"My dear American brothers and sisters...

અને તાળીઓનાં સતત ગડગડાટથી આખો સભાખંડ ગૂંજી ઉઠ્યો. 'Ladies and gentlemen' જેવા ઔપચારિક સંબોધનથી ટેવાયેલી અને ઔપચારિક ભાષણો સાંભળી રહેલી અમેરિકન પ્રજાને પ્રથમ વાર સંબોધનમાં આત્મીયતા દેખાઈ. હજારોની મેદની વચ્ચે સામે સ્ટેજ પર એક ભગવાધારી યુવાન વયનાં સાધુ સંબોધન કરી રહ્યા છે. જેને પશ્ચિમની પ્રજા ગુલામ દેશની પ્રજા સમજતી, જે ગુલામ દેશની કોઈ સંસ્કૃતિ નથી તેવું માનતી, એ દેશનાં એક સાધુ પોતાની સામે પોતાનાં દેશની મૂળ આધ્યાત્મિક ઓળખનાં દર્શન કરાવી રહ્યા હતા. ધર્મનાં નામે જ્યાં નર્યા પાખંડો થકી ધર્મને ચોક્કસ દાયરામાં કેદ કરેલ તે હિંદુ ધર્મનું વાસ્તવિક દર્શન કરાવી સનાતન જીવન વ્યવસ્થાનું મહત્ત્વ પશ્ચિમ જગત સામે રાખી દીધુ. 19 મી સદીનાં અંત ભાગમાં હિંદુ ધર્મને વૈશ્વિક કક્ષાએ પહોંચાડવાનું કામ જો કોઈએ કર્યું હોય તો એ હતા સ્વામી વિવેકાનંદ.

સ્વામી સચ્ચિદાનંદનાં પુસ્તકોમાં વાંચેલ એ મુજબ આપણે હંમેશા એક કૂવાનાં દેડકાની જેમ રહ્યા. આપણા ચોક્કસ વર્તુળમાં રહી ગયા. સમુદ્રગમન અને વિદેશગમનને પાપ માનવામાં આવ્યું. આવા કારણોસર હિન્દની મહાન સંસ્કૃતિનો પ્રસાર ના થઈ શક્યો. જો તમારી પાસે કોઈ સારી બાબત છે તો તેનો ભરપૂર પ્રચાર પ્રસાર કરો. દુનિયાનાં બીજા લોકો સૂધી ઉમદા વિચારોનો ફેલાવો કરો. વિવાદિત પોસ્ટ જેટલી ઝડપથી વાઈરલ થાય તે રીતે સારા અને ઉમદા વિચારો કોઈ પ્રસારિત કરતા નથી. ભારતવર્ષની ભવ્ય સંસ્કૃતિનાં દર્શન અમેરિકાને કરાવ્યા. હા, સ્વામીજી દ્રઢપણે માનતા કે ભારત દેશની ગરીબ પ્રજાને આધ્યાત્મિક સમૃદ્ધિ કરતા પ્રથમ ભૌતિક અને આર્થિક રીતે સમૃદ્ધ થવાની જરૂર છે.

ભારતીય સંસ્કૃતિમાં રિદ્ધિ સિદ્ધિના મહિમા ગવાયાં જરૂર છે પણ અર્થોપાર્જનની આવશ્યક પ્રવૃત્તિને ઘણા બાબા, સ્વામીઓએ અવગણી દીધી છે. પ્રજા બધુ ત્યાગ ત્યાગ કરીને બાબાઓનાં ચરણે આળોટવા લાગે એ જરૂરી નથી. અમેરિકન પ્રજા ભૌતિક સમૃદ્ધિમાં આળોટતી હતી પણ એ સમૃદ્ધિને હેન્ડલ કરવા યોગ્ય દિશા દર્શન ન હતું. શરાબ, માંસમાં લથપથ પ્રજાની વચ્ચે જઈ સ્વામીજીએ ભૌતિક સમૃદ્ધિ સાથે આધ્યાત્મિક ચેતનાની જરૂરિયાત સમજાવી. તત્કાલીન સમયમાં પ્રવર્તતી કુરૂઢિઓ અને જડતા સામે સ્વામીજી સામાન્ય પ્રજા માટે ઉપયોગી એવા ધર્મનાં સિદ્ધાંતો પર ભાર મૂક્યો. રાષ્ટ્રની આધારશિલામાં તેમનું યોગદાન મહત્ત્વનું રહ્યું છે. અમેરિકામાં આજે પણ એ જગ્યાએ Swami Vivekananda way અને તેની પૂર્ણ કદની પ્રતિમા આવેલી છે.

ભારત દેશને એવા બાવાઓની જરૂર નથી જે પ્રજાને ત્યાગ, મોહ, મોક્ષનાં ચક્કરમાં જ ફેરવ્યા કરે.

ભારત દેશને એવા બાવાઓની જરૂર નથી જે આશ્રમો બાંધી ભક્તો અને ચેલા ચેલકીઓ ભેગા કરી ધર્મને જ ધંધો બનાવી નાખે.

ભારત દેશને એવા બાવાઓની જરૂર નથી જે પ્રજાને ચમત્કાર બતાવી, ફોસલાવી, ધૂણવાનાં નાટક કરી કે સભા ભરી લાલ લીલી ચટણી ખાવાનાં લાભ ગેરલાભ બતાવ્યા કરે.

** ભારત દેશને જરૂર છે સમર્થ રામદાસની જે પોતાને ત્યાં સંન્યાસ લેવા આવેલા શિવાજીને સંન્યાસ આપવાની જગ્યાએ ધર્મ અને રાષ્ટ્રનું રક્ષણ કરવાનો બોધ આપે.

** ભારત દેશને જરૂર છે શ્રી કૃષ્ણની જે અર્જુનને રણભૂમિ છોડી મોક્ષ આપવાની સલાહ નથી આપતા પણ શસ્ત્ર ઉઠાવવાની સલાહ આપે છે.

** ભારત દેશને જરૂર છે સ્વામી વિવેકાનંદની જે ત્યાગ, મોહમાયા છોડવાની કે પલાયનવાદી વિચાર નથી અપાવતા પણ બેધડક કહે છે,
"ઊઠો, જાગો અને ધ્યેયપ્રાપ્તિ માટે મંડ્યા રહો."
**
11, સપ્ટેમ્બર, 1893
ધર્મપરિષદ, શિકાગો, યુ.એસ.
આ સ્થળ અને તારીખ છે જ્યાં ભારતની આધ્યાત્મિક સમૃદ્ધિનાં પશ્ચિમી જગતે સ્વામી વિવેકાનંદનાં માધ્યમથી દર્શન કર્યા. 126 વર્ષ પૂરાં થયા એ વિરલ ક્ષણને....

Gujarati Thought by Ravindra Sitapara : 111253116

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now