લોક ચ્હેરાઓ પોતાના ફિક્કા લઈને ફરે છે,
એટલે હાથમાં પાન-બીડાં લઈને ફરે છે?

જાય જ્યાં, ત્યાં બધાને ઉઝરડા જ કરતો રહે છે,
એક માણસ અણીદાર ઇચ્છા લઈને ફરે છે.

જેને તલવાર વિના કશું ખપતું નો’તું કદી પણ,
એ હવે હાથમાં રોજ પીંછા લઈને ફરે છે.

જિંદગીમાં ભણ્યો ખૂબ, પણ જિંદગીને ભણ્યો નહિ,
એ હજી રોજ પાટીમાં લીટા લઈને ફરે છે.

અન્યને ભીંત જેવા જ સમજે છે એ વ્યક્તિ, અર્થાત્;
મનની અંદર હથોડી ને ખીલા લઈને ફરે છે.

સાવ અંગત સ્વજનને ય હણવામાં ખોટું નથી કંઈ
એમ પુરવાર કરવા એ ગીતા લઈને ફરે છે

- અનિલ ચાવડા

Gujarati Poem by Anil Chavda : 111393279

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now