકી) પંખિણી જેમ આખી રાત પોતાના નરને નદીને સામે કાંઠે સાદ કરતી કરતી ઝૂરી ઝૂરીને રાત કાઢે, તેમ મારી ગતિ કાં કરો ? આજની રાત તો રહો ! આપણી જોડી કાં તોડો ?

પણ જોગડાને તો સહુની મોખરે મરવું હતું – એ કેમ રોકાય ? ધીંગાણું કરીને સહુથી પહેલું એણે પોતાનું લોહી પોતાની જનમભોમને ઝાંપે છાંટ્યું.

ખાંભામાં જોગડાની જીભની કીધેલી આયર બહેન ખોરડાના કરા ઉપર નિસરણી માંડીને ગાર કરતી હતી. ત્યાં કોઈએ ખબર આપ્યા : “તારો ધરમનો માનેલો વીર જોગડો ધીંગાણામાં કામ આવ્યો.”

સાંભળીને બાઈ એ નિસરણીની ટોચથી પોતાના શરીરને ઘા કર્યો, ધબ દેતી નીચે પડી; માથું ઢાંકીને મરશિયા માંડ્યા. માનવીની ને પશુની છાતી ભેદાય તેવા મરશિયા એના મીઠા ગળામાંથી ગળી ગળીને નીકળવા લાગ્યા :

વણકર અને વણાર, નાતે પણ નેડો નહિ,
(પણ)ગણને રોઉં ગજમાર, તારી જાત ન પૂછું જોગડા !

ભાઈ જોગડા, તું લૂગડાં વણવાનું કામ કરનારો વણકર હતો અને હું તો વણાર શાખની આયરાણી છું, નાતજાતના હિસાબે તો આપણી વચ્ચે કાંઈયે સંબંધ નથી, હું તારી જાતને કેમ જોઉં ? હે હાથીઓના હણનારા જોદ્ધા ! હું તો તારી ખાનદાનીને રડું છું,

આયરાણી ગાતી ગાતી રાતે પાણીએ રોવા લાગી. એના વિલાપના સૂર સાંભળી સાંભળીને માણસો ખાતાં ખાતાં બેઠાં થઈ ગયાં; જોગડો બધાયને પોતાના ભાઈ જેવો લાગ્યો. આયરાણીએ જોગડાના ધીંગાણાની કલ્પના કરી.

રાંપીનો રાખણહાર, કલબાં લે વેત્રણ કિયા,
વીજળી તણો વિચાર, તેં કિ જાણ્યો જોગડા !

હે વીરા જોગડા, તું તો રાંપી લઈને મરેલા ઢોરનાં ચામડાં ચીરવામાં કુશળ કહેવાય. એને બદલે તેં તલવાર લઈને શત્રુઓને ચીરી નાખ્યા. તને તલવાર વાપરવાની યુક્તિ આપોઆપ ક્યાંથી સૂઝી ગઈ ?


-ઝવેરચંદ મેઘાણી

સૌજન્ય : Kitaab kehti hai

#દયા

Gujarati Blog by Prem_222 : 111538690

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now