કોરોના લોકડાઉન પિરીયડના શરુઆતના સમયમાં ઘરમાં મેં બહુ જોશ દેખાડ્યો ફટાફટ સાફસફાઈ કરી. પત્ની પ્રસન્ન.‌
અઠવાડિયા પછી જોશ ઠંડો પડવા લાગ્યો મારા તરફથી બોલાતા વાક્યો " લાવ દાળ વઘારી દઉં, લાવ કચરા પોતું કરી દઉં" ઓછા થઈ ગયાં. એક દિવસ કુકર સીટી વગાડે તેમ પત્નીએ પોતાના ક્રોધને વાચા આપી અને હું મારા સાફસફાઈના અભિયાનમાં ફરી વ્યસ્ત થઈ ગયો. એકવાર કુકરની વરાળની ઝાળ સહન થાય પણ......
મારા પુસ્તકોના કબાટની સાફસફાઈ કરતાં પુસ્તકોની વચ્ચે મુકેલો એક રુમાલ મળી ગયો, જેણે સમયના પ્રવાહમાં બાકોરું કરીને ભૂતકાળમાં ફેંકી દીધો.
એ સાયકલ દોરીને પોતાની સખીઓ સાથે જઈ રહી હતી અને અમે બે મિત્રો તેની પાછળ. પાછલા છ મહિનાથી આ અમારો નિત્યક્રમ હતો. અચાનક તેની સ્કુલબેગમાંથી કંઈક પડ્યું જેના વિશે તેને ખબર ન પડી. નજીક જઈને મેં ઉપાડ્યો, તેનો રુમાલ, રુમાલના કોર્નર પર તેના નામનો પ્રથમાક્ષર. મિત્રે તરત કહ્યું,"ભાભીનો રુમાલ!" હું શરમાયો. ઈચ્છા થઈ કે દોડીને જાઉં અને પાછો આપી દઉં, પણ અજ્ઞાત કારણસર મારા ગળામાંથી અવાજ ન નીકળ્યો.
કાશ ! મેં તેને પાછા આપ્યો હોત અને તેની સાથે એકવાર વાત કરી હોત.‌ અઠવાડિયા પછી તે કાયમ માટે શહેર છોડીને જતી‌ રહી. પછીથી સમાચાર મળ્યા કે તેના પપ્પાની બદલી બીજા શહેરમાં થઈ ગઈ હતી. આ રીતે શરુ ન થયેલી મારી પ્રથમ પ્રેમકહાનીનો અંત આવ્યો.
તેના નામના પ્રથમાક્ષર પર આંગળી ફેરવી અને હું રોમાંચિત થઈ ગયો જાણે તે મારી સામે આવી ગઈ હોય.
#વિનોદી

Gujarati Funny by Jyotindra Mehta : 111412092

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now