દૂર જવાની ઇચ્છા નહોતી, પાસે રહેવા કારણ નહોતું
આ વધતા ઘટતા અંતરનું કોઈ અકસીર મારણ નહોતું.

તું કહેતી કે, 'ઉભા રહો ને!' હું કહેતો કે, 'ચાલને સાથે!'
ચર્ચા એવી છેડી 'તી કે જેનું કંઇ પણ તારણ નહોતું.

શોધું તો શોધું હું ક્યાંથી? ક્ષણ વિતી ગઇ, જગ્યા રહી ગઇ
વફાદાર એ સ્થિર જગ્યાને ક્ષણનું કંઇ સંભારણ નહોતું.

અમુક હતી જે જવાબદારી જકડી શકતી મૂળથી મુજને,
તારા હળવા સંવેદનનું એવું મોટું ભારણ નહોતું.

મટી ગયું જે બહુ દુખ્યું 'તું, કાળે રુઝ આવી ગઇ ઘા પર
ડાઘ રહ્યાં જે વાગેલાનાં એનું કંઇ નિવારણ નહોતું.

ચહેરા પર સ્મિત ધરી શક્યો હું, ક્ષમા ધરી 'તી મનમાં તો પણ...
ભૂલીને આગળ વધવા ઝંખનનું દિલમાં ધારણ નહોતું.

- પ્રજ્ઞેશ નાથાવત 'પગુ'

Gujarati Shayri by Pragnesh Nathavat : 111333298

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now