સ્ત્રીત્વથી જ અસ્તિત્વ

હવે જો સ્ત્રીઓને મહાન બતાવવાનું પ્રદર્શન પત્યું હોય તો હું કંઈ કહું??? એક સ્ત્રી તરીકે મારા મનની વાત કરું??? પૂછી ને કરું તો સારું ને! નહીં તો આ પુરુષ પ્રધાન દેશ સ્ત્રીઓને મહાન બનાવવા અને બતાવવા જઈ રહયો છે ત્યારે સ્ત્રી બોલી શકે કે નહીં, એ મને ખબર નથી. કારણ તમને એવું લાગે છે કે એક પુરુષ સ્ત્રીના વખાણ કરે અથવા મહાન બનાવે તો જ એનું મૂલ્ય, નહીં તો ધૂળ ધાણી..!? અમારું વ્યક્તિ કે અસ્તિત્વ તમારાથી જ છે એવો તમને કેમ ભ્રમ છે?
સ્ત્રી પોતે જ જાણે છે કે એ સુંદર જ છે. એને રંગ સાથે કોઈ જ નિસ્બત નથી, કારણ હ્દયથી જ કોમળ છે. એને એના એક એક અંગની નાજુકાઈ ની ખબર જ છે. એમાં તમારે કહેવાની જરુર જ નથી. એના અંગ વિશે ચર્ચા કરવાની કોઈ જરૂર જ નથી.
લેડીઝ ફસ્ટ અને તમે લાસ્ટ એવું કહેવાની કશી જરુર જ નથી. તમારી સાથે રાખવાની જરુર છે. અમારે તમારી પાછળ પણ નથી રહેવું એમ જ તમારી આગળ પણ નથી જવું. અને તમે કહેશો તો જ ફસ્ટ જશું એવું કોણે કીધું?
બસમાં કે ટ્રેનમાં અમારી રીઝર્વ સીટ ન રાખો. તમારી બાજુમાં, ગરદીમાં પણ નિર્ભયા બની ને ઉભી રહી શકું એની ખાતરી આપો.
મહિલા દિવસે બધી સ્ત્રીઓને દેવી તરીકે પૂજતા હોય એવું લાગે છે. આખા સોશિયલ મીડિયામાં પુરુષોની વોલ ઉપર સ્ત્રીને મહાદેવી બતાવી છે. એના માટે અંતરથી આભાર માનું છું પરંતુ ધૂતારાઓને ફિટકાર દઉં છું. ફોટા નીચે એમની જ મહાનતાની ચર્ચા. કે એઓ સ્ત્રીને ખૂબ માન આપે છે, વગેરે વગેરે..અને જે પુરુષે પોતાના સોશિયલ મીડિયા અકાઉન્ટમા દેવી નો ફોટો મૂક્યો હોય એ જ ધૂળેટીના દિવસે ગલીમાંથી પસાર થતી છોકરી ને જોઈ સીટી મારે છે. તો રહેવા દો ને સાહેબ, એક દિવસીય માન આપવાનું. સ્ત્રી જાણે જ છે કે એ પોતે દૈવી સ્વરુપ જ છે એટલે જ તો, એ એક સાથે ઘણા કામો કરી શકે છે. એક છોકરી નાની હોય છે ને, ત્યાર થી જ બાળ ઉછેર કરતાં આવડે છે. એની ઢીંગલીને સરસ તૈયાર કરીને,એને પોતાના બાળકની જેમ સાંચવીને. એક દિવસે નહીં પરંતુ સ્ત્રીને દરરોજ સાથ આપી જુઓ. કોઈ દિવસ પોતાની માતાના પગ દબાવી ને તો ,કોઈ દિવસ પત્નીનું માથું દબાવીને. દિકરી ને લાડ કરીને, એમાં જ જીવનનો સાચો આનંદ છે.
એથી જ તો કહું છું સ્ત્રીના સ્ત્રીત્વને માન આપવાની જરુર છે અને શરુઆત તમારા ઘરથી જ. કારણ સ્ત્રીત્વ થી જ અસ્તિત્વ છે.
અમે તો તમારી સામે અડગ થઈને જીવી લઈશું પણ તમારા પૌરુષત્વ નું શું?
"મજબૂર નથી, મજબૂત છું. તને ક્યાં ખબર હું કોણ છું?
હું મારું પોતાનું અસ્તિત્વ ધરાવું છું. મને નામ કે ઓળખની જરૂર નથી,કારણ,હું જ મને ઓળખું છું. હા,મને ખબર છે કે,
"હું સ્ત્રી છું." (કુંજદીપ)

Gujarati Thought by Kinjal Dipesh Pandya : 111361217
પ્રભુ 4 years ago

વાહ મસ્ત 👏✍️✍️

Shefali 4 years ago

મજબૂર નથી, મજબૂત chu..👌🏼👌🏼👌🏼

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now