#કાવ્યોત્સવ -૨

'સચવાય છે' (ગઝલ)

એક સરખું રોજ બસ, જીવાય છે,
આ જીવનમાં ક્યાં કશું બદલાય છે?

ક્યાં તમારાથી કશું પણ થાય છે?
કોઈ પાસે આવી ચાલ્યું જાય છે!

પીડા કોઈ આંખમાં વંચાય છે,
આંખ મારી પણ ત્યાં ભીની થાય છે!

વાત તારી યાદ આવી જાય છે,
ત્યાં ગઝલ કોઈ નવી સર્જાય છે!

એવું ને એવું બધું છે યાદ દોસ્ત!
ક્યાં સ્મરણ કોઈ જરા ભૂલાય છે?

ના તને એની ખબર પડવાની કે
છોડ કો' તારા વગર સૂકાય છે!

રાગ છેડે છે તું જ્યાં મલ્હારનો,
સાંભળીને વાદળો બંધાય છે!

દૂરથી વરસાદમાં જોઈ તને,
કોરો છું, તો પણ આ મન ભીંજાય છે!

પ્રેમપૂર્વક કાળજી ના લો અગર,
ફૂલ માફક હૈયું પણ મૂરઝાય છે!

સાચવી સંતાન જેને ના શક્યાં,
વૃધ્ધો એ ઘરડાંઘરે સચવાય છે!

જાણે પહેલી વાર મળતાં હોઈએ,
એમ તું મારાથી પણ શરમાય છે!

- હેમંત મદ્રાસી

Gujarati Poem by Hemant Madrasi : 111170493

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now