વિદેશમાં ભણતા સંતાનો
કેટકેટલું miss કરે છે !
ઘેરથી ભાખરી આવે એને
ખાતાં પહેલાં kiss કરે છે.

માના હાથની સોડમ,
માની હાજરીમાં તો ના વરતાઇ
આજ હવે લાગે કે જાણે
ભાખરી સાથે એય વણાઇ

સાચવી રાખેલા રેપર પર
પપ્પાના અક્ષર ઉકલે છે
ગલીને નાકે કુરિયર કરતા
ભાઇની યાદે મોં મલકે છે

બેનીએ બે ભાખરી વચ્ચે
ગોળની કાંકરી પણ મુકી છે
આમ જૂવો તો વાત છે લાંબી
કહી દીધી કેવી ટૂંકી છે !

કુરિયરમાં આ ભાખરી સાથે
આખું ઘર આવ્યું સંગાથે
એવું લાગતું હળવે હળવે
હાથ ફેરવે કોઇ માથે

જેણે કદીના ચિંતા કીધી
પહેરવા રહેવા કે ખાવાની
ભર્યાભાદર્યા ઘરમાં કાયમ
ભર્યા ભાણે લિજ્જત જમવાની

આજ હવે એ કામથી આવી
જાતે રસોઇ કરતાં શીખે
કદીક કાચી રહે ખીચડી
કદીક એ વળી તળિયે ચોંટે

શાકદાળ ને ભાતનો સંગમ
પેપરડીશમાં જઇ રચાતો
Pita breadના સથવારે એ
Cocke ની સાથે જાય ખવાતો

કદીક Pitza Pasta Burger
Tacobell માં સ્વાદ શોધતા
મેથિયા કેરો મસાલો નાખી
સ્વાદને એ ઘર જેવો કરતા

જેણે કદી ન દરવાજાને
તાળું મારી Lock કર્યા’તા
પોતાની મરજી મસ્તીથી મનફાવે
એ એમ ફર્યા’તા

આજ હવે ચાવી લઇ જાતે
દરવાજાને ખોલતા પોતે
કદીક જેને ઉંબર ઊભી
મમ્મી આતુર આંખે ગોતે

Room partner સાથે એ અહીં
સઘળાં કામો Share કરે છે
Space વ્હેંચતા શીખે છે એ
Privacy ની પણ Care કરે છે.

કપડાં જાતે Laundry કરવા
ને પાછા સંકેલવા જાતે
ઘેર તો ઇસ્ત્રી ટાઇટ થઇ જે
ફરવા જાતા’તા હરખાતે

રુમાલ મોજાં મળે નહીં જો
અહીંઆ કોના પર અકળાવું ?
આંખને ખૂણે રોકી રાખ્યાં
આંસુ કરતાં આવું આવું

વતનમાં મરજીથી ઉઠવાનું
મનગમતું હો એ કરવાનું
અહીંઆ આવી ટેવ પડી
ઘડિયાળ તણે કાંટે જીવવાનું.

ઘેર તો પ્રેમથી મમ્મી ઉઠાડે
પપ્પા આવી યાદ કરાવે
અહીં તો બસ Alarm ઉઠાડે
સમયનો મહિમા સમય બતાડે

કદીક મનમાં ઉદાસી જાગે
ઘરનાંને મન મળવા માંગે
Facetime માં સહુને જોઇ
સઘળું છોડી મળવા ભાગે

સંતાન તણા ચ્હેરાને જોઇ
પપ્પા આઘા સરકી જાતા
પણ મમ્મી મન મક્કમ રાખી
કહે શબ્દ હેતે છલકાતા

“ ઘર જેવું ત્યાં નથી મળવાનું ,
નક્કી છે તો પણ રહેવાનું .
કાલે સપના સાચા પડશે
ત્યાં સુધીનું છે સહેવાનું “

Facetime માં poor connection
કેરું બ્હાનું હાથવગું છે
બંને પક્ષે જાણ છે એની
આંખો સઘળી રડું રડું છે

અંતર ઓગળે જલદી જલદી
અંતરથી સહુ wish કરે છે
પરદેશે વસતાં સંતાનો
કેટકેટલું miss કરે છે!

Gujarati Quotes by પ્રવિણસિંહ ઝાલા : 111537482

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now