વિદ્યાર્થી ભવન - 1938 થી ચાલતું નાસ્તાઘર
બેંગલોર ને 2019 પૂરતું બાય કહેતા પહેલાં બસવનગુડ્ડી ,મુખ્ય બજાર વિસ્તાર નજીક આવેલા નાસ્તાઘર વિદ્યાર્થીભવન ની મુલાકાત લીધી.
એ છેક 1938 થી ચાલે છે. ટ્રેડિશનલ કન્નડ કે દક્ષિણી નાસ્તા માટે એટલું તો પ્રખ્યાત છે કે કોઈ પણ દિવસે, કોઈ પણ સમયે એક થી દોઢ કલાક તો નામ લખાવી બહાર ઉભવું પડે. માત્ર ઢોસા, ઈડલી,ખારો ભાટ (ઉપમા), કેસરી ભાત ( રવાનો શીરો) જેવી વસ્તુઓ માટે!
અનેકેમ ન હોય? દાઢે વળગે, આંગળા ચાટતા રહીએ. સાવ અલગ જ સ્વાદ. ત્યાંની પીળા રંગની મીઠા લીમડા ના વઘાર વાળી કોપરા વ. ની ચટણી જ બેજોડ છે.
ઉપરાંત અંદર હજુ એ જ જૂની સ્ટાઈલનાં ટેબલ ખુરશીઓ છે. દીવાલ ઉપર પેન્સિલ સ્કેચ થી દોરેલા આ રાજ્ય અને શહેરના અલગ અલગ પહેરવેશ વાળા લોકોના ફોટા. પહેલાં તો મને થયું કે 1938 થી આજ સુધી આટલા બધા માલિક બદલાયા? પછી થયું લોકલ મહાનુભાવો હશે. પછી જોયું કે દરેક સ્ટાઇલ, ટોપી, સર્વપલ્લી રાધાકૃષ્ણ પહેરતા તેવી પાઘડી, ખેસ, ત્રિપુંડ, અને વિવિધ પહેરવેશવાળા પુરુષો અને થોડી સ્ત્રીઓ ના સ્કેચ મઢાવીને રાખેલા છે.
વેઇટરો બ્લુ શર્ટ અને ગોઠણ સુધીની, કછોટો વાળેલી સફેદ લૂંગીમાં. ધડાધડ ઓર્ડર લેવાતા જાય, એક સાથે દસ બાર પ્લેટ હાથમાં લઇ કોઈ સર્વ કરતો જાય . સાથે લારીમાં પણ સર્વિંગ ચાલતું હોય.
રવા વડા, ક્રિસ્પ મસાલા ડોસા, સાદા ડોસ્સા, કિસમિસ, કાજુ, એલચી અને કેસરની છાંટ વાળો કેસરી ભાત (રવાનો શીરો જ પણ સત્યનારાયણ ની.કથામાં ખાઈએ એથી સાવ અલગ), મીઠા લીમડાની ખૂબ સોડમ વાળો ખારો ભાત એટલે કે ઉપમા અને સ્ટીલના વાટકી ગ્લાસ સાથે વાટકીમાંથી ગ્લાસમાં અને બેક ઉથલાવી પીવાની સુગંધી, બીટર ટેસ્ટ વાળી કોફી.
બહુ મર્યાદિત આઇટેમ્સ. મેંનું જેવું કાંઈ નહીં. ભીંત ઉપર જ પ્રાઇસ લખેલું બોર્ડ. ઢોસા ના 30 રૂ., ઉપમા, કેસરી ભાત ના 35 અને કોફી ના 16રૂ.
રેસ્ટોરાં સવારે 6.30 થી 12 અને સાંજે 4 થી 8 ખુલ્લું રહે છે.
બહાર ધિકતી બજાર. સામે જ ફૂલની દુકાનમાં લીલાં, ભૂરા ,જાંબલી ગુલાબ જોયાં. રિયલ! થાઈલેન્ડ માં જોયેલાં. બાયો ટેક ની કમાલ હોઈ શકે.
નજીકમાં જ ટિપિકલ ડાર્ક, બે ત્રણ રંગની દક્ષિણી સિલ્ક સાડીઓ, સ્ટોન બુટ્ટીઓ, સસ્તાં રમકડાં, લાલ મૂળા, લીલા મરી ને એવી ચીજો વેંચતા ફેરિયા.
સાચું બેંગલોર આઇટી વિસ્તારોમાં નથી, અહીં જ છે.
સમય હોય તો જરૂર મુલાકાત લેવી.
-સુનીલ અંજારીયા

Gujarati Blog by SUNIL ANJARIA : 111253555

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now