પેટનો ખાડો
બહુ ઊંડો છે દીકરા મારા
આખું જીવતર ભર ભર કર્યો
તો ય પુરાણો નથી.
તારા બાપના ને મારા
પરસેવાને
ખેતરની માટીમાં
સીંચ્યા છે ત્યારે
રાજના કોઠારમાં
અનાજના ડુંગર ખડકાણા છે
પણ એમાં
મુઠ્ઠી ધાન આપણું નથી
આ ઊંચા ઝાડ
આપણે વાવ્યા'તા
પણ એનો છાંયો
આપણો નથી
આપણાં પંડને પીલીને
એમણે તિજોરીઓ છલકાવી છે
એમાંથી દોકડોય નહીં મળે તને ને મને
ટાઢોડામાં બેહીને એમના કુતરાય
ખાશે મનભાવતું પેટ ભરીને
આપણને તો
હૈડ હૈડ જ મળશે
એમના તો સરોવર ભર્યા ભર્યા
આપણાં તો વિરાડાય સૂકાણા
હવે તરહ લાગે તો
આપણાં જ આંસુ પીવાના
હાલ્ય મારા વાલા હાલ્ય
આપણી તો આ ધગધગતી સડક
ને માથે ધોમ ધખતો તાપ
જીવશું તો ભાળશું
આપણું ખેતર ને ખોરડું
ને ત્યારે ઠરશે સંતાપ...
હાલ્ય મારા દીકરા હાલ્ય

Gujarati Poem by Dipak Raval : 111440528

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now