#નિઃસહાય_રૂદન

શું લખું શબ્દો નથી, આમ તો આપણા દેશમાં બળાત્કાર થયા જ રાખે છે. પણ અમુક સમયે દેશવાસીઓ જાગે છે અને પાછા સૂઈ પણ જાય છે. કાયદો કડક કરવાથી આ પરિસ્થતિ ઓછી થઈ શકશે સમજી શકાય પણ જડમૂળથી ફેરફાર કરવો પડશે. બળાત્કારનો ભોગ બનનાર કેવી યાતનામાં હશે તે એક સ્ત્રી તરીકે હું સમજી શકું છું. અત્યારે મારી અંદર એવો જુવાળ છે કે કદાચ એક બળાત્કારી પણ સામે આવે તો એનું ખૂન કરતાં મારા હાથ જરાય ધ્રૂજે નહીં.

આપણા ન્યાયતંત્રમાં જોગવાઈ કરો કે બળાત્કાર જેવા ગુનામાં રાતો રાત નિર્ણય લાવવો જોઈએ અને તેની સજાનું લાઈવ ટેલિકાસ્ટ થવું જોઈએ. તેને માત્ર ફાંસી આપીને નહીં તેને રિબાઈ રિબાઈને મારવા જોઈએ. ક્યાં સુધી સહિષ્ણુતાના લેબલ નીચે આપણી બહેન દીકરી સાથે અન્યાય થતો જોઈશું. તાત્કાલિક તો કડક કાયદા સાથે કડક અમલવારી પણ જરૂરી જ છે. કાયદા તો બને છે પણ સાથે જે છટકબારી હોય છે તે પણ તરત અમલમાં આવે છે.

પહેલાં જે જડમુળની વાત કરી તો શા માટે બળાત્કાર થાય છે એ જાણવું જરૂરી છે , હજી આપણા સમાજમાં સ્ત્રીને જે દ્રષ્ટિથી જોવામાં આવે છે હજી જે પિતૃસત્તાક સમાજની અસર છે તે દૂર કરવી પડશે. તમારા ઘરમાં જન્મેલ પુરુષને સ્ત્રીનું સન્માન કરતા શીખવાડવું પડશે. સ્ત્રી એ ઉપભોગનું સાધન નથી તે ખાસ એમને શીખવાડવું પડશે. સ્ત્રીઓને કઠોર અને પુરુષોને લાગણીશીલ કરવા પડશે.
કોઈ સ્ત્રીની મરજી વિરુદ્ધ (પછી એ પત્નિ જ કેમ ન હોય) તમે એનાં શરીરને અડી શકો નહીં તે શીખવાડવું પડશે. સ્ત્રી એ જાગીર નથી એ સમજાવવું પડશે. સામે દરેક સ્ત્રીને એટલી સશકત કરવી પડશે કે કોઈ પણ વ્યક્તિ તેની મરજી વિરુદ્ધ નજર પણ ન નાખી શકે અડવાની વાત તો દૂર રહી. બહુ લાંબા ગાળાની પ્રોસેસ છે પણ કરવી જ પડશે.

બીજું સેક્સ ને સુગ નહીં જીવનનો ભાગ ગણવો પડશે. સેક્સ એજ્યુકેશનને સહજતાથી માત્ર શાળા પૂરતું નહીં સમાજમાં પણ સ્વીકાર્ય કરવું પડશે. તમારા જુવાન થઈ રહેલ દીકરા કે દીકરીને સેક્સ વિશેની સમજ આપવી પડશે. એ કોઈ છુપાવવાની વસ્તુ નથી એ કોઈ શરમની વસ્તુ નથી તે શીખવાડવું પડશે. તેને સામાન્ય બનાવવું પડશે.(#MMO )

હવે મને મારા દેશની આ દશાની ન તો દયા આવે છે ન તો ગુસ્સો આવે છે કારણ હવે આવી ઘટના સામાન્ય બનતી જાય છે. હું નિઃસહાય ફીલ કરું છું મારી જેમ જ આજની દરેક નારી શક્તિ નહીં નબળી બની રહી છે આવું સાંભળીને કંઇક તો એવો રસ્તો કરો કે જ્યાં અમને કાંટા નહીં પુષ્પો મળે અને અમારે એમ ન કહેવું પડે કે "અગલે જનમ મોહે બિટિયા ન કીજો" {#માતંગી }

ઓમ શાંતિ...

Gujarati Blog by Matangi Mankad Oza : 111297819

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now