ફાટક

ઘડિયાળનો કાંટો ચાર પર પહોંચતાની સાથે જ મગનલાલ ઊઠ્યા. રાત્રે જ તૈયાર કરી રાખેલ ફાનસ હાથમાં લીધું ને નીકળી પડ્યા.

વર્ષોથી પોતાના હાથે જ ખોલ-બંધ કરેલ ફાટક જે હવે ઓટોમેટિક થયેલ હતું તેના પર હાથ મૂક્યો. ટ્રેન આવી પહોંચી. ટ્રેનનો લય-તાલ, ગંધ-સુગંધ, ભીડ-ખાલીપો કંઈ કેટલુંય શ્વાસમાં ભરી લીધું. ટ્રેન પસાર થઈ ગઈ. ને તે એકલા ઘડીક ઊભા રહ્યા. કોઈ ચહલપહલ ન જણાતા ચાલતા થયા.

ઘરમાં વાતચીત થઈ રહી હતી. વરસાદના દિવસો આવી રહ્યા છે. બાપુજી રોજ આમ કહ્યા વગર નીકળી જશે તો ?

બસ - પછી તો એક મજબૂત દરવાજો મૂકાઈ ગયો ને રાત્રે તેને તાળું. એક દિવસ, બીજો દિવસ ને ત્રીજો દિવસ. મગનલાલ ઊઠે... હાથમાં ફાનસ લે ને દરવાજા સુધી જાય. નિરાશ થઈ પાછા સૂઈ જાય. બંધ દરવાજો ને બંધ ફાટક તેમને માટે આકરા બંધન સમાન !

ચોથે દિવસે એ બધાં બંધન તોડી લાંબી સફરે નીકળી જ ગયા.

પરિવારજનોને ખિસ્સામાંથી એક ફોટો ને દીકરાને સંબોધીને લખેલી ચિઠ્ઠી મળ્યા.

'બેટા ! વીસ વરસ પહેલા આવેલી ટ્રેનમાંથી તું એકલો ઊતરી ગયેલો. મને થાય કે કદાચ તને કોઈ શોધતું આવે એ ફાટકે. એટલે...'

હજી પેલું ફાનસ રોજ ફાટકે જાય છે... પણ ઉપાડનારા હાથ મગનલાલના નથી !

Gujarati Story by Dimpal Kapadiya : 111285761
Umakant 4 years ago

સુંદર શૈલી, ધુમકેતુની યાદ આવી ગઇઅભિનત્રદન ?

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now