ગઝલ- નથી કરવી..!

હવે આ પ્રેમના સોદામાં સહિયારી નથી કરવી,
અમૂલી રાતને વ્હેંચીને નાદારી નથી કરવી.

નહીં ફાવે અમોને તો નફા નુકશાન ધંધામાં,
માટે દિલનાં બજારે કોઇ વ્યાપારી નથી કરવી.

મેં જોયા છે ઘણા મજનું અને રાંઝા ને ખોવાતાં,
અમારે પણ આ રાહો એમ અંધારી નથી કરવી.

ઉપજશે પણ નહીં મારું અમસ્તું બોલવાથી તો,
વજન હો તો જ કરશું,વાત નોંધારી નથી કરવી.

બકે મન તો ભલે બકતું રહે એ કાયમી અમથું,
બધી વાતે કહી ને "હા!" સમજદારી નથી કરવી.

ભલે પટકાઇ પડતો આસમાનેથી ધરા માથે,
કલંકિત પાત્ર ને કરતી કલાકારી નથી કરવી.

ઘટે છે કંઇક તો અજવાળવા તારાં ઘરે "આર્યમ્"
છતાં પણ જાતને બાળીને અગિયારી નથી કરવી.

ભાવેશ પરમાર "આર્યમ્"
તરહી - 16/02/2020

Gujarati Poem by Parmar Bhavesh : 111342826

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now