આઠમ એટલે કૃષ્ણનો જન્મ. વર્ષા નું જળ પી તૃપ્ત ધરતી જેમ લીલી છમમ દેખાય છે તેમ આનંદ અંતરમાં ઉતારી ભક્તિરસ ના અંકુર ફૂટવાનો અવસર.
કૃષ્ણના દરેક કાર્યોમાં આનંદ માણવાનો સંદેશ પળેપળ દેખાય છે. એમના પીતાંબર,મીરપીંછ ધારી મુકુટ,મનોહર વસ્ત્રો,એમનું મધુર બંસરીવાદન,ગરબા જેવું લ્હાસ નૃત્ય વ. જીવન ની પળેપળ જીવી લેવા કહે છે.

કૃષ્ણ બાળલીલા કરતા ગોકુળમાં મટકી ફોડતા,ગાયો ચરાવતા ગેડી દડે રમતા અને સાંદિપની ના આશ્રમમાં પણ ઘોર અંધારી રાતે વૃક્ષ પર સુદામા સાથે બેસી કટોકટીમાં રસ્તો શોધતાં પણ મઝા કરી લેતા. યુદ્ધમાં અર્જુનને શીખ આપતા પણ હળવી મજાક કરી લેતા. પ્રસન્નતા એમના રોમેરોમમાં, સ્મિત આપતાં મધુર મુખ પર, પગ ની ત્રિભંગીમાં અને મોરલી હોઠે અડાડવાની સ્ટાઇલમાં..બધે જ છલકે છે.

અન્ય ધર્મો ઈશ્વરને શોકમય મૂર્તિ કે હિંસામય બતાવે છે જ્યારે હિન્દૂ ધર્મ પોતે બીજા માટે સહન કરેલું શંકર ના વિષપાન પેઠે અંતરમાં ધરબી બહાર એક એક ક્ષણ માણી લેવા પ્રેરે છે એમાં કૃષ્ણ નો હવેલી પંથ અગ્ર છે. હવેલીમાં સુંદર સંગીત,સુગંધી પુષ્પોના હિંડોળા,હળવા વરસાદ ની કે યમુના જળની જારીઓ ,બંટા લાડુઓ અને એવી અંતરમન ખુશ કરતી ચીજોથી આનંદ સાથે ભક્તિ પ્રેરે છે. તો આવો ખાઈ પી મેળાઓમાં મહાલી જન્માષ્ટમી ઉજવીએ.તરબતર થયેલા હૈયે પ્રભુભક્તિ ની સરવાણી જીલીએ.

પણ આનંદ એટલે નશો કરી છાકટા થવું કે જુગાર રમવું એટલે એક પાસેથી મફત પડાવી બીજાએ રાચવું એવું કૃષ્ણ કહેતા નથી પણ એ ન કરવા કહે છે.
જુગાર એમણે રમવા કહ્યું નથી. પાંડવો કૌરવો ના ખેલમાં પોતે ગેરહાજર જ રહેલા.એમના રાજ દ્વારકામાં છાંટો પાણી ની મનાઈ હતી એટલે એમના જ મોટા ભાઈ પીવા રૈવત એટલે આજના ગિરનાર બાજુ જતા.
જન્માષ્ટમી ખાઈ પી રંગે ચંગે મેળા માણવા છે,જુગાર અને પીવાનું કોણે શા માટે જન્માષ્ટમી સાથે જોડયું એ વિચારું છું. એ તો ખોટું જ છે અને કૃષ્ણએ ક્યારેય એની ભલામણ કરી નથી.

કારાવાસમાં જુગારમાં મસ્ત કે નશો કરી સુઈ ગયેલા પહેરેગીરો ને કારણે તો કૃષ્ણ વાસુદેવ ને માથે રહી યમુના પાર કરી શક્યા. સુરાપાન કરતા યાદવો નો વિરોધ કરી જંગલમાં વાંસળી વગાડતા એમનો મોક્ષ થયો. પાંડવો કૌરવો દ્યુત રમવા બેઠા ત્યારે એ ગેરહાજર રહેલા અને દ્યુત ક્રીડા બંધ રખાવવા ઉદ્ધવ સાથે વિદુરને મળી પ્રયત્નો કરેલા. સુરા સુંદરી (એટલે વેશ્યા ગમન) અને જુગટું એમના રાજ્યમાં વર્જ્ય હતું અને યાદવો એમાં જ રાચતા એક બીજાને કાપકાપી કરતા હતા એટલે તો છેક મથુરાથી દ્વારકા આવ્યા.

એમના ઉપદેશ મુજબ ઉન્નતિ માટે કામમાં કુશળતા થી અર્થોપાર્જન કરવું, મન ની વૃત્તિઓ ફોકસ રાખવા,મન ને એલર્ટ રાખવા નશા થી દુર રહેવું.

આપણે એથી ઉલટું જ કરીએ છીએ.

તો આ અને હવેથી બધી જ જન્માષ્ટમીએ જુગાર તો ઠીક,તીનપત્તિ થી પણ દૂર રહીએ અને નશો તો ન જ કરીએ. અન્ય રાષ્ટ્રો માં જન્માષ્ટમી ઉજવવા દેવાય છે પરંતું નશો જાહેરમાં કર્યો કે જુગાર રમતા પકડાયા તો અહીંથી ઘણી મોટી સજા થાય છે.

કૃષ્ણને એમના ઉપદેશ મુજબ માણી રંગે ચંગે જન્માષ્ટમી ઉજવીએ

-સુનિલ અંજારીયા

Gujarati Blog by SUNIL ANJARIA : 111247674

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now